CJP પ્રદર્શન મામલે દાખલ FIR મામલે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય: દિલ્હી સરકારનો આદેશ, ગુનાહિત ભૂતકાળ ધરાવનારાઓ બાકાત

દિલ્હી સરકારે ગુરુવારે (30 જુલાઈ) એક આદેશ બહાર પાડીને જણાવ્યું છે કે જંતર-મંતર પર યોજાયેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે કુલ 13 કેસ નોંધ્યા હતા. આ તમામ FIRમાં પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. જોકે ગુનાહિત ભૂતકાળ ધરાવનારાઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

દિલ્હી સરકારે જણાવ્યું કે 29 જુલાઈ સાંજે 6:00 વાગ્યા સુધીમાં દિલ્હી પોલીસે કુલ 13 FIR નોંધી હતી. દિલ્હી સરકારે તમામ પાસાંનો અભ્યાસ કરીને સુપ્રીમ કોર્ટના 28 જુલાઈના આદેશ પર વિચાર કરતાં નિર્ણય કર્યો છે કે પ્રદર્શનમાં સામેલ કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે.

સાથે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ રક્ષણ જેઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે તેમને મળશે નહીં અને તેમની સામે કાર્યવાહી કરી શકાશે. આના માટે પણ સુપ્રીમ કોર્ટનો આદેશ ટાંકવામાં આવ્યો છે.

જેમની ધરપકડ પહેલેથી કરવામાં આવી ચૂકી છે તેમના વિશે દિલ્હી સરકારે જણાવ્યું કે આ ધરપકડોની પુનઃસમીક્ષા કરીને ગુનાહિત ભૂતકાળ સિવાયના માણસોને મુક્ત કરવા માટેની પ્રક્રિયા વહેલી તકે હાથ ધરવામાં આવશે.

દિલ્હી સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે ભવિષ્યમાં પણ આ પ્રદર્શનમાં સામેલ થનારા કોઈ પણ વિરુદ્ધ કોઈ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે અને આ મામલાને હવે અહીં જ પૂર્ણ ગણવામાં આવશે.

રાજ્યપાલ વતી દિલ્હી સરકારના ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી સંતોષ વૈદ્યએ આ આદેશ બહાર પાડ્યો છે, જેની ઉપર 30 જુલાઈની તારીખ લખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પ્રદર્શન અને હિંસા બાદ કેન્દ્ર સરકાર સાથેની વાતચીતમાં કોકરોચ જનતા પાર્ટીએ તમામ પ્રદર્શનકારીઓ વિરુદ્ધના કેસ પરત ખેંચવાની શરતો મૂકી હતી. જેની ઉપર સરકારે પણ સહમતી દર્શાવી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો.

સુપ્રીમ કોર્ટે 28 જુલાઈના આદેશમાં કહ્યું કે અમુક આરોપો પ્રદર્શનકારીઓ તરફથી છે અને અમુક આરોપો પોલીસ તરફથી છે, જેથી તમામની સ્વતંત્ર તપાસ કરાવવામાં આવશે. ત્યાં સુધીમાં રેકર્ડ વગેરે જાળવી રાખવામાં આવે અને FIR મામલે હાલ કોઈની વિરુદ્ધ કડક પગલાં લેવામાં ન આવે. ઉપરાંત જે 18 વર્ષથી નીચેનાં બાળકો હોય તેમને છોડી દેવામાં આવે.