પંજાબમાં ફાર્મસી ઑફિસરની ભરતી પર હાઇકોર્ટનો સ્ટે, પરીક્ષામાં હાઈટેક ચીટિંગ રેકેટ મામલે 35ની ધરપકડ: શું છે સમગ્ર કેસ

પંજાબમાં ફાર્મસી ઑફિસરની ભરતી પરીક્ષામાં સામે આવેલા પેપર લીક અને હાઈટેક ચોરીના વિવાદ વચ્ચે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે મોટો નિર્ણય લીધો છે. હાઇકોર્ટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ 454 ફાર્મસી ઑફિસરની જગ્યાઓ માટે હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયા પર વચગાળાનો સ્ટે લગાવી દીધો છે. આ મામલે આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરના રોજ યોજાશે, ત્યાં સુધી તમામ નિમણૂકો સ્થગિત રહેશે.

આ પરીક્ષા બાબા ફરીદ યુનિવર્સિટી ઑફ હેલ્થ સાયન્સિસ દ્વારા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વતી 19 જુલાઈના રોજ લેવાઈ હતી. ફરીદકોટ, કોટકાપુરા અને ફિરોઝપુરના 25 કેન્દ્રો પર યોજાયેલી આ પરીક્ષામાં લગભગ 7,000 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, પરીક્ષાની શરૂઆત સાથે જ એક સુવ્યવસ્થિત અને ટેકનોલોજી આધારિત ચોરીના રેકેટનો ખુલાસો થયો હતો.

હાઈટેક ચોરીનો પર્દાફાશ

પંજાબ પોલીસે 19 જુલાઈના રોજ જ આ હાઈટેક ચેટીંગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન કેસના 7 મુખ્ય સૂત્રધારો અને 28 ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસને 27 બેટરી સંચાલિત વાયરલેસ ઉપકરણો, પેન કેમેરા અને કાનમાં લગાવવાના માઇક્રો ઇયરબડ્સ સહિતનો સામાન મળી આવ્યો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ગેંગ ખૂબ જ ચતુરાઈથી કામ કરતી હતી. આરોપીઓએ કેટલાક ઉમેદવારો પાસે કપડાં અથવા પેનમાં છુપાયેલા કેમેરા વડે પ્રશ્નપત્રના ફોટો પડાવ્યા હતા અને તેને પરીક્ષા કેન્દ્રની બહાર મોકલ્યા હતા. બહાર બેઠેલા નિષ્ણાતો રીઅલ-ટાઇમમાં પ્રશ્નોના ઉત્તરો ડિક્ટેટ કરતા હતા. આ ચોરી કરાવવા બદલ ઉમેદવારો પાસેથી 3.5 લાખથી લઈને 13 લાખ સુધીની મોટી રકમ વસૂલવામાં આવી હતી.

પરીક્ષા અને પરિણામો રદ કરવાની માંગ

આ અનિયમિતતાઓ વિરુદ્ધ કેશવ કામબોજ અને અન્ય ઉમેદવારોએ એડવોકેટ સાર્થક ગુપ્તા મારફતે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજદારોએ 19 જુલાઈની લેખિત પરીક્ષા અને તેના આધારે પરિણામ તૈયાર કરવા સહિતની તમામ આગળની પ્રક્રિયા રદ કરવાની માંગ કરી છે. તેમણે દલીલ કરી હતી કે આવા સંગઠિત કૌભાંડથી ભારતીય બંધારણના આર્ટીકલ 14 સમાનતાનો અધિકાર અને અનુચ્છેદ 16 જાહેર રોજગારીમાં તકની સમાનતાનું સ્પષ્ટ ઉલ્લંઘન થાય છે.

જસ્ટિસ સંદીપ મૌદગિલની ખંડપીઠે આ મામલે વચગાળાનો આદેશ આપતા સ્પષ્ટ કર્યું હતું કે ફાર્મસી ઑફિસરની વધુ પસંદગી પ્રક્રિયા અરજીના અંતિમ નિર્ણયને આધીન રહેશે. રાજ્ય સરકાર વતી ઉપસ્થિત રહેલા આસિસ્ટન્ટ એડવોકેટ જનરલ ટીપીએસ વાલિયાએ લેખિત જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો હતો. કોર્ટે મામલાની ગંભીરતા જોઈને વચગાળા માટે ભરતી રોકી દીધી છે.

પેપર લીક બાદ પંજાબમાં ગરમાયું રાજકારણ

હાઇકોર્ટના આદેશ બાદ પંજાબનું રાજકારણ પણ ગરમાયું છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંઘ બાદલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી હરજોત સિંઘ બૈન્સ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું કે આ કોઈ સામાન્ય ચોરી નથી પરંતુ સ્પષ્ટ પેપર લીક છે અને સરકારે જવાબદારો સામે સખત પગલાં લેવાં જોઈએ.

વિપક્ષી દળોએ આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) સરકારને ઘેરીને શિક્ષણ મંત્રી હરજોત સિંઘ બૈન્સ અને સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિંઘનાં રાજીનામાની માંગ કરી છે. ભાજપના નેતા પરમિંદર સિંઘ બ્રારે પણ જણાવ્યું હતું કે હાઇકોર્ટના હસ્તક્ષેપથી સાબિત થાય છે કે આ બાબત કેટલી ગંભીર છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકાર આ પેપર લીક કૌભાંડને દબાવવાનો અને તેને નાની ચોરી તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહી છે.

નોંધનીય છે કે 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ કૌભાંડ પંજાબ સરકાર માટે મોટો રાજકીય પડકાર બની શકે છે. રાજ્યના યુવાનોના ભવિષ્ય અને રોજગારી સાથે જોડાયેલા આ મુદ્દે વિપક્ષ સતત આક્રમક મૂડમાં છે. હવે સૌની નજર 17 સપ્ટેમ્બરના રોજ હાઇકોર્ટમાં થનારી આગામી સુનાવણી પર ટકેલી છે, જ્યાં સરકાર તરફથી રજૂ થનારા જવાબ બાદ આગળનો નિર્ણય લેવાશે.