બર્લિન પ્રાઇડ પરેડ પર કાર ચડાવી દેનારો અબ્દુલ એનકાઉન્ટરમાં ઠાર: છરો લઈને હુમલો કરવા દોડ્યો, પોલીસે ગોળી ધરબી દીધી

જર્મનીની રાજધાની બર્લિનમાં યોજાયેલી ક્રિસ્ટોફર સ્ટ્રીટ ડે (Christopher Street Day-CSD) LGBTQ પ્રાઇડ પરેડ નજીક કાર ઘુસાડી હુમલો કરવાના આરોપી 21 વર્ષીય ઇસ્લામી કટ્ટરપંથી અબ્દુલ Bને પોલીસે ગોળી મારીને ઠાર કર્યો છે. બર્લિન પોલીસે રવિવારે (26 જુલાઈ) જણાવ્યું કે શંકાસ્પદને શહેરના સ્પાન્ડાઉ જિલ્લાના એક એલોટમેન્ટ ગાર્ડન વિસ્તારમાં શોધી કાઢવામાં આવ્યો હતો. જોકે, પોલીસને જોતાં જ તે ધારદાર હથિયાર (છરો) લઈને અધિકારીઓ તરફ દોડ્યો હતો. ત્યારબાદ પોલીસે ગોળીબાર કર્યો. ઇમરજન્સી સારવારના પ્રયાસો છતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ હુમલો શનિવારે (25 જુલાઈ) રાત્રે લગભગ 10 વાગ્યે બર્લિનના ટિયરગાર્ટન પાર્ક વિસ્તારમાં થયો હતો. આ સ્થળ બ્રાન્ડેનબર્ગ ગેટ નજીક આવેલું છે, જ્યાં યુરોપની સૌથી મોટી LGBTQ પ્રાઇડ પરેડમાંની એક ગણાતી ક્રિસ્ટોફર સ્ટ્રીટ ડે (CSD) પરેડ ચાલી રહી હતી. હુમલાખોરે મિનિવેન ભીડમાં ઘુસાડી દીધી હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 29 લોકો ઘાયલ થયા હતા. ઘટનાના પગલે સુરક્ષા કારણોસર કાર્યક્રમના બાકીના ભાગને રદ કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન બર્લિન પોલીસે હુમલાના શંકાસ્પદ તરીકે અબ્દુલ Bની ઓળખ જાહેર કરી હતી અને તેનો ફોટોગ્રાફ બહાર પાડી લોકો પાસેથી માહિતી માગી હતી. જર્મનીના ગૃહમંત્રી એલેક્ઝાન્ડર ડોબ્રિન્ડ્ટે જણાવ્યું હતું કે અબ્દુલ B અગાઉથી જ અનેક ગુનાઓ, કટ્ટરપંથીકરણ અને ઇસ્લામી નેટવર્ક સાથેના સંબંધોને કારણે સુરક્ષા એજન્સીઓના ધ્યાનમાં હતો. તે જર્મનીમાં જ 2005માં જન્મેલો લેબનીઝ મૂળનો જર્મન નાગરિક હતો.

અબ્દુલ Bને શોધવા માટે બર્લિન પોલીસે વ્યાપક શોધખોળ શરૂ કરી હતી. આખરે રવિવારે સાંજે તેને સ્પાન્ડાઉ વિસ્તારમાં શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે ધરપકડનો પ્રયાસ થતાં જ તેણે છરા સાથે હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેના જવાબમાં પોલીસે ગોળીબાર કર્યો. બાદમાં ફેડરલ પ્રોસિક્યુટરના કાર્યાલયે પણ પુષ્ટિ કરી હતી કે ગોળી વાગનાર વ્યક્તિનું મોત થયું છે.

આ ઘટના જર્મનીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભીડ પર વાહન ચઢાવી કરવામાં આવેલા હુમલાઓની શ્રેણીમાં વધુ એક કેસ તરીકે જોવામાં આવી રહી છે. આવા હુમલાઓ બાદ દેશમાં સુરક્ષા વ્યવસ્થા, કટ્ટરપંથ અને ઇમિગ્રેશન અંગેની ચર્ચા ફરી તેજ બની છે.

આ દરમિયાન જર્મનીના ચાન્સેલર ફ્રિડરિખ મર્ઝે બર્લિનના સેન્ટ મેરી ચર્ચ ખાતે યોજાયેલી શ્રદ્ધાંજલિ સભા પહેલાં નિવેદન આપતાં કહ્યું કે, “અમે આપણા સમાજની સ્વતંત્રતા અને ઉદાર મૂલ્યોનું દરેક સંભવિત રીતે રક્ષણ કરીશું.” તેમણે હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કાયદા અમલીકરણ એજન્સીઓની કાર્યવાહીનું પણ સમર્થન કર્યું.