‘અમેરિકી ચૂંટણીમાં ચીનની દખલગીરી, 22 કરોડ મતદારોનો ડેટા ચોરી લીધો હતો’: ટ્રમ્પનો આરોપ, કહ્યું- ‘ડીપ સ્ટેટે’ પણ પુરાવા દબાવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાંથી ચીન પર અત્યાર સુધીનો સૌથી મોટો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે વર્ષ 2020ની ચૂંટણી દરમિયાન ચીને ઇતિહાસનું સૌથી મોટું ઇલેક્શન ડેટા હેકિંગ કર્યું હતું. ટ્રમ્પના મતે ચીને ગેરકાયદેસર રીતે 22 કરોડ (220 મિલિયન) અમેરિકી મતદારોની અંગત માહિતી ચોરી લીધી છે.

બીજી તરફ ચીને રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસના પ્રવક્તા લિયુ ચાંગે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે ચીન ક્યારેય બીજા દેશોની આંતરિક બાબતોમાં દખલગીરી કરતું નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકાની ચૂંટણી ત્યાંની આંતરિક બાબત છે અને ચીને ક્યારેય અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ હસ્તક્ષેપ કર્યો નથી અને ભવિષ્યમાં પણ નહીં કરે.

મતદારોની કઈ માહિતી ચોરાઈ હોવાનો દાવો?

રાષ્ટ્રપતિ ટ્રમ્પના જણાવ્યા અનુસાર ચીન દ્વારા ચોરી કરવામાં આવેલા ડેટામાં અમેરિકી નાગરિકોના નામ, સરનામાં, ફોન નંબર અને તેમની રાજકીય પક્ષની પસંદગી જેવી અત્યંત સંવેદનશીલ વિગતો સામેલ છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે આ ડેટાનો ઉપયોગ નકલી વોટર રજિસ્ટ્રેશન અને અન્ય ખોટી પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે, જે અમેરિકાની ચૂંટણી સુરક્ષા માટે એક મોટો ખતરો છે.

પોતાના સંબોધનમાં ટ્રમ્પે દાવો કર્યો કે ચીને આ ચોરી કરેલી માહિતીનો દુરુપયોગ કરવા માટે એક વિશેષ ડેટા ટીમ (એક્સપ્લોઇટેશન યુનિટ) પણ તહેનાત કરી હતી. આ સાથે જ તેમણે અમેરિકી વહીવટીતંત્રના જ કેટલાક અધિકારીઓ (ડીપ સ્ટેટ) પર આરોપ લગાવ્યો કે તેઓ ચીનની આ દખલગીરીના પુરાવાઓને દબાવવાનો અને તેને નાનો ગણીને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

અગાઉની સરકારો અને ગુપ્તચર સંસ્થાઓ પર આક્ષેપ

ટ્રમ્પે એવો પણ આરોપ લગાવ્યો કે ગુપ્તચર સંસ્થાઓ CIA અને NSAએ ચીનની આ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અગાઉના રાષ્ટ્રપતિ જો બાયડન અને તેમના બ્રીફિંગથી છુપાવી રાખી હતી. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયના અધિકારીઓ પર પણ માહિતીનો નાશ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે તપાસકર્તાઓને માહિતી સળગાવવા માટે વપરાતી બેગ પણ મળી આવી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેટલાક ગુપ્ત દસ્તાવેજો જાહેર કરતા દાવો કર્યો કે અમેરિકામાં વપરાતા ઇલેક્ટ્રોનિક વોંટિંગ મશીનો પણ સુરક્ષિત નથી અને તેની સાથે ચેડાં થયાં છે. તેમણે જણાવ્યું કે રશિયા, ચીન, ઈરાન અને ઉત્તર કોરિયા જેવા દેશો પાસે અમેરિકાની ચૂંટણી વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાની ક્ષમતા છે અને રાજ્યના ગવર્નરો પણ જાણે છે કે આ મશીનો પર સાયબર હુમલા થઈ શકે છે.

બિન-નાગરિકોના મતદાનનો મોટો મુદ્દો

આ ભાષણ દરમિયાન ટ્રમ્પે ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટીના (DHS) આગામી રિપોર્ટનો હવાલો આપીને જણાવ્યું કે અમેરિકામાં 2,78,000 એવા લોકો વૉટર લિસ્ટમાં નોંધાયેલા છે જેઓ અમેરિકાના નાગરિક જ નથી. કાયદા અનુસાર બિન-નાગરિકોને ચૂંટણીમાં વૉટ આપવાનો અધિકાર નથી. ટ્રમ્પે આ સ્થિતિને ચિંતાજનક ગણાવીને ચૂંટણી પ્રણાલીમાં મોટા સુધારાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે 2020ની ચૂંટણીમાં ગેરરીતિ અંગે ટ્રમ્પ અને તેમના સહયોગીઓ દ્વારા કરવામાં આવેલા 60થી વધુ કેસ કોર્ટમાં અગાઉ રદ થઈ ચૂક્યા છે અને ખુદ ટ્રમ્પના ન્યાય વિભાગને પણ કોઈ વ્યાપક ફ્રોડના પુરાવા મળ્યા નહોતા. તેમ છતાં ચૂંટણી પ્રક્રિયાને વધુ મજબૂત કરવા માટે ટ્રમ્પે હવે કોંગ્રેસને ‘સેવ અમેરિકા એક્ટ’ (SAVE America Act) પાસ કરવા અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં વૉટિંગ માટે નાગરિકતાનું પ્રમાણપત્ર અને ફોટો આઈડી ફરજિયાત કરી શકાય.