
દિલ્હીના હાઈસિક્યુરિટી ઝોન સંસદ ભવનની નજીકના 20 જુલાઈના CCTV ફૂટેજ સામે આવ્યા છે. 20 જુલાઈએ CJPના પ્રદર્શનકારીઓએ ‘સંસદ ચલો’ માર્ચ કાઢીને સંસદને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સેંકડો પ્રદર્શનકારીઓ સંસદ ભવનથી માત્ર 50થી 100 મીટરના અંતર સુધી પહોંચી ગયા હતા. તાજેતરમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં આ હકીકત જાણવા મળી છે.
નોંધનીય છે કે આ દિવસે જંતર-મંતરથી શરૂ થયેલા પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું, જેમાં 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે પ્રદર્શનની પરવાનગી આપી ન હોવા છતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને બેરિકેડ્સ તોડીને આગળ વધ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.
ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર રેલ ભવન નજીકના CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે પ્રદર્શનકારીઓ સંસદની તદ્દન નજીક આવેલા ‘સેલ્ફી પોઇન્ટ’ સુધી પહોંચી ગયા હતા. જ્યારે આ હોબાળો મચી રહ્યો હતો ત્યારે સંસદ ભવનની સીમારેખા પણ સ્પષ્ટ દેખાતી હતી. એટલું જ નહીં, આ અરાજકતા વચ્ચે સંસદ પરિસરની અંદર એક VVIP કાફલો પસાર થઈ રહ્યો હતો, જે દર્શાવે છે કે સ્થિતિ કેટલી નાજુક હતી.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે દિલ્હી પોલીસ RAFના જવાનોએ લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પોલીસે ઘણા પ્રદર્શનકારીઓની અટકાયત કરીને તેમને બસ અને વાહનોમાં ભરીને દૂર ખસેડવાનો પ્રયાસ પણ કર્યો હતો.
નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 લાગુ હોવા છતાં વગર પરવાનગીએ માર્ચ કાઢીને સેંકડોનું ટોળું સંસદ ભવન નજીક પહોંચી જતાં દિલ્હી પોલીસ અને સુરક્ષાબળોની પણ ચિંતા વધી હતી. જોકે પછીથી સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

