
દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા CJP પ્રદર્શનના સમર્થનમાં ગોવાના પણજી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ઇસ્લામી કટ્ટરપંથી ઉમર ખાલિદના સમર્થનમાં પ્લેકાર્ડ દેખાતા પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે ‘ફ્રી ઉમર ખાલિદ, શરજીલ ઇમામ, ભીમા કોરેગાંવ 16’ લખેલું પ્લેકાર્ડ લઈને આવેલા બે શખ્સોને અટકાવી પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે (25 જુલાઈ) સાંજે આશરે 7 વાગ્યે પણજીના આઝાદ મેદાન ખાતે પ્રદર્શન દરમિયાન ઉપરોક્ત પ્લેકાર્ડ સાથે કેટલાક લોકો જોવા મળ્યા હતા. સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ તેની ઓળખ પૂછતાં તેમણે પોતાની પાસે કોઈ ઓળખપત્ર ન હોવાનું જણાવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે બે શખ્સોને પૂછપરછ માટે પણજી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી એકની ઓળખ ડેનિશ તરીકે થઈ હોવાનું કહેવાય છે.
આ ઘટનાની જાણ થતાં ભાજપ યુવા મોરચાના કાર્યકરો પણ પોલીસ સ્ટેશન બહાર પહોંચી ગયા હતા અને આવાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ધરણા પર બેઠા હતા.
ઉલ્લેખનીય છે કે ઉમર ખાલિદ હાલ દિલ્હી હિંદુવિરોધી હિંસાના ષડયંત્ર કેસમાં UAPA હેઠળ જેલમાં બંધ છે, જ્યારે શરજીલ ઇમામ પણ દેશદ્રોહ અને દિલ્હી હિંસા સંબંધિત કેસોમાં આરોપી છે. તેમ છતાં તેમના સમર્થનમાં જાહેર કાર્યક્રમમાં પ્લેકાર્ડ દેખાતા પોલીસે અટકાયત કરી હતી.
આ પહેલાં પણ ગોવામાં CJP સમર્થનમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનને લઈને ગોવા પોલીસે પરવાનગી વિના સભા યોજવા બદલ અજાણ્યા સમર્થકો અને પ્રદર્શનકારીઓ સામે FIR પણ નોંધાવી હતી.

