
દિલ્હી હાઇકોર્ટે 31 જુલાઈના રોજ 2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણોનાં ષડ્યંત્ર કેસમાં જામીન મેળવવા ઉમર ખાલિદે કરેલ જામીન અરજી પર દિલ્હી પોલીસ પાસે જવાબ માંગ્યો છે. જસ્ટિસ પ્રતિભા એમ. સિંઘ અને જસ્ટિસ વિકાસ મહાજનની બેંચે દિલ્હી પોલીસને નોટિસ ફટકારીને આ મામલાની વધુ સુનાવણી 27 ઑગસ્ટના રોજ રાખી છે. આ જ દિવસે આ કેસના અન્ય સહ-આરોપી શરજીલ ઈમામની જામીન અરજી પર પણ સુનાવણી થવાની છે.
ઉમર ખાલિદે તેની વચગાળાની જામીન અરજીમાં સુપ્રીમ કોર્ટની કાયદાકીય પરિસ્થિતિનો હવાલો આપ્યો છે. UAPA કાયદા હેઠળ જામીન પરના સખત પ્રતિબંધો સામે બંધારણની કલમ 21 (સ્વતંત્રતાનો અધિકાર) લાગુ પડે છે કે નહીં તે મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી તેણે વચગાળાના જામીન માંગ્યા છે. દિલ્હી હાઇકોર્ટે આ અરજી પર દિલ્હી પોલીસ પાસે જવાબ માંગ્યો છે.
જાન્યુઆરી 2026માં સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી શરતોને ધ્યાનમાં રાખીને નીચલી અદાલતે 4 જુલાઈના રોજ ઉમર ખાલિદની જામીન અરજી ફગાવી દીધી હતી. નીચલી અદાલતના આ નિર્ણયને પડકારીને ઉમર ખાલિદે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
આ કેસ ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં CAA-વિરોધી પ્રદર્શનો દરમિયાન થયેલા હિંદુ વિરોધી રમખાણો સાથે જોડાયેલો છે, જેમાં 50થી વધુ લોકોનાં મોત થયાં હતાં. ઉમર ખાલિદ પર આ કાવતરું ઘડવાનો આરોપ છે. સપ્ટેમ્બર 2020માં પોલીસ ઉમર ખાલિદની ધરપકડ કરી હતી અને તે ત્યારથી જેલમાં છે.
આ વર્ષે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે પાંચ આરોપીઓને જામીન આપ્યા હતા પરંતુ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને રાહત આપી નહોતી. જોકે, પાછળથી સુપ્રીમ કોર્ટની જ બીજી બેન્ચે આ નિર્ણય પર શંકા વ્યક્ત કરી હતી અને માન્યું હતું કે કેસની સુનાવણીમાં થતા વિલંબના આધારે UAPA હેઠળ પણ જામીન મળી શકે છે, જેના કારણે ખાલિદે ફરી જામીન અરજી કરી છે.
હાઇકોર્ટમાં ઉમર ખાલિદના વકીલે દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશને છ મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં કેસની ટ્રાયલમાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. આ દલીલોને ધ્યાને રાખી હાઇકોર્ટે બંને પક્ષોને 27 ઑગસ્ટે પ્રત્યક્ષ હાજર રહીને પોતાની અપીલ રજૂ કરવા આદેશ કર્યો છે.

