
પશ્ચિમ બંગાળ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સે પાકિસ્તાન સાથે જોડાયેલા એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આ કાવતરા હેઠળ રાજ્યના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પર હુમલો કરવાનું કાવતરું હતું. આ ઉપરાંત હાવડાના એક વરિષ્ઠ નેતાના પુત્રને હની-ટ્રેપમાં ફસાવવાનો અને દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું.
આ સમગ્ર મામલે STFએ જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ ઑપરેટિવ હમીમ મોંડલ અને તેની નજીકની મહિલા મિત્ર અર્પિતા સરકારની ધરપકડ કરી છે. અર્પિતાને ઝારખંડના સાહિબગંજથી કસ્ટડીમાં લઈને પશ્ચિમ બંગાળના વર્ધમાન લાવવામાં આવી છે. આ બંને આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના સંપર્કમાં હતા અને STFના જણાવ્યા મુજબ હમીમ અર્પિતાનો ઉપયોગ કરીને આ કાવતરાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
હનીટ્રેપમાં ફસાવવાનું ષડયંત્ર
તપાસની શરૂઆતમાં STFને ગુપ્ત માહિતી મળી હતી કે હાવડાના એક વરિષ્ઠ રાજકારણી પાસેથી પૈસા પડાવવા અને તેમના પુત્રને હનીટ્રેપમાં ફસાવીને અપહરણ કરવાનું આયોજન થઈ રહ્યું છે. આ પુરાવાને ટ્રેક કરતી વખતે પોલીસને સાહિબગંજથી ચાલતા અર્પિતા સરકારના સોશિયલ મીડિયા હેન્ડલ પર શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળી હતી. પોલીસે તાત્કાલિક તે નેતા અને તેમના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરીને આ નેટવર્ક પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.
તપાસ દરમિયાન બહાર આવ્યું કે વર્ધમાનમાં રહેતો હમીમ મોંડલ પાકિસ્તાન સ્થિત કેટલાક ઓનલાઈન હેન્ડલર્સ સાથે સતત સંપર્કમાં હતો. ‘રાણા’, ‘ઉઝૈર’ અને ‘અબીર જટ 333’ જેવા નામથી ચાલતા આ હેન્ડલ્સ પાકિસ્તાનના શહઝાદ ભટ્ટી ગેંગ સાથે જોડાયેલા હોવાની શંકા છે. તેઓ પહેલાં ઈન્સ્ટાગ્રામ અને ત્યારબાદ વોટ્સએપ, ટેલિગ્રામ, સેશન અને એલિમેન્ટ એક્સ જેવી એન્ક્રિપ્ટેડ એપ્સથી ભારતના યુવાનોને ભટકાવીને આતંકી પ્રવૃત્તિઓ માટે રિક્રૂટ કરવાનું કામ કરતા હતા.
શુભેન્દુ અધિકારી પર રાખી રહ્યો હતો નજર
STFના જણાવ્યા અનુસાર પાકિસ્તાની હેન્ડલર્સે હમીમ મોંડલને મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની સુરક્ષા અને તેમની અવરજવર પર નજર રાખવાનું કામ સોંપ્યું હતું, જેથી જ્યાં તેમની સુરક્ષા ઓછી હોય ત્યાં હુમલો કરી શકાય. આ સિવાય દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનમાં હમીમને પોલીસનો ગણવેશ પહેરીને ઘૂસણખોરી કરવા અને વાતાવરણ બગાડવા તેમજ તોડફોડ કરવાની જવાબદારી આપવામાં આવી હતી.
હાલમાં STF આ બંને આરોપીઓના બેંક ખાતાઓની તપાસ કરી રહી છે જેથી પાકિસ્તાનથી મળતા ફંડિંગ અને નાણાકીય વ્યવહારોની માહિતી મળી શકે. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે આ કાવતરામાં અન્ય કયા રાજકીય નેતાઓ કે પોલીસ અધિકારીઓ નિશાના પર હતા. આરોપી હમીમ મોંડલના ભૂતકાળ અને તેની પાછળ જોડાયેલા આખા નેટવર્ક અંગે વધુ તપાસ અત્યારે ચાલી રહી છે.

