
મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે તાજેતરમાં ધર્મ પરિવર્તન અને અનામતના લાભોને લઈને એક મોટો ચુકાદો આપ્યો છે. અદાલતે તમિલનાડુ સરકારના એક સરકારી આદેશને (GO) ગેરબંધારણીય જાહેર કરીને રદ કરી દીધો છે. આ આદેશમાં હિંદુ ધર્મના પછાત કે અનુસૂચિત જાતિના લોકોને ઇસ્લામ અપનાવ્યા બાદ પણ ‘બેકવર્ડ ક્લાસ મુસ્લિમ’ (BC મુસ્લિમ) શ્રેણી હેઠળ અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલો થૂથુકુડી જિલ્લાના સમીર અહેમદ સાથે જોડાયેલો છે. સમીરનો જન્મ હિંદુ પરિવારમાં થયો હતો અને વર્ષ 2015માં તેણે ઇસ્લામ સ્વીકાર્યો હતો. ધર્માંતરણ બાદ તેણે ‘મુસ્લિમ લેબ્બાઈ’ સમુદાયનું પ્રમાણપત્ર મેળવવા અરજી કરી હતી, જેથી તેને બેકવર્ડ ક્લાસ મુસ્લિમ તરીકે આરક્ષણનો લાભ મળી શકે. જોકે તહસીલદારે તેની અરજી ફગાવી દીધી હતી.
ત્યારબાદ તેણે પોતાની માંગ માટે તમિલનાડુ સરકારના 2024માં બહાર પાડવામાં આવેલા એક આદેશનો આશરો લીધો અને હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ સરકારી આદેશમાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે જો પછાત (BC), અતિ પછાત (MBC), ડી-નોટિફાઇડ (DNC) અથવા અનુસૂચિત જાતિમાંથી (SC) કોઈ વ્યક્તિ ઇસ્લામ અપનાવે તો તેને પણ મુસ્લિમ પછાત વર્ગ તરીકે ગણીને અનામતનો લાભ ચાલુ રાખવામાં આવશે.
આ મામલાની સુનાવણી જસ્ટિસ જી. આર. સ્વામીનાથન અને જસ્ટિસ પી. બી. બાલાજીની ખંડપીઠે કરી હતી. અદાલતે તમિલનાડુ સરકારની આકરી આલોચના કરતા જણાવ્યું કે સરકાર માત્ર એક વહીવટી કે સરકારી આદેશ જાહેર કરીને અગાઉથી સ્થાપિત કાયદાકીય અને અદાલતી સિદ્ધાંતોને બદલી શકે નહીં.
ઇસ્લામ અપનાવ્યા પછી વ્યક્તિ ‘માત્ર મુસ્લિમ’ રહે છે
કોર્ટે પોતાના ચુકાદામાં અગાઉના ન્યાયિક નિર્ણયોને ટાંકતા કહ્યું કે હિંદુ વ્યક્તિ ઇસ્લામ સ્વીકારે પછી તે માત્ર એક મુસ્લિમ રહે છે. તેના અગાઉના જાતિ આધારિત સ્થાનના આધારે તેને મુસ્લિમ સમાજના કોઈ વિશિષ્ટ સમુદાયનો સભ્ય માની શકાય નહીં. મુસ્લિમ સમાજના જે સાત સમુદાયોને આરક્ષણ આપવામાં આવ્યું છે, તેમાં સભ્યપદ સામાન્ય રીતે જન્મના આધારે નક્કી થાય છે, ધર્માંતરણના આધારે નહીં.
જ્ઞાતિ કે સમુદાય જન્મથી નક્કી થાય છે, ધર્માંતરણથી નહીં
કોર્ટે સ્પષ્ટ કર્યું કે તમિલનાડુમાં અનામત માટે માન્યતા પ્રાપ્ત સાત મુસ્લિમ શ્રેણીઓ ઐતિહાસિક રીતે ઓળખાયેલા સમુદાયો છે. આ સમુદાયોનું સભ્યપદ સામાન્ય રીતે જન્મના આધારે જ નક્કી થાય છે, ધર્મ પરિવર્તનના આધારે નહીં. તેથી, ધર્મ પરિવર્તન કરનાર કોઈ વ્યક્તિ આ વિશેષ સમુદાયના હોવાનો દાવો કરી શકે નહીં.
હાઇકોર્ટે સરકારના આદેશની ટીકા કરતા કહ્યું કે તેમાં BC, MBC, DNC અને SC જેવી અલગ-અલગ બંધારણીય શ્રેણીઓને એકસાથે ભેગી કરીને ‘બેકવર્ડ ક્લાસ મુસ્લિમ’ તરીકે ગણવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું કે આ તમામ શ્રેણીઓનો સામાજિક અને ઐતિહાસિક આધાર અલગ છે અને તેમને એક સમાન ગણાવવું બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
અદાલતના ચુકાદાને બદલવાની સરકારની કોશિશ
કોર્ટે વધુમાં જણાવ્યું કે વિધાનસભા કાયદામાં ફેરફાર કરી શકે છે, પરંતુ સરકાર માત્ર વહીવટી આદેશ દ્વારા કોઈ અંતિમ ન્યાયિક નિર્ણયને રદબાતલ ઠેરવી શકતી નથી. જો કોઈ અદાલતનો ચુકાદો અમલમાં હોય તો સરકાર તેને માત્ર એક આદેશથી બદલી શકતી નથી.
ચુકાદામાં કોર્ટે એ પણ નોંધ્યું કે ઇસ્લામના પ્રચારકો વર્ષોથી એવો દાવો કરતા આવ્યા છે કે ઇસ્લામમાં જાતિભેદ કે ઊંચ-નીચ નથી અને તે સમાનતામાં માને છે. આવી સ્થિતિમાં મુસ્લિમ સમાજમાં જ કેટલાક સમુદાયોને પછાત અને કેટલાકને અગ્ર ગણાવવાની વ્યવસ્થા ઇસ્લામના સમાનતાના સિદ્ધાંત સાથે પણ સુસંગત નથી.
આ તમામ કારણોને ધ્યાનમાં રાખીને મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ સરકારના માર્ચ 2024ના સરકારી આદેશને અસંવિધાનિક અને મનસ્વી ગણાવીને રદ કર્યો છે. સાથે જ કોર્ટે સમીર અહેમદને ‘મુસ્લિમ લેબ્બાઈ’ સમુદાયનું પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરનાર તહસીલદારના નિર્ણયને પણ યથાવત રાખ્યો છે.

