રાતના એકાંતમાં સમુદ્રનો અવાજ ક્યારેક માણસને પોતાની અંદર સુધી સંભળાય છે. ગોપનાથના દરિયાકાંઠે એવી જ કોઈ રાત હતી. આસપાસ અંધકાર હતો, સામે અરબી સમુદ્રનો ઘુઘવાટ હતો અને શિવાલયમાં એક ભક્ત મહાદેવની સામે અડગ બેઠો હતો. તે માણસ નરસિંહ મહેતા હતો. ઘર છોડી નીકળેલો, દુનિયાની ચિંતા પાછળ મૂકી ચૂકેલો અને હવે અન્ન-જળનો ત્યાગ કરીને શિવની આરાધનામાં લીન થયેલો. સાત દિવસ વીતી ગયા. સાત દિવસ સુધી દરિયો પોતાની ભરતી-ઓટમાં મથતો રહ્યો, રાત આવતી રહી, સવાર પડતી રહી, પરંતુ નરસિંહ ત્યાંથી હલ્યા નહીં.
પછી આશુતોષ પ્રસન્ન થયા. મહાદેવ સામે પ્રગટ થયા અને કહ્યું કે, ‘માગ, શું જોઈએ છે?’ સામે એવો દેવ હતો જે ભક્તની મનોકામના પૂરી કરી શકે, પરંતુ નરસિંહે પોતાના માટે કશું માગ્યું નહીં. તેમણે કહ્યું, “તમને જે વ્હાલું હોય તે મને આપો.” અને પછી ગોપનાથની રાતે જે જોયું, તેણે ગુજરાતી ભક્તિનો આખો સ્વર બદલી નાખ્યો. મહાદેવે પોતાના પ્રિય શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા.
રાસલીલા સામે નરસૈંયો ઊભો હતો. હાથમાં મશાલ હતી. રાસ આગળ વધતો ગયો અને નરસિંહની નજર તેમાં એવી અટવાઈ કે પોતાના શરીરનું પણ ભાન રહ્યું નહીં. મશાલ ધીમે-ધીમે સળગતી રહી. જ્યોત હાથ સુધી આવી. હાથ દાઝતો રહ્યો, પણ નરસિંહની આંખો સામેનો રાસ અટક્યો નહીં. આ પ્રસંગ નરસિંહ મહેતાના જીવન સાથે જોડાયેલી કથાઓમાંનો એક છે.
કેટલાક વર્ણનોમાં રાસલીલા પછી શ્રીકૃષ્ણે તેમને કૃષ્ણભક્તિ અને પોતાની કીર્તિ ગાવાનું વરદાન આપ્યું હોવાનું પણ આવે છે. આ એક જ દૃશ્યમાં ગોપનાથની આખી આત્મા સમાઈ જાય છે.
અહીં શિવ છે, પરંતુ શિવ પોતાના ભક્તને કૃષ્ણ સુધી લઈ જાય છે. અહીં રાત છે, પરંતુ એ રાતમાંથી સવારનાં પ્રભાતિયાં નીકળવાનાં છે. અહીં એક માણસ પોતાના જીવનથી ભાગીને આવ્યો છે, પરંતુ અહીંથી જ તે ગુજરાતી ભાષાના સૌથી અમર કવિઓમાંનો એક બનીને પાછો ફરવાનો છે.
જ્યાં એક મેણું નરસૈંયાને ગોપનાથ સુધી લઈ આવ્યું
નરસિંહ મહેતાના ગોપનાથ સુધી પહોંચવાની વાત પણ એટલી જ અગત્યની છે. તળાજામાં જન્મેલા નરસિંહ નાની ઉંમરે માતા-પિતાને ગુમાવી બેઠા હતા અને પછી ભાઈના આશ્રયે રહેતા હતા. સાધુ-સંતોની સંગત અને ભક્તિમાં તેમનું મન વધારે રાચતું. ઘર-સંસારની ચિંતાઓ અને રોજિંદા વ્યવહારથી તેઓ થોડા અલગ જ સ્વભાવના હતા. નરસિંહના જીવનચરિત્રોની પરંપરામાં ભાભીના મહેણાને તેમની ગોપનાથ યાત્રાનો કારણભૂત પ્રસંગ માનવામાં આવે છે.
એક દિવસ એ મહેણું હદ વટાવી ગયું અને નરસિંહ ઘર છોડીને નીકળી પડ્યા. કોઈ તીર્થયાત્રાનો સંકલ્પ નહોતો, કોઈ ચોક્કસ ગંતવ્ય નહોતું. દુભાયેલું મન હતું અને પગ જ્યાં લઈ જાય ત્યાં જવાની તૈયારી હતી. એ પગ તેમને ગોપનાથના એકાંત સુધી લઈ આવ્યા. એ સમયનું ગોપનાથ આજના ગોપનાથ જેવું નહોતું. દરિયાકિનારો હતો, જંગલ હતું, એકાંત હતું અને એ એકાંતમાં મહાદેવનું સ્થાન હતું. ત્યાં નરસિંહે સાત દિવસ સુધી અન્ન-જળ વિના સાધના કરી અને તેમના જીવનનો સૌથી મોટો આધ્યાત્મિક વળાંક આવ્યો.
આ કથામાં એક સુંદર વાત છે.
નરસિંહનો કુલધર્મ શૈવ હતો, પરંતુ તેમની અંતરની ગતિ કૃષ્ણ તરફ હતી. નરસિંહ નાગર બ્રાહ્મણ કુળમાં જન્મેલા હતા, તેમના કુટુંબનો કુલધર્મ શૈવ હતો, પરંતુ તેમણે કૃષ્ણભક્તિ સ્વીકારી. ભાભીના મહેણા પછી વનમાં જઈ સાત દિવસ ઉપવાસ કરીને શંકરની સ્તુતિ કરી અને પ્રસન્ન થયેલા શિવે તેમને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા.
એટલે ગોપનાથમાં બનેલી આ ઘટના માત્ર એક સંતની ચમત્કારની જીવનકથા નથી, તેમાં નરસિંહના સમગ્ર વ્યક્તિત્વનો અદ્ભુત સંગમ છે. શૈવ સંસ્કાર, વૈષ્ણવ ભક્તિ અને અંતે એ ભક્તિને શબ્દ આપતી કવિતાની શરૂઆત. મહાદેવની સામે માથું નમાવનાર નરસિંહને જ્યારે કૃષ્ણનો રાસ દેખાયો ત્યારે જાણે તેમની અંદરના બંને પ્રવાહો એક થઈ ગયા. કદાચ એ જ કારણ છે કે નરસિંહની કવિતામાં કૃષ્ણ માત્ર દેવ નથી, તેઓ ક્યારેક બાળ છે, ક્યારેક ગોપીઓના પ્રાણવલ્લભ છે, ક્યારેક સખા છે અને ક્યારેક આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત પરમ તત્ત્વ છે.
એ રાત પછી સવાર બદલાઈ ગઈ
ગોપનાથની રાત પછીની સવારની કલ્પના કરીએ તો નરસૈયાની કવિતાનો જન્મ કેટલો સ્વાભાવિક લાગે છે. રાતે જે આંખે રાસ જોયો હતો, એ જ આંખ સવારના આકાશને જુએ છે. દરિયાની ભરતી-ઓટ વચ્ચે, પવનની ખારાશમાં, ગોપનાથના શાંત શિવાલયની પાસે બેઠેલો કવિ પોતાના અનુભવને શબ્દોમાં ઉતારવા લાગે છે.
નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં ગુજરાતી લોકજીવનનો અવિભાજ્ય ભાગ બની ગયાં. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને જીવનના ઊંડા સત્યને તેમણે એવી સહજ ગુજરાતી આપી કે પદો કાવ્યસંગ્રહમાં બંધ રહ્યાં નહીં, લોકોના કંઠે ચડી ગયાં. ગુજરાતી વિશ્વકોશ પ્રભાતિયાંને ભક્તિબોધ અને જ્ઞાનનાં પદો ગણાવે છે, જ્યારે તેમની સમગ્ર કાવ્યપરંપરામાં કૃષ્ણજન્મ, બાળલીલા, રાસ, શૃંગાર, ભક્તિ અને આત્મકથનાત્મક પ્રસંગો સુધીનું વિશાળ વિશ્વ ફેલાયેલું છે.
ગોપનાથ સાથે નરસિંહનાં પ્રભાતિયા અને ભક્તિગીતોની રચનાની સ્મૃતિ જોડાયેલી છે. તેથી આ દરિયાકાંઠો માત્ર તેમની સાધનાનું સ્થળ નથી રહેતો, તેમની વાણીની ગુંજ સાથે પણ જોડાઈ જાય છે. સવારના અંધકારમાંથી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ જેવી વાણી બહાર આવતી. કલ્પના કરો તો ગોપનાથનો દરિયો અચાનક માત્ર દરિયો રહેતો નથી તે જાણે નરસૈયાની પહેલી શ્રોતામંડળી બની જાય છે.
નરસિંહ મહેતાની કવિતાનો સૌથી મોટો ચમત્કાર એ હતો કે તેમણે ઊંચા આધ્યાત્મિક વિચારોને સામાન્ય માણસની બોલીમાં ઉતારી દીધા. ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ કહેતો કવિ વેદાંતની વાત કરે છે તો ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’માં માણસની નૈતિકતા માપે છે. કૃષ્ણની રાસલીલાના પદોમાં પ્રેમનો ઉત્કટ રંગ છે તો પ્રભાતિયામાં સંસારની નશ્વરતાનો બોધ છે.
તેમની રચનાઓની પરંપરા વિશાળ છે અને તેમાંથી મોટી સંખ્યામાં રચનાઓ લાંબા સમય સુધી મૌખિક રીતે જીવતી રહી. ઉપલબ્ધ જૂની હસ્તપ્રતો ઘણાં પછીના સમયની છે. એટલે નરસિંહની કવિતાને માત્ર લખાયેયાં પાનાંઓથી નહીં, પરંતુ સદીઓથી જીવતા લોકકંઠથી પણ સમજવી પડે.
ગોપનાથ સાથે જોડાયેલી સ્મૃતિમાં આ બધું વધુ રસપ્રદ બની જાય છે. જે ભક્તિનો અનુભવ અહીં થયો, તે પછી શબ્દ બનીને માત્ર મંદિરની દીવાલોમાં નહીં, ગુજરાતના ગામડાંના ઓટલાં અને ઘરોની સવારમાં વસ્યો.
રાસલીલા પછી ગોપીઓએ મહાદેવની પૂજા કરી અને પોતાના આભૂષણોથી શિવલિંગ રચ્યું, તેથી આ સ્થાન ગોપનાથ કહેવાયું, આ કથા પણ ગોપનાથના નામ સાથે જીવંત છે. મંદિરના અંદરનાં શિલ્પોમાં રાસલીલાનું નિરૂપણ જોવા મળે છે. એટલે આજે ગર્ભગૃહમાં મહાદેવ સામે ઊભા રહો અને ઉપર નજર કરો તો એક જ મંદિરની અંદર શૈવ અને વૈષ્ણવ સ્મૃતિઓ ભેગી થયેલી દેખાય છે. એક બાજુ શિવલિંગ, બીજી બાજુ કૃષ્ણની લીલા. બહાર સમુદ્ર. આ સંગમ ગોપનાથને વિશિષ્ટ બનાવે છે.
અહીં કોઈ એક પરંપરાએ બીજીને હટાવી નથી, એકે બીજાને પોતાની અંદર સમાવી લીધી છે.
(ક્રમશઃ)


