
દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. બુધવારે સાંજે સ્થાનિક સમય મુજબ માત્ર 39 સેકન્ડના અંતરે 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 235 લોકોનાં મોત થયાં છે, જ્યારે 4,300થી વધુ લોકો ઘાયલ થયા છે. હજારો લોકો હજુ પણ ગાયબ હોવાનું કહેવાઈ રહ્યું છે, જેના કારણે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ભૂકંપ છેલ્લા એક સદીમાં વેનેઝુએલામાં આવેલા સૌથી શક્તિશાળી ભૂકંપોમાંનો એક છે.
ભૂકંપ બાદ દેશના ઉત્તર ભાગમાં આવેલા લા ગુઆઈરા સહિતના વિસ્તારોમાં અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. બચાવ ટીમો સતત કાટમાળ હટાવીને જીવતા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. આરોગ્યમંત્રી કાર્લોસ અલ્વારાડોએ જણાવ્યું કે ઘણા લોકો હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. અનેક વિસ્તારોમાં હજુ પણ આફ્ટરશોક્સ અનુભવાઈ રહ્યા હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
આ દુર્ઘટનામાં વેનેઝુએલાના નાગરિકો ઉપરાંત અન્ય દેશોના લોકો પણ મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં બે સ્પેનિશ, બે બ્રાઝિલિયન, બે ચીની, એક ઇટાલિયન-વેનેઝુએલિયન અને એક પોર્ટુગીઝ નાગરિકનાં મોતની પુષ્ટિ થઈ છે. બીજી તરફ ભારત, અમેરિકા, ચીન, બ્રાઝિલ, ફ્રાન્સ, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, મેક્સિકો સહિત અનેક દેશોએ રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવાની જાહેરાત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ વેનેઝુએલાને શક્ય તમામ સહાય આપવાની ખાતરી આપી છે.
ભૂકંપ બાદ આધુનિક ટેક્નોલોજીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગૂગલે જણાવ્યું કે તેના એન્ડ્રોઇડ અર્થક્વેક એલર્ટ સિસ્ટમે ભૂકંપના પ્રારંભિક આંચકા નોંધ્યા બાદ અનેક મોબાઇલ યુઝર્સને થોડી સેકન્ડ પહેલાં ચેતવણી મોકલી હતી. ઉપરાંત, સ્ટારલિંકે ભૂકંપથી પ્રભાવિત લોકોને 25 જુલાઈ સુધી મફત ઇન્ટરનેટ સેવા આપવાની જાહેરાત કરી છે. હાલ સમગ્ર વિશ્વની નજર વેનેઝુએલા પર છે, જ્યાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને હજારો લોકોના જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

