
હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના AI-જનરેટેડ વાંધાજનક વિડીયો અને તસવીરો વાયરલ કરવા બદલ મેટા ઇન્ડિયાના હેડ અરુણ શ્રીનિવાસ તેમજ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના કેટલાક વપરાશકર્તાઓ (યુઝર્સ) સામે કેસ દાખલ કર્યો છે. દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા CJP આંદોલન બાદ આ પ્રકારની વિવાદિત સામગ્રી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી હતી.
તેલંગાણાના ભાજપ કાર્યકર અને એક સ્થાનિક વેપારીની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદીઓનો આક્ષેપ છે કે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પીએમ મોદી, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અશ્લીલ અને ડિજિટલી મોર્ફ કરેલ તસવીરો તથા વિડીયો ‘રીલ્સ’ સ્વરૂપે શેર કરીને બંધારણીય પદોનું અપમાન કરવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, આ વિડીયો દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવા અને જાહેર શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થયો છે. સાયબર ક્રાઈમ પોલીસે IT એક્ટની કલમ 66-સી, 67 અને BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલમાં આવા મોટાભાગના વિડીયો સોશિયલ મીડિયા પરથી ડિલીટ કે બ્લોક કરી દેવાયા છે.
આ કેસ સંબંધિત હૈદરાબાદ પોલીસે અગાઉ મેટાના અધિકારીઓને સમન્સ પાઠવીને બોલાવ્યા હતા. પોલીસે AIથી ફેલાવવામાં આવતા બોગસ ન્યુઝ અને વિવાદિત સામગ્રી રોકવા માટે કંપની પાસે રહેલી સિસ્ટમ અંગે જવાબ માંગ્યો હતો, જેના સંદર્ભમાં મેટાના પ્રતિનિધિએ પોતાની કન્ટેન્ટ મોડરેશન નીતિઓની વિગતો આપી હતી.
બીજી તરફ, દિલ્હીના જંતર-મંતર પ્રદર્શન અને ‘સંસદ ચલો’ માર્ચ દરમિયાન પીએમ મોદી વિરુદ્ધ કરાયેલી વાંધાજનક ટિપ્પણીઓ અંગે દિલ્હી પોલીસ પણ એક્શનમાં આવી છે. દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને કેટલીક ન્યુઝ પોર્ટલ પ્રોફાઇલ્સને નોટિસ પાઠવીને તમામ બદનક્ષીભરી સામગ્રી ત્વરિત હટાવી લેવાનો આદેશ આપ્યો છે.

