તહેલકા મેગેઝિનના પૂર્વ સંપાદક તરુણ તેજપાલ રેપ કેસમાં દોષી, હાઇકોર્ટે પલટાવ્યો ટ્રાયલ કોર્ટનો આદેશ

વર્ષ 2013ના એક રેપ કેસમાં તહેલકા મેગેઝિનના પૂર્વ એડિટર ઇન ચીફ તરુણ તેજપાલને છોડી મૂકવાના ટ્રાયલ કોર્ટના આદેશને બૉમ્બે હાઇકોર્ટે પલટાવી દીધો છે. કોર્ટે તરુણ તેજપાલને દોષી ઠેરવીને સજા પર સુનાવણી બાકી રાખી છે. ગુરુવારે (6 ઑગસ્ટ) ચુકાદો સંભળાવવામાં આવ્યો.

મે 2021માં ટ્રાયલ કોર્ટે તરુણ તેજપાલને દોષમુક્ત કર્યા બાદ ગોવા સરકારે આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેની ઉપર કોર્ટે હમણાં ચુકાદો આપ્યો છે.

કોર્ટે તરુણ તેજપાલને IPCની કલમ 376(2)(f), 376(2)(k) અને 354A અને 354B હેઠળ દોષી ઠેરવ્યા છે. સજા પર હવે સુનાવણી થશે.

સજાની સુનાવણી પહેલાં તેજપાલના વકીલે કોર્ટને દયા દાખવવા વિનંતી કરી હતી અને કહ્યું કે કેસ 13 વર્ષ જેટલો જૂનો છે એ બાબત પણ ધ્યાનમાં લેવામાં આવે. સાથે દોષી ઠેરવવાના આદેશ પર આઠ સપ્તાહ માટે રોક લગાવવાની પણ માંગ કરી જેથી આદેશ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય.

કોર્ટરૂમમાં હાજર રહેલા તરુણ તેજપાલે પણ કોર્ટને સજામાં નરમ વલણ દાખવવા વિનંતી કરી અને સાથે પોતાની ઉંમરનો પણ હવાલો આપ્યો.

બીજી તરફ ગોવા સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ વિનંતીનો વિરોધ કરીને કહ્યું કે, “પીડિત તરુણની પુત્રીની ઉંમરની હોવા છતાં તેણે ગુનો આચર્યો હતો અને આવા કેસોમાં કોઈ નરમ વલણ દાખવી ન શકાય. કોર્ટે એક સ્પષ્ટ અને કડક સંદેશ આપવો રહ્યો.”

કોર્ટ બંને પક્ષોને અલગથી સાંભળીને સજા સંભળાવશે.

આ મામલો વર્ષ 2013નો છે. તરુણ તેજપાલ સાથે કામ કરતી એક યુવતીએ તેજપાલ વિરુદ્ધ રેપનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ગોવા પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈને કેસ દાખલ કર્યો હતો. નવેમ્બર 2013માં તેજપાલની ધરપકડ થઈ હતી અને જુલાઈ 2014માં સુપ્રીમ કોર્ટે તેને જામીન આપ્યા હતા. ગોવા પોલીસે ફેબ્રુઆરી 2014માં 2800 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી.

સપ્ટેમ્બર 2017માં ટ્રાયલ કોર્ટે તરુણ તેજપાલ વિરુદ્ધ રેપ, યૌન શોષણ અને બંધક બનાવવા મામલેના આરોપો હેઠળ ચાર્જ ફ્રેમ કર્યા હતા. તેજપાલે આરોપો માનવાનો ઇનકાર કરતાં ટ્રાયલ શરૂ થઈ, જે મે 2021 સુધી ચાલી હતી.

મે 2021માં સેશન્સ કોર્ટે તરુણ તેજપાલને દોષમુક્ત કરતો આદેશ પસાર કર્યો અને કહ્યું કે પીડિતાએ જે આરોપો લગાવ્યા છે તેને પૂરવાર કરવા માટે રેકર્ડ પર પૂરતા પુરાવાઓ ઉપલબ્ધ નથી. આ આદેશ સરકારે હાઇકોર્ટમાં પડકાર્યો હતો, જેનો હાલ ચુકાદો આવ્યો છે.