
સોશિયલ મીડિયા પર વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની એક સભાના અમુક વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જાહેરમાં મેવાણી પર ચાર લાખ રૂપિયા લેવાના અને બોગસ વોટિંગ કરાવવાના આરોપ લાગ્યા છે. મોટેભાગે મુસ્લિમ સમુદાયની બહુમતીવાળી આ સભા બનાસકાંઠાના ટોકરિયા ગામમાં યોજાઈ હતી, જેમાં એક મુસ્લિમ વ્યક્તિની ફરિયાદોનો વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે. સભામાં જિજ્ઞેશ મેવાણી પણ હાજર હતા.
સભામાં હાજર એક વ્યક્તિએ જાહેરમાં એવો દાવો કર્યો હતો કે તેમણે ચૂંટણી સમયે તેમણે જિજ્ઞેશ મેવાણીને જીતાડવા માટે 250 જેટલા બોગસ વોટ નખાવ્યા હતા. તેમણે કહ્યું કે તે પહેલાં તેમણે જિજ્ઞેશ મેવાણી સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી.
'અમે જિજ્ઞેશ મેવાણી માટે 250 ખોટા વોટ નખાવ્યા હતા'
— ઑપઇન્ડિયા (@OpIndia_G) September 30, 2026
ટોકરિયા ગામની સભાનો વિડીયો વાયરલ. કોંગ્રેસ નેતા મેવાણીની હાજરીમાં જ દાવો કરવામાં આવ્યો. #JigneshMewani #Gujarat #Congress pic.twitter.com/hunD3F6slO
વિડીયોમાં તેઓ કહેતા સંભળાય છે કે, “આ જિજ્ઞેશભાઈએ છેલ્લા દિવસે મને કહ્યું કે કેટલા વોટ મળશે? મેં કહ્યું કે 400 વોટ થશે. તો તેમણે કહ્યું કે એ ન ચાલે. તો મેં કહ્યું કે અમે રસ્તો કાઢીશું. જિજ્ઞેશભાઈ માટે 250 વોટ ખોટ અમે કરાવ્યા હતા.” ત્યારબાદ તેઓ કહે છે કે કોઈએ વિડીયો રેકોર્ડ કરવો હોય તો કરી લે તેમને કોઈ વાંધો નથી.
₹4 લાખ લીધા હોવાનો પણ આરોપ
ચૂંટણીમાં બોગસ મતદાન ઉપરાંત કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પર નાણાકીય લેવડદેવડ અને ભ્રષ્ટાચારના પણ આરોપો લાગ્યા છે. રોડ-રસ્તા અને વિકાસ કામોની ફરિયાદ કરતી વખતે આ જ મુસ્લિમ વ્યક્તિએ દાવો કર્યો હતો કે મેવાણીએ ટિકિટ આપવાના નામે તેમની પાસેથી ₹4 લાખ લીધા હતા. તેમણે જાહેરમાં કહ્યું હતું કે કુરાન પર હાથ મૂકીને સોગંદ ખાવા માટે પણ તૈયાર છે કે આ પૈસા મેવાણીને આપવામાં આવ્યા હતા.
'જિજ્ઞેશ ભાઈએ સર્કિટ હાઉસમાં ચાર લાખ રૂપિયા લીધા હતા'
— ઑપઇન્ડિયા (@OpIndia_G) September 30, 2026
ટોકરિયા ગામમાં મુસ્લિમ સમુદાયની સભામાં કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો વિરોધ. રોડ-રસ્તાનાં કામોની ફરિયાદ કરતી વખતે એક વ્યક્તિએ દાવો કર્યો કે મેવાણીએ ટિકિટ માટે તેમની પાસેથી ચાર લાખ રૂપિયા લીધા હતા. સાથે કહ્યું કે પોતે… pic.twitter.com/hhD7FNde2H
સભા દરમિયાન ગ્રામજનોએ મેવાણી પાસેથી ધારાસભ્ય તરીકે તેમના છેલ્લા 9 વર્ષના શાસનકાળનો હિસાબ માગ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી વખતે આપેલા વાયદાઓ મુજબ ગામમાં વિકાસના કોઈ કામો થયાં નથી અને ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ પણ થતો નથી. જ્યારે ગ્રામજનોએ રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓ અંગે આકરા સવાલો પૂછ્યા ત્યારે મેવાણીએ વહીવટી અને તંત્રની અમુક પ્રક્રિયાઓના કારણે કામો અટકેલાં હોવાનું બહાનું ધરી દીધું હતું અને કહ્યું હતું કે તેમનું કામ માત્ર રજૂઆત કરવાનું છે, કામો પાસ કરવાં સરકારનું કામ છે.
ચાર લાખ લેવા મુદ્દે મેવાણીએ કહ્યું કે તેમણે કોંગ્રેસ પાર્ટીના માણસ પાસેથી પૈસા લીધા હતા, ગ્રામજનો પાસેથી પૈસા લીધા નથી. સાથે કહે છે કે કોંગ્રેસના માણસ પાસેથી પૈસા લીધા હોય તો એ તેમનો અને કોંગ્રેસના માણસનો વિષય છે, તેમાં ગ્રામજનોને કોઈ લેવાદેવા નથી.
આ સભાના વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઉપરાંત લોકો હવે કોંગ્રેસ પાર્ટીને પ્રશ્નો કરી રહ્યા છે કે એક તરફ પાર્ટી ‘વોટ ચોરી’ની બૂમો પાડે છે તો બોગસ વોટના આરોપોનું શું. પાર્ટીએ આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રક્રિયા આપી નથી.

