‘જંતર-મંતર પર પ્રદર્શનના નામે શહેરને બાનમાં ન લઈ શકાય’: દિલ્હી હાઇકોર્ટ, કેન્દ્ર સરકારને કહ્યું- આવાં કામો માટે આ સ્થળ બંધ કરવા વિચારવું જોઈએ

દિલ્હી હાઇકોર્ટે શુક્રવારે (7 ઑગસ્ટ) જંતર-મંતરને વિરોધ પ્રદર્શનના સ્થળ તરીકે યથાવત રાખવાના મુદ્દે કેન્દ્ર સરકાર સમક્ષ સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે વિરોધ-પ્રદર્શનનાં નામે આખા શહેરને અનાવશ્યક રીતે બંધક બનાવી શકાય નહીં અને સરકારે વિચારવું જોઈએ કે જંતર-મંતરને પ્રદર્શનના સ્થળ તરીકે બંધ કેમ ન કરી દેવામાં આવે.

આ ટિપ્પણી જસ્ટિસ અમિત મહાજનની એકલ બેન્ચે ઑલ ઇન્ડિયા દલિત ક્રિશ્ચિયન રાઇટ્સ પ્રોટેક્શન કમિટીની અરજી પર સુનાવણી દરમિયાન કરી હતી. અરજદાર સંસ્થાએ જુલાઈમાં જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે દિલ્હી પોલીસ પાસે પરવાનગી માંગી હતી, પરંતુ પોલીસ દ્વારા અરજી પર ન તો મંજૂરી આપવામાં આવી હતી કે ન તો કોઈ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સુનાવણી દરમિયાન સંસ્થા તરફથી હાજર રહેલા વકીલ સંજય ઘોષે કોર્ટને જણાવ્યું કે અરજીમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે પ્રદર્શનમાં વધુમાં વધુ 75 લોકો જ જોડાશે. તેમ છતાં દિલ્હી પોલીસે અરજી પર નિર્ણય લીધો નથી. આ દરમિયાન જસ્ટિસ મહાજને કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ચેતન શર્માને પૂછ્યું કે સરકાર જંતર-મંતરને પ્રદર્શન સ્થળ તરીકે બંધ કરવાનો વિચાર કેમ કરતી નથી.

કોર્ટે કહ્યું કે તેમની વ્યક્તિગત માન્યતા પ્રમાણે શહેરની વચ્ચે આવા પ્રદર્શન ન થવા જોઈએ. જસ્ટિસ મહાજને કહ્યું કે, “આખા શહેરને શા માટે બંધક બનાવવું જોઈએ? આવાં પ્રદર્શન શહેરની વચ્ચે ન થવાં જોઈએ, જોકે અંતિમ નિર્ણય સરકારનો છે.”

સુનાવણી દરમિયાન ASG ચેતન શર્માએ કોર્ટને જણાવ્યું કે આ જ મુદ્દો હાલમાં સુપ્રીમ કોર્ટમાં પણ વિચારાધીન છે, જ્યાં નક્કી થવાનું છે કે જંતર-મંતર વિરોધ પ્રદર્શન માટેનું નિર્ધારિત સ્થળ રહેવું જોઈએ કે નહીં. તેના જવાબમાં જસ્ટિસ મહાજને કહ્યું કે તેમની વ્યક્તિગત માન્યતા પ્રમાણે આવું ન હોવું જોઈએ.

વકીલ સંજય ઘોષે દલીલ કરી કે જો સરકારનું વલણ એવું હોય કે દિલ્હીમાં ક્યાંય પણ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન ન થઈ શકે તો તે સ્પષ્ટ જણાવવું જોઈએ. તેના જવાબમાં કોર્ટે કહ્યું કે વિરોધ પ્રદર્શનની મંજૂરી આપવી કે નહીં તે પોલીસનો નિર્ણય છે. કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે તેનો પ્રશ્ન વિરોધ પ્રદર્શનના લોકશાહી અધિકાર અંગે નથી, પરંતુ એ છે કે આવા કાર્યક્રમોના કારણે આખા શહેરને મુશ્કેલી કેમ ભોગવવી પડે.

સંજય ઘોષે આ દરમિયાન શાહીન બાગ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને કહ્યું કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવું નાગરિકોનો બંધારણીય અધિકાર છે. તેના જવાબમાં જસ્ટિસ મહાજને કહ્યું કે અધિકારો પોતાની જગ્યાએ છે, પરંતુ શહેરને બંધક બનાવીને નહીં.

ASG ચેતન શર્માએ કોર્ટને વધુમાં જણાવ્યું કે હાલમાં જંતર-મંતર વિસ્તારમાં દંડ પ્રક્રિયા સંહિતાની (CRPC) કલમ 144 અમલમાં છે અને 15 ઑગસ્ટ નજીક હોવાથી સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ઘણી વખત 75 લોકોનું પ્રદર્શન જોતજોતામાં 75 હજાર લોકોની ભીડમાં ફેરવાઈ જાય છે, જે સુરક્ષા એજન્સીઓ માટે ગંભીર પડકાર ઊભો કરે છે. તેમણે એ પણ દલીલ કરી કે ઘણી વખત પ્રદર્શનકારીઓના અધિકારોને સામાન્ય નાગરિકોના અધિકારો કરતાં ઉપર રાખવામાં આવે છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જસ્ટિસ મહાજને કહ્યું કે શહેરની અંદર આવાં પ્રદર્શનના કારણે એમ્બ્યુલન્સ સહિત સામાન્ય નાગરિકોની અવરજવર પણ પ્રભાવિત થાય છે. અંતે હાઇકોર્ટે દિલ્હી પોલીસને ઑલ ઇન્ડિયા દલિત ક્રિશ્ચિયન રાઇટ્સ પ્રોટેક્શન કમિટીની અરજી પર 8 ઑગસ્ટ સુધીમાં નિર્ણય લેવા નિર્દેશ આપ્યો અને અરજીનો નિકાલ કર્યો.

આ મુદ્દો માત્ર દિલ્હી હાઇકોર્ટ પૂરતો મર્યાદિત નથી. આ પહેલાં સુપ્રીમ કોર્ટે પણ જંતર-મંતરના બદલે વિરોધ પ્રદર્શન માટે વૈકલ્પિક સ્થળ નક્કી કરવાની માંગ કરતી જનહિત અરજી પર સુનાવણી શરૂ કરી છે. સતીશ ચંદ કૌશિક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી છે કે જંતર-મંતર હવે પ્રદર્શન માટે યોગ્ય સ્થળ રહ્યું નથી, કારણ કે ત્યાંના પ્રદર્શનોથી સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલી પડે છે, રસ્તાઓ અવરોધાય છે, આવશ્યક સેવાઓ અને દવાઓના પુરવઠાને અસર થાય છે તેમજ એમ્બ્યુલન્સ અને અન્ય ઇમરજન્સી સેવાઓની અવરજવરમાં પણ અડચણ સર્જાય છે.

સુપ્રીમ કોર્ટે આ અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને મહત્વપૂર્ણ ગણાવ્યા છે અને કેન્દ્ર સરકાર સહિત સંબંધિત સત્તાધિકારીઓને નોટિસ પાઠવી છે. જોકે પ્રસ્તાવિત રાજકીય કાર્યક્રમ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કરીને કોર્ટે કહ્યું હતું કે આવી પરિસ્થિતિઓનો સામનો કરવો સંબંધિત વહીવટીતંત્રની જવાબદારી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જંતર-મંતરથી સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરનારા પ્રદર્શનકારીઓ અંગે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે તેમને માત્ર જંતર-મંતર ખાતે પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી હતી, સંસદ તરફ માર્ચ કાઢવાની નહીં. પોલીસે જણાવ્યું હતું કે કેટલાક પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી પણ કરી હતી, જેના કારણે સુરક્ષાને લઈને ગંભીર ચિંતા ઉભી થઈ હતી.