ગર્ભવતી મહિલા પત્રકારને રાહુલ ગાંધીએ માર્યો ધક્કો, હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું: સવાલ પૂછવા પર કોંગ્રેસે પીડિતા પર જ ઉઠાવ્યા સવાલો

મહિલા સન્માનની મોટી-મોટી વાતો કરનારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાયા છે. દિલ્હીમાં 12 ઑક્ટોબરના રોજ INDI ગઠબંધનના નેતાઓ ચૂંટણી કમિશનર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા ભેગા થયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ એક ગર્ભવતી મહિલા પત્રકાર સાથે ધક્કામુક્કી કરી અને ગેરવર્તન કર્યું. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત મહિલા પત્રકારને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે

ઘટનાની વિગતો અનુસાર ‘OneIndia’ ન્યૂઝ પોર્ટલનાં પત્રકાર રિચા પરાશર સુપ્રીમ કોર્ટ પરિસરમાં પોતાની ફરજ નિભાવી રહ્યાં હતાં તે દરમિયાન આ ઘટના બની હતી. હોસ્પિટલના બેડ પરથી પોતાની સાથે થયેલી ઘટનાનું વર્ણન કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટ પરિસરમાં રાહુલ ગાંધીની બાઇટ લેવા માટે ઊભાં હતાં. તેમણે રાહુલ ગાંધી તરફ માઇક લંબાવ્યું હતું, પરંતુ તેમણે માઇક દૂર કરવાનો ઈશારો કર્યો હતો.

કેમેરામેન સાથે પણ થઈ ધક્કામુક્કી

રિચાના જણાવ્યા અનુસાર તેમણે પહેલાં માઇક હટાવી લીધું હતું, પરંતુ ત્યાં અન્ય પત્રકારો પણ માઇક આગળ કરી રહ્યા હોવાથી તેમણે ફરી માઇક આગળ કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધી તેમની તરફ આગળ આવ્યા અને તેમનો હાથ પકડીને જોરથી ખેંચ્યો હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. રિચાના કહેવા પ્રમાણે ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ તેમને ધક્કો માર્યો અને તેઓ સીધાં જમીન પર પડ્યાં હતાં.

રિચાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે તેમના કેમેરામેનને પણ ધક્કો મારવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ તેમના પર પડ્યાં હતાં અને ત્યારબાદ ભીડમાં અન્ય લોકો પણ તેમની ઉપર પડ્યા હતા. આ ઘટનામાં તેમના ઘૂંટણ અને પેટને જમીન પર વાગ્યું હોવાનો તેમણે દાવો કર્યો હતો.

તેમણે એમ પણ જણાવ્યું કે તેમનો ફોન તૂટી ગયો હતો અને માઇકનું રિસીવર પણ નીકળી ગયું હતું. હોસ્પિટલમાંથી વાત કરતા રિચાએ કહ્યું હતું કે આ મામલો ભાજપ કે કોંગ્રેસનો નથી, પરંતુ તેઓ પોતાનું કામ કરી રહેલાં એક સામાન્ય નાગરિક અને પત્રકાર છે. તેમની સાથે શું થયું તે અંગે રાજકીય પક્ષો વચ્ચે વિવાદ ચાલે તેનાથી તેમને થયેલી તકલીફ ઓછી થતી નથી.

ભાજપ નેતાઓએ લીધી પીડિતાની મુલાકાત

આ ઘટના સામે આવ્યા બાદ ભાજપના નેતાઓ રિચા પરાશરની ખબરઅંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારી અને દિલ્હી ભાજપના નેતાઓએ હોસ્પિટલમાં જઈને મહિલા પત્રકારને સાંત્વના આપી હતી. ભાજપે આ ઘટનાને આકરા શબ્દોમાં નકારીને રાહુલ ગાંધીના બેવડા ચરિત્રને ખુલ્લું પાડ્યું હતું. સ્ટેજ પરથી ‘સ્મેશ ધ પેટ્રિયાર્કી’ અને મહિલા અધિકારોનાં ભાષણો આપનારા રાહુલ ગાંધી વાસ્તવિક જીવનમાં કામ કરતી મહિલા પત્રકાર સાથે કેવું વર્તન કરે છે, તે આ ઘટનાથી સાબિત થઈ ગયું છે.

કોંગ્રેસ બચાવમાં ઉતરી

બીજી તરફ, પોતાની ભૂલ સ્વીકારવા કે ગર્ભવતી મહિલા પત્રકારની માફી માંગવાને બદલે કોંગ્રેસ પક્ષે હંમેશાની જેમ વિક્ટિમ કાર્ડ રમીને ‘પ્રોપેગેન્ડા’નો સહારો લીધો છે. કોંગ્રેસી નેતા અલકા લાંબાએ પીડિત મહિલાના હોસ્પિટલ પહોંચવાના સમય અને તેમના એક્સ-રે રિપોર્ટ જેવા તબીબી મુદ્દાઓ પર જ સવાલો ઉઠાવીને સંવેદનહીનતાની તમામ સીમાઓ વટાવી દીધી છે.

કોંગ્રેસી નેતાઓની આ નિંદનીય ટીકાઓથી સ્પષ્ટ થાય છે કે જ્યારે પોતાના જ નેતા કઠેડામાં ઊભા થાય છે ત્યારે કોંગ્રેસ સત્યને દબાવવા માટે કઈ હદે જઈ શકે છે. પીડિત પત્રકાર રિચાએ પોતે સ્પષ્ટ કર્યું છે કે આ મામલો કોઈ રાજકીય પક્ષબાજીનો નથી પરંતુ એક ફરજ પર હાજર મહિલા પત્રકારના આત્મસન્માન અને સુરક્ષાનો છે. પરંતુ કોંગ્રેસ પોતાના શીર્ષ નેતાની છબી બચાવવા માટે પીડિત મહિલા પર જ સવાલો ઉઠાવીને તેમને જ દોષિત ઠેરવવાનો કૂડકપટપૂર્ણ પ્રયાસ કરી રહી છે.

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગાંધી પરિવાર અને કોંગ્રેસ પક્ષ માટે નિયમો અને કાયદા માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે. પોતાની રાજકીય રેલીઓ અને પ્રદર્શનોમાં મીડિયાના કેમેરા સામે ‘મહિલા સશક્તિકરણ’નો ડોળ કરતા રાહુલ ગાંધી પ્રિયંકા વાડ્રાના ‘લડકી હુ, લડ સકતી હુ’ નારાના ધજાગરા ઉડાવી રહ્યા છે.

પોતાની વિરુદ્ધ કે પોતાની પસંદગી વગરના પ્રશ્નો પૂછનાર મીડિયાકર્મીઓ પર ગુસ્સો ઠાલવવો એ રાહુલ ગાંધીની જૂની આદત રહી છે. આ સમગ્ર મામલે રાહુલ ગાંધી અને તેમની સુરક્ષા ટીમ સામે તપાસ થવી જરૂરી છે. સવાલ એ ઊભો થાય છે કે શું એક ગર્ભવતી મહિલા પત્રકાર પર થયેલા આ હુમલા બાદ પણ રાહુલ ગાંધી મૌન રહેશે?