ભાવનગર બસ સ્ટેન્ડ પર હિંદુ મહિલાની ઘાતકી હત્યા, સરાજાહેર કાજલને માર મારતો રહ્યો ફૈઝલ: FIR બાદ આરોપીની ધરપકડ

ભાવનગર શહેરના મુખ્ય બસ સ્ટેશન પર ધોળા દિવસે એક ઇસમે એક મહિલાને મારીમારીને નિર્મમ હત્યા કરી નાખી હતી. ઘટના શુક્રવારની (4 સપ્ટેમ્બર) છે. મૃતકની ઓળખ કાજલ બારૈયા તરીકે થઈ છે, જ્યારે આરોપીનું નામ ફૈઝલ છે.

અહેવાલો અનુસાર, મૃતક કાજલ છૂટાછેડા બાદ છેલ્લા ઘણા સમયથી ભાવનગર બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતી હતી. આ દરમિયાન ત્યાં જ રહેતા અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા વરતેજના ફૈઝલ ઉર્ફે ખાટકી સાથે તેનો પરિચય થયો હતો અને બંને છેલ્લાં આઠેક વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેતાં હતાં. બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા.

આરોપી ફૈઝલ અગાઉ મારામારીના ગુનામાં જેલમાં બંધ હતો અને ગત 25 ઑગસ્ટે જ જેલમાંથી બહાર આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે ફૈઝલને જેલમાંથી છોડાવવા માટે કાજલ અને ફૈઝલનો મિત્ર રવિ જ સતત ધક્કા ખાઈ રહ્યા હતા અને કાજલે જ તેના જામીન કરાવ્યા હતા. પરંતુ જેલમાંથી બહાર આવ્યા બાદ ફૈઝલ કાજલ અને રવિ વચ્ચે સંબંધો હોવાની શંકા કરવા માંડ્યો હતો.

આ શંકાના વહેમમાં શુક્રવારે (4 સપ્ટેમ્બર) બસ સ્ટેન્ડ પરિસરમાં ફૈઝલે કાજલ સાથે ઉગ્ર બોલાચાલી કરી અપશબ્દો કહ્યા હતા. ત્યારબાદ તેણે કાજલને જમીન પર પછાડી-પછાડીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન કાજલને બચાવવા વચ્ચે પડેલા રવિને પણ આરોપીએ માર માર્યો હતો.

ઘટનાના સામે આવેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે આસપાસના અનેક લોકો માત્ર મૂકપ્રેક્ષક બનીને આ ક્રૂરતા જોઈ રહ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા કાજલને 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. આરોપી હત્યા કરીને ફરાર થઈ ગયો હતો.

બનાવની જાણ થતાં જ નીલમબાગ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના સમયમાં આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને ઝડપી પાડ્યો છે. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે.