‘એન્ટી-પ્લેગ’ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતી 28 વર્ષની મહિલાનું મોત: 200 લોકો ક્વોરન્ટાઇન, રશિયામાં પ્લેગની આશંકા

રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં આવેલી એક સંશોધન સંસ્થામાં કામ કરતી 28 વર્ષીય મહિલા કર્મચારી દાર્યા શિપિલોવાનાં રહસ્યમય મૃત્યુ બાદ પ્લેગ ફેલાવાની ચિંતા ઊભી થઈ છે. મૃતક મહિલા ઇર્કુત્સ્ક વિસ્તારમાં આવેલા ‘એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’માં કાર્યરત હતી. 2 ઑક્ટોબરે ગંભીર ન્યુમોનિયાના લક્ષણો દેખાયા બાદ તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જોકે, રશિયન સત્તાવાળાઓએ અત્યાર સુધી આ મૃત્યુ પ્લેગના કારણે જ થયું છે તેવી સત્તાવાર પુષ્ટિ કરી નથી, જેના કારણે હાલ વિવિધ આશંકાઓ સેવાઈ રહી છે.

આ સમગ્ર મામલો એટલા માટે વધુ ગંભીર ગણવામાં આવી રહ્યો છે કારણ કે મૃતક જે સંસ્થામાં કામ કરતી હતી, તે પોતે જ પ્લેગ જેવા અત્યંત જોખમી રોગો પર સંશોધન કરે છે. કેટલાક સ્થાનિક અહેવાલો મુજબ સંશોધન દરમિયાન પ્લેગ ફેલાવતા ‘યર્સિનિયા પેસ્ટિસ’ નામના બેક્ટેરિયા ધરાવતી ટેસ્ટ ટ્યુબ તૂટી જવાથી તે ચેપના સંપર્કમાં આવી હોય શકે છે. જ્યારે એવા પણ દાવા છે કે તે મંગોલિયા સરહદ નજીકના એક અભિયાનમાંથી પરત ફર્યા બાદ બીમાર પડી હતી, તેથી હાલ વિવિધ સંભાવનાઓની તપાસ ચાલી રહી છે.

શરૂઆતમાં ન્યુમોનિયાના લક્ષણો જોવા મળ્યા બાદ મૃત્યુ

મહિલાને શરૂઆતમાં ગંભીર ન્યુમોનિયાના લક્ષણો જોવા મળ્યા હતા અને સ્થિતિ વધુ બગડતાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ તેને અતિ જોખમી ચેપ ગણીને તાત્કાલિક સાવચેતીના પગલાં લીધાં હતાં. પરંતુ રશિયાની આરોગ્ય સંસ્થા ‘રોસ્પોટ્રેબનાડઝોર’ના જણાવ્યા અનુસાર, દર્દીને ‘અનનોન એટીયોલોજી ન્યુમોનિયા’ એટલે કે અજ્ઞાત કારણોસર થયેલો ન્યુમોનિયા હતો. પ્રારંભિક લેબ ટેસ્ટમાં તેની સંસ્થાના કોઈ બેક્ટેરિયા કે વાયરસની હાજરી મળી આવી નથી.

200 લોકોને કરાયા ક્વોરન્ટાઇન

મહિલાના સસ્પેક્ટેડ મૃત્યુ બાદ આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લઈને તેની સાથે સંપર્કમાં આવેલા લગભગ 200 લોકોને તબીબી નિરીક્ષણ હેઠળ રાખ્યા છે. આ તમામ લોકોને ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે અને નજીકની ફેક્ટરીઓમાં કર્મચારીઓને માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવેલા તમામ લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને કોઈનામાં પણ રોગના લક્ષણો જોવા મળ્યા નથી.

આ કિસ્સામાં પ્લેગની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે પડોશી પ્રદેશના ગવર્નર એલેક્સી ત્સિદેનોવે સોશિયલ મીડિયા પર આ મહિલાનું મૃત્યુ પ્લેગથી થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ નિવેદનને કારણે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પ્લેગના પ્રકોપ અંગે અફવાઓ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. બીજી તરફ, અમેરિકન સત્તાવાળાઓ અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિષ્ણાતો પણ આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

‘બ્લેક ડેથ’ તરીકે ઓળખાતો પ્લેગ

ઇતિહાસમાં ‘બ્લેક ડેથ’ તરીકે ઓળખાતો પ્લેગ રોગ ‘યર્સિનિયા પેસ્ટિસ’ નામના બેક્ટેરિયાથી થાય છે અને તે સામાન્ય રીતે નાના પ્રાણીઓ તેમજ ચાંચડ દ્વારા ફેલાય છે. પ્લેગનો ‘ન્યુમોનિક’ પ્રકાર સૌથી ખતરનાક ગણાય છે, જે ફેફસાં પર અસર કરે છે અને દર્દીના શ્વાસ કે ઉધરસના કણો દ્વારા એક માણસમાંથી બીજા માણસમાં ફેલાઈ શકે છે. જો સમયસર સચોટ એન્ટિબાયોટિક્સ સારવાર આપવામાં આવે તો પ્લેગ મટાડી શકાય છે, પરંતુ સારવાર વિના તે જીવલેણ બની શકે છે.

વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે ‘ડબ્લ્યુએચઓ’ના તાજેતરના અહેવાલો બતાવે છે કે પ્લેગ સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. વર્ષ 2019થી 2025 વચ્ચે વિશ્વના 10 દેશોમાંથી પ્લેગના શંકાસ્પદ કેસો નોંધાયા હતા, જેમાં લગભગ 3,847 જેટલા કેસ અને 423 મૃત્યુ નોંધાયાં હતાં. આમાંના મોટાભાગના કેસો આફ્રિકન દેશો જેમ કે કોંગો અને મેડાગાસ્કરમાં જોવા મળ્યા હતા, જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ રોગ સામે સતત દેખરેખ રાખવી જરૂરી છે.

હાલ રશિયાના ઇર્કુત્સ્કમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને તપાસ એ વાતની ચાલી રહી છે કે મહિલાનું મૃત્યુ ખરેખર કયા ચેપથી થયું હતું. રશિયન હેલ્થ વિભાગે તમામ પરિસ્થિતિ પર કાબૂ હોવાનો દાવો કર્યો છે. હવે લેબોરેટરીના અંતિમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.