કેતન અગ્રવાલની હત્યા બાદ આરોપીઓ સિયા અને ચેતન વચ્ચે બ્લેમગેમ શરૂ: પોલીસ પૂછપરછમાં દોષનો ટોપલો એકબીજા પર ઢોળ્યો

કેતન અગ્રવાલ હત્યા કેસમાં પકડાયેલી મંગેતર સિયા ગોયલ અને તેનો પ્રેમી ચેતન ચૌધરી હવે પોલીસ પૂછપરછ દરમિયાન એકબીજા પર જ આરોપો મૂકી રહ્યા છે. ધરપકડ બાદ પોલીસે બંનેને સામસામે બેસાડીને લાંબી પૂછપરછ કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ બંનેએ સાથે મળીને કેતનની હત્યાને અંજામ આપ્યો હતો, પરંતુ હવે બંને કાવતરું ઘડવામાં પોતાની ભૂમિકા ઓછી કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ચેતન ચૌધરીએ પૂછપરછમાં દાવો કર્યો છે કે તે સિયા સાથે ભાગીને લગ્ન કરવા માંગતો હતો અને કેતનની હત્યા કરવાનો વિચાર સિયાનો હતો. બીજી તરફ સિયા ગોયલે પોલીસને જણાવ્યું છે કે કેતનની હત્યા કરવાની યોજના ચેતનની હતી અને તે જ સતત તેના પર દબાણ કરતો હતો. બંનેનાં આ નિવેદનોને પોલીસ બચાવની રણનીતિ તરીકે જોઈ રહી છે.

પોલીસ માને છે કે બંને આ ઘટનામાં સમાન રીતે સામેલ હતાં અને જવાબદારીમાંથી બચવા માટે એકબીજા પર દોષારોપણ કરી રહ્યાં છે. પોલીસે બંને વિરુદ્ધ અનેક પુરાવા એકત્ર કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે સિયા અને ચેતન વચ્ચે નવેમ્બર 2025થી પ્રેમસંબંધ હતો. સિયાના પરિવારજનોએ કેતન સાથે તેનાં લગ્ન નક્કી કર્યાં હોવા છતાં તે ચેતન સાથે સંપર્કમાં હતી. પોલીસને બંને વચ્ચે થયેલી મુલાકાતો અને ફોન સંપર્કોના પુરાવા પણ મળ્યા છે, જે કાવતરાની દિશામાં મહત્વપૂર્ણ કડી માનવામાં આવી રહ્યા છે.

18 જૂને લોહગઢ કિલ્લા નજીક કેતન અગ્રવાલને ખીણમાં ધકેલી દેવામાં આવ્યો હતો, જે ઘટનામાં તેનું મોત થયું હતું. શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત માનવામાં આવી હતી, પરંતુ તપાસ આગળ વધતાં સિયા અને ચેતનની સંડોવણી બહાર આવી. હાલમાં બંને પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ સમગ્ર કાવતરાની કડીઓ જોડીને હત્યાના કેસની વધુ તપાસ કરી રહી છે.