ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પોલીસ સ્ટેશનમાં હોબાળો કરવા, પોલીસ અધિકારીની કાયદેસરની કામગીરીમાં અવરોધ ઊભો કરવા અને બે સમુદાયો વચ્ચે તણાવ પેદા કરવાના પ્રયાસો સહિતના આરોપો હેઠળ તેમની સામે FIR નોંધવામાં આવી છે. આ કેસમાં મેવાણી ઉપરાંત અન્ય સાત વ્યક્તિઓનાં નામ પણ સામે આવ્યાં છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હોવાનો પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ સિવાય ચૂંટણી આચારસંહિતા ભંગ કરવા બદલ બીજી એક FIR નોંધાઈ હોવાની ઘટના પણ સામે આવી છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
નોંધનીય છે કે આ મામલો માત્ર પોલીસ સ્ટેશનમાં થયેલી બોલાચાલી પૂરતો મર્યાદિત નથી. તેની શરૂઆત ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના એક પ્રચારકને ધમકી આપવાના વિવાદથી થઈ હતી. ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવારને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા અને આ દરમિયાન જિજ્ઞેશ મેવાણી તથા તેમના સમર્થકો ત્યાં પહોંચ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં ભાજપના ઉમેદવારના પ્રચારક ભાવેશ ભાવસારને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે કે કોંગ્રેસના વોર્ડ નંબર 4ના ઉમેદવાર યુનુસ પરમાર અને તેમના સાથીઓએ ભાવસારને ચોક્કસ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા સામે ચેતવણી આપી હતી.
અહેવાલ મુજબ, 8 ઑક્ટોબ્ર, 2026ના રોજ રાત્રે આશરે 10 વાગ્યે પેથાપુરના સંજરી પાર્ક વિસ્તારમાં આ ઘટના બની હતી. લોકશાહીમાં દરેક રાજકીય પક્ષને શાંતિપૂર્ણ રીતે પ્રચાર કરવાનો અધિકાર છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવારોએ ધમકી આપતા ભાવેશ ભાવસારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
કોંગ્રેસના ઉમેદવારને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા
ભાવસારની ફરિયાદ મળ્યા બાદ જ્યારે પોલીસે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે કોંગ્રેસના ઉમેદવાર યુનુસ પરમારને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા ત્યારે જિજ્ઞેશ મેવાણી પોતાના સમર્થકોનું ટોળું લઈને ત્યાં પહોંચી ગયા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની ફરજ બજાવી રહ્યા હતા અને નિવેદન નોંધી રહ્યા હતા, તેવામાં મેવાણી અને તેમના સાથીઓએ રૂમમાં બળજબરીથી પ્રવેશીને સરકારી કામગીરીમાં સીધો અવરોધ ઊભો કર્યો હતો અને હોબાળો કર્યો હતો.
કોઈપણ ચૂંટણીમાં ઉમેદવાર સામે ફરિયાદ નોંધાય ત્યારે પોલીસ દ્વારા પૂછપરછ કરવી એ કાયદેસરની તપાસનો ભાગ છે. આ કામગીરીમાં જિજ્ઞેશ મેવાણી અને તેમના સમર્થકોએ ખલેલ ઊભી કરી અને હોબાળો મચાવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. દેસાઈની ફરિયાદ અનુસાર મેવાણી અને તેમની સાથે આવેલા અન્ય આરોપીઓએ એકત્ર થઈને પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો.
આ સિવાય એવો પણ આરોપ છે કે તેમણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને પોલીસ અધિકારી સાથે ગેરવર્તણૂક કરી હતી. આ ઉપરાંત બળજબરીથી કોંગ્રેસના ઉમેદવારનું નિવેદન નોંધવાની પ્રક્રિયા રોકવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદ મુજબ, પોલીસ સ્ટેશનની બહાર પણ સમર્થકો એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસર પડી શકે તેમ હતી.
બે સમુદાયો વચ્ચે તણાવ ભડકાવવાનો આરોપ
ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસ સ્ટેશનની બહાર એકત્ર થયેલા લોકોએ ઠાકોર સમાજનો ઉલ્લેખ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસનું કહેવું છે કે આ દરમિયાન પોલીસ વિરુદ્ધ લોકોને ઉશ્કેરવાનો, પોલીસની છબી ખરડવાનો અને સામાજિક શાંતિને અસર પહોંચાડવાનો પ્રયાસ થયો હતો.
ફરિયાદ મુજબ, મેવાણીના સમર્થકોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. આરોપ છે કે આ વિડીયો અને તેમાં કરવામાં આવેલી ટિપ્પણીઓથી જુદા-જુદા સમુદાયો વચ્ચે વૈમનસ્ય કે તણાવ ઊભો થઈ શકે તેમ હતું.
ઉલ્લેખનીય છે કે આજના સમયમાં નેતાઓ અને તેમના સમર્થકો પોલીસ કાર્યવાહી, ચૂંટણી પ્રચાર તથા જાહેર કાર્યક્રમોના વિડીયો સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે. વિડીયો મૂકવો ગુનો નથી, પરંતુ જો કોઈ સામગ્રી જાણીજોઈને ખોટી માહિતી ફેલાવવા, લોકોને ઉશ્કેરવા અથવા સમુદાયો વચ્ચે દુશ્મનાવટ વધારવાના હેતુથી વાયરલ કરવામાં આવી હતી તો લાગુ પડતી કાનૂની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થઈ શકે છે અને મેવાણી સાથે એ જ થયું છે.
જિજ્ઞેશ મેવાણી સામે કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધાયો?
પેથાપુર પોલીસ સ્ટેશનમાં મેવાણી વિરુદ્ધ BNSની કલમ 189(2), 190, 191(2), 221, 351(2), 352, 353(1)(b), 353(1)(c) અને 353(2) અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ FIR નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 11 ઑક્ટોબર, 2026ના રોજ મતદાન યોજાયું હતું. આ જ દિવસે રાત્રે જિજ્ઞેશ મેવાણી અને અન્ય સાત વ્યક્તિઓ સામે FIR થઈ હતી. આ મામલે હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.
નોંધનીય છે કે 12 ઑક્ટોબર સુધીમાં મેવાણી વિરુદ્ધ બીજી એક ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ગાંધીનગરના સેક્ટર-13 પોલીસ ચોકી વિસ્તાર સાથે જોડાયેલા અન્ય એક બનાવમાં મેવાણી સહિત કુલ 10 વ્યક્તિઓ સામે ચૂંટણી આચારસંહિતાના ભંગ, પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક, અભદ્ર ભાષાનો ઉપયોગ અને પોલીસની કાયદેસરની કામગીરીમાં અવરોધ ઊભો કરવાના આરોપો અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે.
સામે આવ્યું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન નિવેષ પંચાલ નામક વ્યક્તિને કોંગ્રેસી મુનાફ પઠાણએ ધમકી આપી હતી. આ મામલે પણ જ્યારે પૂછપરછ ચાલુ હતી ત્યારે મેવાણી અને તેમના સમર્થકો ફરીથી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. આ વખતે પણ પૂછપરછ દરમિયાન મેવાણી અને તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ સાથે બોલાચાલી કરી હોવાના પણ આરોપો છે. હવે આ બંને મામલે પોલીસ ઘટનાસ્થળે હાજર લોકોનાં નિવેદનો, CCTV અથવા મોબાઇલ વિડીયો, સોશિયલ મીડિયા પર મૂકાયેલી સામગ્રી તથા અન્ય ઉપલબ્ધ પુરાવાઓની તપાસ કરશે.
આ પહેલાં પણ મેવાણી પોલીસ સાથે કરી ચૂક્યા છે ગેરવર્તણૂક
નોંધનીય છે કે જિજ્ઞેશ મેવાણીની પોલીસ સાથે ઘર્ષણની આ પહેલી ઘટના નથી. આ પહેલાં પણ વર્ષ 2018માં અમદાવાદ બંધના એલાન સમયે સાદા કપડાંમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ સાથે મેવાણીએ મગજમારી કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં તેઓ પોલીસ અધિકારીઓ સામે ‘તારા બાપની જાગીર છે?’ અને ‘લખોટા’ જેવા અત્યંત હલકા અને અપમાનજનક શબ્દોનો ખુલ્લેઆમ ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.
આ ઉપરાંત નવેમ્બર 2025માં બનાસકાંઠાના થરાદ ખાતે SP કચેરીમાં રજૂઆત કરતી વખતે પણ તેમનો આ જ ધમકીભર્યો અંદાજ સામે આવ્યો હતો. રજૂઆતના નામે પોલીસ કર્મચારીઓની નૈતિકતા પર પ્રહાર કરતા તેમણે ‘પોલીસના પટ્ટા ઉતરી જશે’ એવી ધમકીઓ આપી હતી. આ સિવાય તાજેતરમાં ફેબ્રુઆરી 2026માં જ દારૂના અડ્ડા અંગે રજૂઆત કરવાના બહાને પાલડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચેલા મેવાણીએ કાયદાકીય પ્રક્રિયા પાલન કરવાની જગ્યાએ પોલીસ અધિકારીઓને અલ્ટિમેટમ આપીનેગેરવર્તણૂક કરી હતી.
જિજ્ઞેશ મેવાણી અને ગુજરાત પોલીસ વચ્ચેના વિવાદોની આ વણથંભી શ્રંખલા સ્પષ્ટપણે દર્શાવે છે કે કાયદાના રક્ષક ગણાતા પોલીસકર્મીઓ સાથે ગેરવર્તણૂક કરવી, તેમને ધમકાવવા અને પોતાના પદનો રોફ જમાવવો એ તેમની એક કાયમી આદત બની ગઈ છે.
જનપ્રતિનિધિ કે ધારાસભ્ય હોવાનો અર્થ ક્યારેય એવો નથી હોતો કે તમે કાયદાકીય જોગવાઈઓથી ઉપર છો અથવા વર્દી પહેરેલા સત્તાવાર અધિકારીઓ સાથે ગમે તેવા અભદ્ર શબ્દોમાં વર્તવાની તમને છૂટ મળી જાય છે. જૂન ત્રણેય કિસ્સાઓને તાજેતરમાં નોંધાયેલી 2 FIR સાથે જોડીને જોઈએ તો પરિસ્થિતિ વધુ ગંભીર જણાય છે. પેથાપુર ખાતે પણ કોંગ્રેસ ઉમેદવારની પૂછપરછ દરમિયાન લેખન વિભાગમાં બળજબરીથી ઘૂસી જવું, સરકારી ફરજમાં સીધો અવરોધ ઊભો કરવો અને હોબાળો મચાવવો એ જ જૂની પેટર્નનું પુનરાવર્તન દર્શાવે છે.
લોકશાહી પ્રક્રિયામાં કોઈપણ મુદ્દા કે અન્યાય સામે રજૂઆત કરવાનો અથવા કાયદાકીય માધ્યમોથી પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવવાનો અધિકાર દરેક નાગરિક અને નેતાને છે. પરંતુ, બંધારણીય પદ પર બેસીને પોલીસ સ્ટેશનમાં ધાકધમકી આપવી, જાહેર શાંતિ જોખમાય તેવું વાતાવરણ ઊભું કરવું અને ફરજ પરના કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી રોફ જમાવવો એ કાયદાનું શાસન નબળું પાડવાનો જ પ્રયાસ છે.


