પશ્ચિમ બંગાળમાં લાગુ થશે UCC અને ધર્માંતરણ-વિરોધી કાયદો: સીએમ શુભેન્દુ અધિકારીનું એલાન, NRC પણ લાગુ કરવાની તૈયારી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC), NRC અને કડક ધર્માંતરણવિરોધી કાયદો લાગુ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા અને બંગાળની સંસ્કૃતિના રક્ષણ માટે ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. UCC બિલ 29 જૂને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું.

કોલકાતાના રવીન્દ્ર સદનમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી અધિકારીએ જણાવ્યું કે સરહદ પારથી થતી ઘૂસણખોરીના કારણે રાજ્યની જનસાંખ્યિકી બદલાઈ રહી છે. તેમના મતે આ જ કારણસર લવ જેહાદ અને ધર્માંતરણના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

શુભેન્દુ અધિકારીએ સ્પષ્ટ કર્યું કે ધાર્મિક અત્યાચારના કારણે ભારત આવેલા હિંદુઓને ઘૂસણખોર નહીં પરંતુ શરણાર્થી ગણવા જોઈએ અને તેમને CAA હેઠળ નાગરિકતા આપવામાં આવશે. બીજી તરફ ગેરકાયદેસર રીતે આવેલા લોકોને પરત મોકલવા માટે હોલ્ડિંગ સેન્ટરો પણ તૈયાર કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું.

આ દરમિયાન રાજ્ય સરકાર વિધાનસભામાં ‘બંગાળ પબ્લિક સેફ્ટી એન્ડ કન્ટ્રોલ ઑફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ બિલ, 2026’ પણ લાવવાની તૈયારીમાં છે. આ બિલને લઈને રાજકીય વિવાદ શરૂ થયો છે. TMC સાંસદ મહુઆ મોઇત્રાએ આ બિલને ‘ખતરનાક’ ગણાવતાં દાવો કર્યો કે તે કટોકટીના સમયની યાદ અપાવે છે.