રાહુલ ગાંધી, પપ્પુ યાદવ અને અવધેશ પ્રસાદ સામે વારાણસીમાં FIR: સંસદમાં સનાતનના અપમાન બાદ સંત સમાજમાં રોષ

સંસદ પરિસરમાં ભગવાન શ્રીરામ અને સનાતન ધર્મના અપમાનના મામલે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદ અને સાંસદ પપ્પુ યાદવ સામે ઉત્તર પ્રદેશના વારાણસીમાં FIR નોંધવામાં આવી છે. બીજી તરફ દેશના વિવિધ શહેરોમાં સંત સમાજે પણ આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે. સંતોએ વિપક્ષના આ વિરોધ પ્રદર્શનને સનાતન અને સંત સમાજનું અપમાન ગણાવીને અનેક સ્થળોએ દેખાવો કર્યા હતા.

શુક્રવારના (31 જુલાઈ, 2026) રોજ સંસદ પરિસરમાં રામ મંદિરના ચંદાને લઈને વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પપ્પુ યાદવ સાધુના વેશમાં પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન દરમિયાન કરાયેલા તેમના અભિનયને લઈને વિવાદ સર્જાયો હતો. આ પ્રદર્શનમાં અન્ય વિપક્ષી સાંસદો પણ તેમની સાથે જોવા મળ્યા હતા.

અહેવાલો અનુસાર કાશી ઝોનના DCP ગૌરવ બંસવાલે જણાવ્યું કે સંત સમાજ તરફથી આપવામાં આવેલી ફરિયાદના આધારે ત્રણેય નેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પાતાળપુરી મઠના પીઠાધીશ્વર જગદગુરુ બાલક દાસના નેતૃત્વમાં સંતોના પ્રતિનિધિમંડળે DCP ગૌરવ બંસવાલ સાથે મુલાકાત કરી હતી. જગદગુરુ બાલક દાસે કહ્યું કે સંસદમાં જે રીતે પપ્પુ યાદવે ભગવાન શ્રીરામ અને સનાતન ધર્મનું અપમાન કર્યું તે અક્ષમ્ય છે. મહંત જગદીશ્વરનાથે કહ્યું, “સંત સમાજ શાંત છે એટલે કંઈ પણ કરશો? હિંમત હોય તો ક્યારેય માથે ટોપી પહેરીને આવું કરીને બતાવો, પછી ખબર પડી જશે.”

અખિલ ભારતીય અખાડા પરિષદે પણ પપ્પુ યાદવના આ કૃત્યની આકરી નિંદા કરી છે. સંતોએ તેમની જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે. અખિલ ભારતીય અખાડા પરિષદ અને મનસા દેવી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ શ્રીમહંત ડૉ. રવિન્દ્ર પુરી મહારાજે કહ્યું કે રાજકીય લાભ માટે સાધુ-સંતોની છબિ ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સંત સમાજ તેને ક્યારેય સફળ થવા દેશે નહીં. તેમણે જણાવ્યું કે સંત સમાજ બિહારમાં તેમના સંસદીય ક્ષેત્ર સુધી જઈને લોકશાહી રીતે વિરોધ નોંધાવશે.

મથુરામાં પણ સાધુ-સંતોએ એક થઈને પપ્પુ યાદવનો વિરોધ કર્યો હતો. ગોવર્ધન વિસ્તારના જુલ્હેડી ગામમાં આવેલા એક આશ્રમ ખાતે સંતોએ તેમને ‘કંસ’નું રૂપ ગણાવી તેમના પોસ્ટરો લગાવ્યા, પૂતળાં દહન કર્યા અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ચિત્રગુપ્ત પીઠાધીશ્વર સ્વામી સચ્ચિદાનંદ મહારાજે કહ્યું કે ભગવા, સનાતન ધર્મ અને લોકોની આસ્થાની મજાક ઉડાવનારા જનપ્રતિનિધિઓને સંસદમાં રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તેમણે તેમની સંસદ સભ્યતા રદ કરવાની પણ માંગ કરી હતી. વિરોધ દરમિયાન સંતોએ તેમની તસવીરો પર ચપ્પલ પણ વરસાવી હતી.

આ ઉપરાંત દિલ્હીમાં પણ પપ્પુ યાદવ સામે ફરિયાદ નોંધાઈ છે. જહાંગીરપુરી પોલીસ સ્ટેશનમાં સૂર્ય મૈથિલ નામના વ્યક્તિએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન ધાર્મિક પ્રતીકોનો અયોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ભગવાન રામલલાની તસવીરનું અપમાન કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી હતી.