શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ રાજીનામાં આપ્યાં હોવાના અહેવાલ, SIT તપાસ બાદ થઈ હતી FIR: અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ

અયોધ્યાના રામ મંદિર દાનચોરી કેસમાં એક દિવસમાં બે મોટા વળાંકો આવ્યા છે. નામજોગ તમામ 8 આરોપીઓની ધરપકડ કર્યા બાદ શુક્રવારે (26 જૂન) શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે આ ઘટનાને લઈને હજુ સુધી ટ્રસ્ટ તરફથી કોઈ આધિકારિક માહિતી સામે આવી નથી.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સરકારે ટ્રસ્ટની વિનંતી બાદ આ મામલે ત્રણ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની (SIT) રચના કરી હતી. SITના પ્રાથમિક અહેવાલમાં દાનની ગણતરી અને સંચાલન પ્રક્રિયામાં ગેરરીતિના સંકેતો સામે આવ્યા બાદ 25 જૂને FIR નોંધવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે કેસમાં તમામ 8 આરોપીઓની ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં ચંપત રાયના ડ્રાઇવર અને નજીકના સહયોગી રામાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ, કેશ કાઉન્ટિંગ ઑપરેશનના વડા અનુકલ્પ મિશ્રા, નિવૃત્ત બેન્ક કર્મચારી અને કેશ કાઉન્ટિંગ સુપરવાઇઝર સુભાષ શ્રીવાસ્તવ ઉપરાંત અવિનાશ શુક્લા, કરુણેશ પાંડે, મનીષ યાદવ, લવકુશ મિશ્રા અને રામાશંકર મિશ્રાનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ આ તમામ લોકો મંદિરમાં મળતા રોકડ દાનના સંગ્રહ, હેન્ડલિંગ અથવા ગણતરી સાથે સીધા જોડાયેલા હતા.

શું છે સમગ્ર મામલો?

રામ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતી રોકડ રકમ સત્તાવાર ખાતામાં જમા થાય તે પહેલાં જ તેમાં ગેરરીતિ થતી હોવાના આરોપો સામે આવ્યા હતા. આક્ષેપો બાદ ટ્રસ્ટે રાજ્ય સરકારને તપાસની વિનંતી કરી હતી, જેના આધારે SITની રચના કરવામાં આવી હતી. SITના પ્રાથમિક તારણોના આધારે ટ્રસ્ટે જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

નોંધનીય છે કે અત્યાર સુધી નોંધાયેલી FIRમાં ચંપત રાય કે ટ્રસ્ટી અનિલ મિશ્રાનું નામ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું નથી. અગાઉ SITના પ્રાથમિક અહેવાલમાં પણ તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી નહોતી. જોકે તપાસ હજુ ચાલુ છે અને તપાસમાં સામે આવતા પુરાવાના આધારે આગળની કાર્યવાહી થશે.

આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફરી સ્પષ્ટ કર્યું છે કે રામ મંદિર સાથે જોડાયેલા આ મામલે કોઈ પણ દોષિતને છોડવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે સરકાર જાહેર વિશ્વાસ સાથે ચેડાં કરવાના કોઈ પણ પ્રયાસ સામે ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.