
નવેમ્બર 2025માં દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ વિશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની (UNSC) મોનિટરિંગ ટીમે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે આ આતંકવાદી હુમલા પાછળ અલ-કાયદાનું જે સંગઠન અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ જવાબદાર હતું. હુમલામાં 15 લોકોનાં મોત થયાં હતાં અને અન્ય અનેકને ઈજા પહોંચી હતી. સ્યુસાઇડ બૉમ્બર ઉમર ગની પણ આ જ બ્લાસ્ટમાં માર્યો ગયો હતો.
UNSCની 1267 સેન્ક્શન્સ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલા 38મા મોનિટરિંગ રિપોર્ટ અનુસાર, AQIS એક વિભાજિત જૂથમાંથી હવે પ્રાદેશિક આતંકવાદી સંગઠનમાં ફેરવાઈ રહ્યું છે. આ સંગઠને કોઈ મોટા યુનિટને બદલે નાના, વિકેન્દ્રિત સેલ્સ (ટુકડીઓ) બનાવીને પોતાનું લોજિસ્ટિક્સ અને ફાઇનાન્શિયલ નેટવર્ક મજબૂત કર્યું છે. આ ઉપરાંત આ સંગઠન પોતાનું નેટવર્ક વધારવા માટે બાંગ્લાદેશમાં પણ નવા આતંકી સેલ્સ સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યું હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
નોંધનીય છે કે NIAની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે આ વિસ્ફોટ વ્હીકલ-બોર્ન આઇઈડી (VBIED) દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલાનો મુખ્ય સૂત્રધાર ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીનો પૂર્વ આસિસ્ટન્ટ પ્રોફેસર ઉમર ઉન નબી નામનો આતંકી હતો અને વિસ્ફોટ દરમિયાન તેનું પણ મૃત્યુ થયું હતું. તપાસ એજન્સીએ AQIS સાથે જોડાયેલા સંગઠન ‘અંસાર ગઝવાત-ઉલ-હિંદ’ (AGuH) સાથે સંકળાયેલા 10 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે.
આતંકીઓ રાઈસિન ઝેર બનાવતા હોવાનો ઘટસ્ફોટ
યુએનના અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અલ-કાયદા અને ISIL જેવાં આતંકવાદી સંગઠનો ઘણા સમયથી રાસાયણિક અને જૈવિક હથિયારો વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જોકે, ટેકનિકલ મુશ્કેલીઓને કારણે તેઓ હજુ સુધી તેમાં સફળ થઈ શક્યાં નથી. ફેબ્રુઆરી મહિનામાં ISILના અંગ્રેજી મેગેઝિન ‘ઇન્વેડ’માં બોટ્યુલિનમ ટોક્સિન અને સાયનાઇડ જેવા ઝેરી પદાર્થો બનાવવાની સૂચનાઓ પણ પ્રકાશિત કરવામાં આવી હતી.
અહેવાલ મુજબ, ISIL-K નામના આતંકી જૂથે ‘રાઇસિન’ નામનું ખતરનાક ઝેર બનાવવામાં વિશેષ રસ દાખવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSએ થોડા સમય પહેલાં અમદાવાદથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી, જેઓ પણ રાઈસિન ઝેર બનાવવા માગતા હતા. મુખ્ય આરોપી મોહિયુદ્દીન સૈયદે તેના હૈદરાબાદના નિવાસસ્થાને એક લેબોરેટરી પણ ઊભી કરી હતી. સૈયદ ચીનથી મેડિકલનો અભ્યાસ કરીને આવ્યો છે.
આતંકવાદીઓ ફન્ડિંગ માટે ક્રિપ્ટો કરન્સીનો પણ ઉપયોગ કરતા હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
દક્ષિણ એશિયામાં પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા રિપોર્ટમાં જણાવાયું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પારના હુમલાને કારણે તણાવ ખૂબ જ વધારે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં હોવા છતાં તેઓ ISIL-K અને અન્ય આતંકવાદી જૂથોને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. તાલિબાન આતંકવાદીઓને આશ્રય આપવાનો ઇનકાર કરતું હોવા છતાં અલ-કાયદાના ટોચના આતંકીઓ કાબુલમાં સુરક્ષિત રીતે રહી રહ્યા હોવાના અહેવાલો છે.
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) નામના સંગઠને તેનું નવું માળખું જાહેર કર્યું છે, જેમાં બલોચિસ્તાન અને કશ્મીર-ગિલગિટ માટે નવા વિભાગો બનાવવામાં આવ્યા છે. આ સાથે TTPએ પોતાની એક ‘એર ફોર્સ’ વિંગ શરૂ કરી હોવાનો પણ દાવો કર્યો છે.

