UKમાં અમેરિકાના એરબેઝ નજીકથી પાંચ શંકાસ્પદોની ધરપકડ, ટેરર એન્ગલની તપાસ શરૂ: ઈરાન પર અહીંથી જ થતા હતા હુમલા

બ્રિટનના ગ્લોસ્ટરશાયર (Gloucestershire) વિસ્તારમાં આવેલા RAF ફેઇરફોર્ડ (RAF Fairford) એરબેઝ નજીકથી 27 સપ્ટેમ્બરની મધરાતે પોલીસે પાંચ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર સ્થાનિક સમય અનુસાર 12:45 વાગ્યે એરબેઝ તરફ ત્રણ શંકાસ્પદ વાહનો જતાં જોવા મળ્યાં હતાં. ત્યારબાદ પોલીસે વાહનો શોધી કાઢીને પાંચને પકડી લીધા હતા.

આ એરબેઝનો ઉપયોગ અમેરિકા કરે છે. ઈરાન પર થતા હુમલાઓ અને બૉમ્બમારા માટે આ એરબેઝનો ઉપયોગ થતો રહ્યો છે. જોકે એરબેઝ યુકેની ધરતી પર હોવાના કારણે અમેરિકા પોતાની રીતે ઑપરેશનો લૉન્ચ કરી શકતું નથી અને યુકેની સરકારની પરવાનગીની જરૂર હોય છે.

એરબેઝ નજીકથી પકડાયેલા પાંચની ધરપકડ પહેલાં એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ કરવામાં આવી હતી, ત્યારબાદ આતંકવાદની કલમો પણ જોડવામાં આવી. હાલમાં આ પાંચેય પોલીસ કસ્ટડીમાં છે અને બ્રિટનની કાઉન્ટર ટેરરિઝમ પોલિસિંગ ટીમ તપાસ કરી રહી છે.

અહેવાલ મુજબ ઘટના બાદ વેલ્ફોર્ડ વિસ્તારમાં ત્રણ વૅનને પોલીસે ઘેરી લીધી હતી. બ્રિટિશ આર્મીની બૉમ્બ ડિસ્પોઝલ ટીમે આશરે 400 મીટરનો સુરક્ષા ઘેરો બનાવીને વાહનોની તપાસ શરૂ કરી હતી. પોલીસને શંકા હતી કે આ વાનમાં વિસ્ફોટક પદાર્થ હોય શકે છે, જોકે આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કે પોલીસનું નિવેદન સામે આવ્યું નથી. વધુમાં સામે આવ્યું છે કે સુરક્ષાના ભાગરૂપે આસપાસનાં 85 ઘરોના લોકોને તાત્કાલિક બહાર ખસેડવામાં આવ્યા હતા. ગ્લોસ્ટરશાયર પોલીસના જણાવ્યા અનુસાર સ્થિતિ હવે નિયંત્રણમાં છે, પરંતુ તપાસ હજુ ચાલુ છે.

ઈરાની કનેક્શનની તપાસ ચાલુ

હાલમાં એ પ્રશ્ન છે કે આ પાંચ શંકાસ્પદોનો હેતુ શું છે અને તેમની પાછળ કોણ છે. અધિકારીઓએ હજુ સુધી ધરપકડ કરવામાં આવેલા લોકોની ઓળખ કે નાગરિકતા જાહેર કરી નથી. બ્રિટિશ મીડિયાના અહેવાલો મુજબ આ ઘટનાનો ઈરાન સાથે કોઈ સંબંધ છે કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે. ઈરાને અગાઉ આ એરબેઝ અંગે ચેતવણી આપી હતી, તેથી એ દિશામાં પણ તપાસ ચાલુ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે બંને દેશોની એજન્સીઓ આ લોકો પર અગાઉથી નજર રાખી રહી હતી. તેમના મતે શંકાસ્પદો મોટું નુકસાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યા હતા. જોકે બ્રિટિશ પોલીસના રિપોર્ટ અનુસાર આ ઑપરેશનની શરૂઆત એક સ્થાનિક નાગરિકના 999 પર કોલ આવ્યા બાદ થઈ હતી.

અન્ય અમેરિકી એરબેઝ પર સુરક્ષા વધારાઈ

આ ઘટના બાદ બ્રિટનમાં આવેલા અન્ય અમેરિકી એરબેઝ પર પણ સુરક્ષા બંદોબસ્ત મજબૂત કરી દેવાયો છે. RAF લેકનહીથ અને RAF મિલ્ડનહોલ ખાતે સશસ્ત્ર જવાનો અને સૈન્ય વાહનો તહેનાત કરવામાં આવ્યા છે. અમેરિકી દૂતાવાસે પણ બ્રિટનમાં રહેતા તેના નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.

વ્યૂહાત્મક રીતે RAF ફેઇરફોર્ડ બ્રિટનનું અત્યંત મહત્વનું એરબેઝ છે. અહીં મોટો રનવે હોવાથી અમેરિકાના ભારે બૉમ્બર વિમાનો સરળતાથી ઑપરેટ કરી શકાય છે. ઈરાન તરફથી અગાઉ આ બેઝને લક્ષ્ય બનાવવાની ધમકી મળી હોવાથી આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ ગણાય છે.

હાલ સુધી પ્રાપ્ત વિગતો મુજબ પાંચેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને વાહનોની ફોરેન્સિક તપાસ ચાલુ છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા વિનંતી કરી છે. ઘટનાસ્થળેથી હજુ સુધી ચોક્કસ કઈ સામગ્રી મળી છે તેની સત્તાવાર માહિતી બહાર આવી નથી.