ફરી ધિંગાણે ચડ્યા અમેરિકા-ઈરાન: યુદ્ધવિરામ બાદ બંને દેશોના સામસામે હુમલા, એકબીજા પર કરાર તોડ્યાનો આરોપ

અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલા યુદ્ધવિરામ કરાર બાદ ફરી એકવાર મધ્ય-પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. બંને દેશોએ એકબીજા પર લશ્કરી હુમલા કર્યા છે અને શાંતિ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા એક કોમર્શિયલ જહાજ પર ડ્રોનથી હુમલો કર્યો હોવાનો અમેરિકાએ દાવો કર્યો હતો.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના (CENTCOM) જણાવ્યા અનુસાર ઈરાનના કથિત હુમલાના જવાબમાં શુક્રવારે (27 જૂન) યુએસ સૈન્યએ ઈરાનમાં મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ સેન્ટર્સ તેમજ દરિયાકાંઠાના રડાર સાઇટ્સને નિશાન બનાવીને જોરદાર એરસ્ટ્રાઈક કરી હતી. દક્ષિણ ઈરાનના સિરીક બંદર નજીક આ હુમલાના કારણે પ્રચંડ વિસ્ફોટો સંભળાયા હતા. અમેરિકાએ આ લશ્કરી કાર્યવાહીને ઈરાનની ઉશ્કેરણી સામેનો ‘શક્તિશાળી જવાબ’ ગણાવ્યો છે.

અમેરિકાના આ હુમલા બાદ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (IRGC) પણ વળતો પ્રહાર કર્યો હતો. ઈરાની સેનાએ દાવો કર્યો છે કે તેમણે આ ક્ષેત્રમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર જવાબી હુમલા કર્યા છે. ઈરાની સૈન્ય પ્રવક્તાએ ચેતવણી આપી છે કે જો અમેરિકા આવી કોઈ વધુ ભૂલ કરશે તો તેને આકરો જવાબ આપવામાં આવશે. જોકે, અમેરિકાએ હજુ સુધી તેના કયા મથકો પર હુમલા કર્યા છે તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

રાજકીય મોરચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના કૃત્યને શાંતિ કરારનું ‘મૂર્ખતાભર્યું ઉલ્લંઘન’ ગણાવ્યું છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હિંસાનો જવાબ હિંસાથી જ આપવામાં આવશે. બીજી તરફ ઈરાનના સાંસદો અને સૈન્ય અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે અમેરિકાએ વાટાઘાટોની વચ્ચે હુમલો કરીને નિયમો તોડ્યા છે. ઈરાનનું કહેવું છે કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર તેનું નિયંત્રણ છે અને આ હુમલો કરારનું ઉલ્લંઘન નહીં પણ ‘સીઝફાયર મેનેજમેન્ટ’નો ભાગ હતો.

નોંધનીય છે કે હોર્મુઝ વૈશ્વિક ઉર્જા સપ્લાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે દુનિયાનો પાંચમા ભાગનો ગેસ અને તેલનો વેપાર આ દરિયાઈ માર્ગેથી થાય છે. આ વિવાદ છતાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વૈશ્વિક સંગઠનો આંતરરાષ્ટ્રીય જહાજોની સુરક્ષિત અવરજવર માટે પ્રયાસો કરી રહ્યા છે.