
રાજસ્થાન હાઇકોર્ટે જોધપુરમાં ન્યાયાધીશોના સત્તાવાર નિવાસસ્થાનો, શાળાઓ, કોલેજો, મંદિરો અને અન્ય જાહેર તથા ખાનગી મિલકતોને સરકારી રેકોર્ડમાં વક્ફ મિલકતો તરીકે દર્શાવવામાં આવી હોવાના અહેવાલો પર સ્વતઃ સંજ્ઞાન (Suo Motu) લીધું છે. ‘દૈનિક ભાસ્કર’ના એક રિપોર્ટને ધ્યાને રાખીને જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંઘ ભાટી અને જસ્ટિસ પ્રવીણ ભટનાગરની ડિવિઝન બેંચે આ મામલે જાહેર હિતની અરજી નોંધવાનો આદેશ આપ્યો છે.
હાઇકોર્ટે પોતાના વચગાળાના આદેશમાં જણાવ્યું હતું કે મહેસૂલી રેકોર્ડમાં સ્પષ્ટ સ્થિતિ હોવા છતાં શિક્ષણ સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, ન્યાયાધીશોના નિવાસસ્થાનો તેમજ રહેણાંક અને વ્યાવસાયિક મિલકતોને વક્ફ રેકોર્ડ અને ‘ઉમ્મીદ પોર્ટલ’ પર ઉમેરવામાં આવ્યા છે. આ સ્થિતિ વ્યક્તિગત માલિકી કે કબજાના વિવાદથી પર થઈને અત્યંત ગંભીર ચિંતા ઊભી કરે છે.
કોર્ટે જમીનના ખાતા નંબર 482, 485 અને 490 સહિત સમાચારમાં દર્શાવેલ તમામ મિલકતોની માલિકી અને કાયદાકીય સ્થિતિ પર યથાવત સ્થિતિ એટલે કે સ્ટેટ્સ ક્વો જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે આ મિલકતોમાં કોઈ પણ પ્રકારના ફેરફાર, ટ્રાન્સફર, લીઝ, બાંધકામ કે તોડફોડ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે.
કલેક્ટરને ફિઝિકલ ચકાસણી કરવા નિર્દેશ
વધુમાં હાઇકોર્ટે જોધપુરના ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને તમામ રેકોર્ડ સાચવવા અને સ્થળ પર જઈને જીપીએસ તથા ફોટોગ્રાફ્સ સાથે ફિઝિકલ ચકાસણી કરવા નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન મુસ્લિમ વક્ફ બોર્ડના સીઈઓ પાસે મિલકતોને વક્ફ ગેઝેટ અને પોર્ટલ પર શા માટે દર્શાવવામાં આવી તેનો મૂળ રેકોર્ડ મંગાવ્યો છે તથા જિલ્લા લઘુમતી કલ્યાણ અધિકારી પાસે પોર્ટલના ડેટા-એન્ટ્રી કામગીરી અંગે સ્પષ્ટતા માગી છે.
રિપોર્ટ અનુસાર વક્ફ મિલકત તરીકે દર્શાવાયેલી જગ્યાઓમાં સોહનલાલ મણિહાર સ્કૂલ, શાહ ગોવર્ધનલાલ કાબરા કોલેજ, ગીતા ભવન, અનેક પ્રખ્યાત મંદિરો, આશ્રમો અને સોસાયટીઓનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, આમાં રાજસ્થાન હાઇકોર્ટના સીટિંગ જજ જસ્ટિસ વિનીત કુમાર માથુર અને ઝારખંડ હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ તાતિયાના સત્તાવાર નિવાસસ્થાનો પણ સામેલ છે.
અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ મિલકતની કાયદાકીય પરિસ્થિતિ વક્ફ એક્ટ, 1995ના નિયમોનું પાલન કર્યા વિના કે સંબંધિત પક્ષકારોને નોટિસ આપ્યા વિના બદલી શકાય નહીં. બંધારણની કલમ 25 ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરે છે, પરંતુ તે માત્ર ધાર્મિક દાવાના આધારે કોઈ મિલકત પર માલિકી હક આપવાની સત્તા આપતી નથી. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને કોર્ટે કેન્દ્ર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણી 11 ઑગસ્ટે રાખી છે.

