
મુસ્લિમ યુવકો દ્વારા ‘લવ જેહાદ’ હેઠળ હિંદુ સગીરાઓ અને યુવતીઓ/મહિલાઓને ઓળખ છુપાવીને કે અન્ય લોભ-લાલચો અને પ્રલોભનો આપીને ભગાડી લઈ જવાના કિસ્સાઓમાં વધારો થયો છે ત્યારે આવા કેસો ડામવા માટે ભાવનગર જિલ્લા પોલીસે 2026ની શરૂઆતમાં એક વિશેષ ઑપરેશન લૉન્ચ કર્યું હતું. આ ઑપરેશન હેઠળ પોલીસે અત્યાર સુધીમાં કુલ 17 સગીરાઓ, યુવતીઓને મુસ્લિમ યુવકોની જાળમાંથી મુક્ત કરાવીને પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું છે.
ભાવનગર પોલીસ અનુસાર કુલ 17 કેસમાંથી 9માં વિધિવત FIR દાખલ કરવામાં આવી હતી, જ્યારે 6 કિસ્સાઓમાં જાણવાજોગ ફરિયાદ દાખલ થઈ હતી. અમુક FIRમાં પીડિતાઓ સાથે બળાત્કાર થયો હોવાનું પણ સામે આવતાં ભારતીય ન્યાય સંહિતાની રેપ સંબંધિત કલમ અને સગીરાઓના કિસ્સામાં પોક્સો એક્ટની કલમો પણ લગાડવામાં આવી હતી.
ભાવનગર જિલ્લા પોલીસની અસરકારક કાર્યવાહી..
— Gujarat Police (@GujaratPolice) September 25, 2026
૯ માસમાં ૧૭ સગીરા/મહિલાઓનું રેસ્ક્યૂ કરી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું.#GujaratPolice pic.twitter.com/wHmzpaVB7Y
છેલ્લા નવ મહિનામાં ચાલેલા આ ઑપરેશનમાં નિલમબાગ પોલીસ મથકમાં 5 કેસ આવ્યા હતા. ઘોઘારોડ પોલીસ મથકમાં 4, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં 3 અને બાકીના ઉમરાળા-મહુવા, ભરતનગર અને ગંગાજળિયા પોલીસ મથકોમાં 1-1 કેસ સામે આવ્યા હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આગળ પણ કોઈ પણ સગીર વયની દીકરી કે યુવતીઓને લાલચ આપીને, છેતરપિંડી કરીને ભગાડી લઈ જવાના કિસ્સા ધ્યાનમાં આવશે તો આ ઑપરેશન હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓએ વાલીઓને પણ આ બાબતે જાગૃત રહેવા માટે અપીલ કરી છે.
પોલીસે આપેલી જાણકારી મુજબ હિંદુ સગીરા અને યુવતીઓને ફસાવવા માટે સુનિયોજિત કાવતરું ચલાવવામાં આવી રહ્યું હતું. આરોપીઓ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી, લાંબા સમય સુધી તેમની સાથે સતત વાતચીત કરી અને યુવતીઓનું બ્રેનવૉશ કરતા હતા. હિંદુ મહિલાઓને ઈસ્લામિક વિડીયો બતાવીને ધર્મ પરિવર્તન અથવા ભાગી જવા માટે પ્રેરિત કરવામાં આવતી હતી. ઉપરાંત અન્ય પ્રલોભનો આપવામાં આવતાં હતાં.
તાજેતરમાં જ 22 સપ્ટેમ્બર, 2026ના રોજ ભાવનગરના અધેવાડા વિસ્તારમાં એક હિંદુ સગીરાને લલચાવી-ફોસલાવીને લઈ જવામાં આવી અને ત્યારબાદ તેની છેડતી કરવામાં આવી. ફરિયાદ નોંધાતાં જ પોલીસ તરત એક્શનમાં આવી હતી અને સગીરાને શોધીને પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. આ મામલે આરોપી અબ્બાસની ધરપકડ પણ કરવામાં આવી છે.
જાન્યુઆરી માસથી ધમધમતા આ ‘ઑપરેશન સીતા’નો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓનું કિડનેપિંગ ન થાય અને તેમને અન્ય રાજ્યોમાં વેચી દેવાની માનવ તસ્કરીનો ભોગ બનાવવામાં આવે તે પહેલાં જ શોધી લાવવાનો છે. પોલીસને જ્યારે પણ કોઈ સગીર દીકરી કે મહિલાને પ્રલોભન આપીને લઈ જવા અંગે રજૂઆત મળે ત્યારે તુરંત જ સક્રિય થઈને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
ભાવનગર જિલ્લા પોલીસ તંત્રએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે જો તેમની આસપાસ સગીર દીકરીઓ કે મહિલાઓને લલચાવી-ફોસલાવી ભગાડી જવાની કોઈ માહિતી મળે, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન કે એસપી કચેરીનો સંપર્ક કરવો. સમયસર આપેલી માહિતીના આધારે પોલીસ ઝડપી કાર્યવાહી કરીને મોટી દુર્ઘટના અટકાવી શકે છે.

