આપણે દરરોજ ભોજનમાં મીઠું ખાઈએ છીએ. રસોડામાં પડેલી નાની ડબ્બીમાંથી એક ચપટી મીઠું શાકમાં પડે છે, દાળમાં પડે છે, લોટમાં ભળે છે અને આખા ભોજનનો સ્વાદ બદલાઈ જાય છે. પરંતુ આ મીઠું આપણા સુધી કેવી રીતે પહોંચે છે, તે પ્રશ્ન કદાચ ઘણા ઓછા લોકો પૂછતા હશે. મીઠાની પાછળની દુનિયા શહેરોથી ઘણી દૂર છે. તે કચ્છના રણમાં વસે છે, જ્યાં મહિનાઓ સુધી તડકો આકાશમાંથી આગ વરસાવતો હોય છે, જ્યાં જમીન પર ખારાશ સિવાય બીજું કશું દેખાતું નથી અને જ્યાં પાણી પણ ખારું હોય છે. આ જ કઠિન પરિસ્થિતિઓ વચ્ચે વર્ષોથી એક સમુદાય દેશ માટે મીઠું પકવી રહ્યો છે. આ સમુદાય છે અગરિયા સમુદાય.
તાજેતરમાં ગુજરાત સરકારે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત એક મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 28 નિવૃત્ત બસોને ચાલતી-ફરતી શાળાઓમાં ફેરવીને ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ તરીકે શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલનો સીધો લાભ કચ્છ અને ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રના રણ વિસ્તારોમાં રહેતા અગરિયા પરિવારોનાં બાળકોને મળશે. પ્રથમ નજરે આ એક શૈક્ષણિક યોજના લાગે છે, પરંતુ તેની પાછળ એક એવી બાબત છુપાયેલી છે જે માત્ર શિક્ષણની નહીં, પરંતુ દેશના મીઠા ઉત્પાદન, કચ્છના રણ અને ત્યાં જીવતા એક સાહસિક સમુદાયના જીવન સાથે જોડાયેલી છે.
કોણ છે અગરિયા સમુદાય?
ગુજરાતના કચ્છ અને લિટલ રણ ઑફ કચ્છ વિસ્તારમાં પેઢીઓથી મીઠું પકવતા લોકો અગરિયા તરીકે ઓળખાય છે. ચોમાસું પૂર્ણ થયા પછી જ્યારે રણ ધીમે-ધીમે સૂકાવા લાગે છે ત્યારે હજારો અગરિયા પરિવારો પોતાનાં ગામડાંઓમાંથી નીકળે છે અને રણની અંદર ઊંડે સુધી જઈને મહિનાઓ માટે વસવાટ કરે છે. તેમની સામે કોઈ શહેર નથી, કોઈ બજાર નથી, કોઈ સામાન્ય વસાહત નથી. આસપાસ માત્ર વિશાળ સફેદ રણ હોય છે અને તેની વચ્ચે ઉભેલા મીઠાના અગરો.
અગરિયાઓનું જીવન સામાન્ય નથી. મીઠું તૈયાર કરવું માત્ર ખેતી કે ઉદ્યોગ જેવું કામ નથી. તેના માટે જમીનની નીચે રહેલું ખારું પાણી બહાર કાઢવું પડે છે, પછી તેને ખાસ અગરોમાં ભરવું પડે છે, સતત દેખરેખ રાખવી પડે છે અને મહિનાઓ સુધી મહેનત કરીને મીઠાનાં સ્ફટિકો તૈયાર કરવાં પડે છે. તડકાની ગરમી ઘણી વખત 45 ડિગ્રી સેલ્સિયસથી પણ ઉપર પહોંચી જાય છે. ખારાશના સતત સંપર્કમાં રહેવાને કારણે હાથ-પગની ચામડી પર અસર થાય છે. તેમ છતાં દર વર્ષે હજારો પરિવારો આ કામમાં જોડાય છે, કારણ કે આ માત્ર તેમનો વ્યવસાય નથી પરંતુ તેમની પેઢીઓથી ચાલતી આવતી જીવનશૈલી છે.
દેશના ભોજનમાં પહોંચતા મીઠાની પાછળ અગરિયાઓનો પરિશ્રમ
ભારત વિશ્વના સૌથી મોટા મીઠા ઉત્પાદક દેશોમાં સામેલ છે અને ગુજરાત દેશના કુલ મીઠા ઉત્પાદનમાં સૌથી મોટો ફાળો આપે છે. આ આંકડાઓ પાછળ અગરિયાઓનો પરિશ્રમ છુપાયેલો છે. જ્યારે આપણે બજારમાંથી મીઠાનું પેકેટ ખરીદીએ ત્યારે કદાચ આપણને ખબર પણ નથી હોતી કે તેની પાછળ કચ્છના રણમાં કોઈ પરિવાર મહિનાઓ સુધી કામ કરતો રહ્યો હશે.
અગરિયાઓનું યોગદાન માત્ર આર્થિક નથી. તેમણે એવા વિસ્તારોમાં જીવન જીવવાની કળા વિકસાવી છે જ્યાં સામાન્ય માણસ થોડા દિવસ પણ ન રહી શકે. રણમાં વસવાટ, પાણીની તંગી, આરોગ્યની સમસ્યાઓ, અતિશય ગરમી અને એકાંત વચ્ચે પણ તેઓ દર વર્ષે મીઠાનું ઉત્પાદન ચાલુ રાખે છે. આ કારણસર તેમને માત્ર મીઠા ઉત્પાદકો તરીકે નહીં, પરંતુ એક સાહસિક સમુદાય તરીકે પણ જોવામાં આવે છે.
મીઠું બનતા પહેલાંની લાંબી યાત્રા
આજે જ્યારે કોઈ વ્યક્તિ દુકાનમાંથી મીઠાનું એક પેકેટ ખરીદે છે ત્યારે તેના માટે તે માત્ર રોજિંદા જીવનની એક સામાન્ય વસ્તુ હોય છે. પરંતુ કચ્છના અગરિયા પરિવારો માટે મીઠું માત્ર ઉત્પાદન નથી, તે આખી જીવનશૈલી છે. મીઠાના દરેક કણ પાછળ મહિનાઓની મહેનત, રાહ જોવાની ક્ષમતા અને કુદરત સાથેનો સતત સંઘર્ષ છુપાયેલો હોય છે.
ચોમાસું પૂરું થાય ત્યારથી અગરિયાઓની નવી સીઝન શરૂ થાય છે. તેઓ રણમાં પહોંચે છે અને સૌથી પહેલાં મીઠાના અગરો તૈયાર કરવાનું કામ શરૂ થાય છે. જમીનની નીચે રહેલા ખારા પાણીને બહાર કાઢવા માટે બોરિંગ કરવામાં આવે છે. પછી આ પાણીને ખાસ તૈયાર કરાયેલા અગરોમાં છોડવામાં આવે છે. અહીંથી શરૂ થાય છે મહિનાઓ લાંબી પ્રક્રિયા. પાણી એક દિવસમાં મીઠું બની જતું નથી. સૂર્યપ્રકાશ, તાપમાન અને સતત દેખરેખના સંયોજનથી ધીમે-ધીમે મીઠાના સ્ફટિકો બનવા લાગે છે.
આ સમયગાળા દરમિયાન અગરિયાઓ માટે દરેક દિવસ મહત્વનો હોય છે. પાણીનું સ્તર યોગ્ય રહેવું જોઈએ. અગરની સ્થિતિ પર નજર રાખવી પડે. હવામાનમાં આવેલા નાના ફેરફારની પણ અસર થઈ શકે છે. મહિનાઓની મહેનત પછી જ્યારે સફેદ મીઠું જમીન પર ચમકવા લાગે ત્યારે તે આખી સીઝનના પરિશ્રમનું પરિણામ હોય છે.
રણમાં પસાર થતો એક દિવસ
અગરિયાઓના જીવનને સમજવા માટે માત્ર તેમના વ્યવસાય વિશે જાણવું પૂરતું નથી. તેમની રોજિંદી જિંદગી કેવી હોય છે તે સમજવું પણ જરૂરી છે. સૂર્યોદય પહેલાં જ દિવસ શરૂ થઈ જાય છે. થોડા કલાકોમાં જ રણનું તાપમાન ઝડપથી વધવા લાગે છે. બપોર સુધીમાં સૂર્યનો તાપ એવો હોય છે કે સામાન્ય માણસ માટે લાંબો સમય બહાર ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય. તળપદા શબ્દોમાં આવા તડકાને કાળમીંઢ તડકો કહે છે. પરંતુ અગરિયાઓ માટે આ જ જીવન છે.
આસપાસ નજર કરો તો જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી સફેદ ખારાશ જ દેખાય. વૃક્ષો નથી, ઘનિષ્ઠ વસાહતો નથી, શહેરોનો ઘોંઘાટ નથી. ઘણી વખત નજીકમાં પીવાનાં પાણીની વ્યવસ્થા પણ પડકારરૂપ હોય છે. આરોગ્ય સેવાઓ સુધી પહોંચવું સરળ હોતું નથી. બાળકો માટે મનોરંજન કે સામાન્ય સામાજિક જીવનની તકો પણ મર્યાદિત હોય છે.
તેમ છતાં આ લોકો વર્ષો નહીં, પેઢીઓથી આ પરિસ્થિતિઓમાં જીવન જીવી રહ્યા છે. તેમણે એવા પ્રદેશને જીવન અને રોજગારનું કેન્દ્ર બનાવ્યું છે જ્યાં મોટાભાગના લોકો થોડા દિવસથી વધુ સમય રહેવાનું કલ્પી પણ ન શકે.
‘મીઠા ખારા’ પછી ચર્ચામાં આવેલો સમુદાય
અગરિયા સમુદાય લાંબા સમય સુધી મુખ્યધારાની ચર્ચાઓથી દૂર રહ્યો હતો. થોડા સમય પહેલાં લોકગાયક આદિત્ય ગઢવીના કોક સ્ટુડિયો ભારતના ગીત ‘મીઠા ખારા’એ આ સ્થિતિ બદલી નાખી.
આ ગીત માત્ર એક લોકગીત નહોતું. તે અગરિયા સમુદાયનાં જીવન, સંઘર્ષ અને શ્રમને અર્પણ કરાયેલું એક સાંસ્કૃતિક સન્માન હતું. ગીત રિલીઝ થયા પછી લાખો લોકોએ પ્રથમ વખત જાણ્યું કે કચ્છના રણમાં એક એવો સમુદાય રહે છે, જે દેશના ભોજનમાં સ્વાદ ઉમેરતું મીઠું તૈયાર કરે છે. ગીતે અગરિયાઓના જીવનને ચર્ચાના કેન્દ્રમાં લાવ્યું અને લોકોમાં તેમની પ્રત્યે નવી જિજ્ઞાસા પેદા કરી. હવે ફરી એકવાર અગરિયા સમુદાય ચર્ચામાં છે. પરંતુ આ વખતે કારણ સંગીત નથી, તેમનાં બાળકોનું ભવિષ્ય છે.
શિક્ષણ સામેનો સૌથી મોટો પડકાર
અગરિયાઓના જીવન વિશે જાણતા લોકો એક વાત સારી રીતે સમજે છે કે તેમનો સૌથી મોટો પડકાર માત્ર રોજગાર નથી. વાસ્તવમાં રોજગારની સાથે જોડાયેલા અનેક પ્રશ્નોમાંથી એક પ્રશ્ન એવો છે, જે વર્ષોથી તેમની સાથે ચાલતો આવ્યો છે– બાળકોનું શિક્ષણ.
ચોમાસું પૂર્ણ થાય છે અને અગરિયા પરિવારો રણ તરફ પ્રયાણ કરે છે ત્યારે તેઓ એકલા જતા નથી. તેમની સાથે આખો પરિવાર જાય છે. બાળકો પણ તેમની સાથે જ જાય છે. ઘણા પરિવારો માટે રણમાં જ જીવનનો મોટો હિસ્સો પસાર થાય છે. પરિણામે બાળકો માટે નિયમિત રીતે શાળામાં હાજરી આપવી સરળ રહેતી નથી. શહેર કે ગામમાં રહેતાં બાળક માટે શાળા સુધી પહોંચવું સામાન્ય બાબત હોય શકે, પરંતુ રણમાં વસવાટ કરતા બાળક માટે શિક્ષણ સુધી પહોંચવું ઘણી વખત એક અલગ જ મથામણ બની જાય છે.
કલ્પના કરો કે જ્યાં આસપાસ કિલોમીટરો સુધી માત્ર સફેદ ખારાશથી ઢંકાયેલો વિસ્તાર હોય, જ્યાં કોઈ નિયમિત વસાહત ન હોય, જ્યાં રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી પણ પડકારરૂપ હોય, ત્યાં શિક્ષણની વ્યવસ્થા કેવી રીતે શક્ય બને? વર્ષો સુધી આ પ્રશ્ન માત્ર અગરિયા પરિવારોનો જ નહીં, પરંતુ શિક્ષણ વ્યવસ્થા માટે પણ એક પડકાર રહ્યો હતો.
આ જ કારણ છે કે અગરિયા બાળકોનું શિક્ષણ માત્ર વર્ગખંડ સાથે જોડાયેલો મુદ્દો નથી. તે ભૌગોલિક પરિસ્થિતિ, જીવનશૈલી અને રોજગાર સાથે સીધો જોડાયેલો પ્રશ્ન છે. જો પરિવારનું જીવન જ રણ સાથે બંધાયેલું હોય, તેવામાં બાળકોને માત્ર શાળામાં હાજર રહેવાની સલાહ આપવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. શિક્ષણને તેમની પાસે પહોંચાડવું પડે છે.
અગરિયા પરિવારોનાં બાળકો માટે પડકાર માત્ર શાળાથી દૂર રહેવાનો નહોતો. વાસ્તવમાં સમસ્યા વધુ જટિલ હતી. જ્યારે પરિવાર મહિના સુધી રણમાં રહેતો હોય ત્યારે બાળકનું સમગ્ર જીવન બદલાઈ જતું હોય છે. તેના મિત્રો, તેનું ગામ, તેની શાળા અને તેનું સામાન્ય સામાજિક વાતાવરણ બધું પાછળ રહી જાય છે.
આવી સ્થિતિમાં શિક્ષણનો સતત પ્રવાહ જાળવવો સરળ નથી. ઘણી વખત બાળકો અભ્યાસમાં પાછળ રહી જતાં હોય છે. શિક્ષકો માટે પણ આવા વિદ્યાર્થીઓ સુધી નિયમિત રીતે પહોંચવું મુશ્કેલ બનતું હોય છે. વર્ષોથી સરકાર અને શિક્ષણ વિભાગ માટે આ એક એવી સમસ્યા રહી છે, જેનો પરંપરાગત ઉકેલ શક્ય નહોતો. કારણ કે અહીં સમસ્યા શાળાની અછત નહોતી. સમસ્યા અંતરની હતી. સમસ્યા જીવનશૈલીની હતી. સમસ્યા એ હતી કે બાળકો જ્યાં હતાં, ત્યાં શિક્ષણ કેવી રીતે પહોંચાડવું. અહીંથી જન્મે છે ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’.
બાળકો શાળા સુધી ન પહોંચી શક્યાં તો સરકારે શાળા જ તેમના સુધી પહોંચાડી દીધી
ગુજરાત સરકારે શરૂ કરેલી ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ પહેલનો મૂળ વિચાર પણ આ જ છે. રાજ્ય સરકારે 28 નિવૃત્ત બસોને આધુનિક મોબાઇલ ક્લાસરૂમમાં પરિવર્તિત કરી છે. આ બસો માત્ર વાહન નથી. તેમને એ રીતે તૈયાર કરવામાં આવી છે કે બાળકોને જ્યાં તેઓ રહે છે ત્યાં જ શિક્ષણ મળી શકે.
રણના અંતરિયાળ વિસ્તારોનું બાળક પણ ભણશે,
— Harsh Sanghavi (@sanghaviharsh) June 23, 2026
શિક્ષણ અને કેળવણી સાથે આગળ વધશે !
📚આજે શાળા પ્રવેશોત્સવ નિમિત્તે અગરિયા સમુદાયના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શનમાં ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ – રણશાળા પહેલ અંતર્ગત ૨૮ વિશેષ સુસજ્જ બસોનું લીલી… pic.twitter.com/PlEMLXgToh
આ બસોમાં શૈક્ષણિક સાધનો, ડિજિટલ શિક્ષણની સુવિધાઓ, સ્માર્ટ ટીવી, અભ્યાસ માટે જરૂરી સામગ્રી અને બાળકોને અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પહેલ માત્ર બસો સુધી મર્યાદિત નથી. તેની સાથે શિક્ષકો પણ જોડાયેલા છે. કારણ કે શિક્ષણનું કેન્દ્ર હંમેશાં શિક્ષક જ હોય છે.
રાજ્યભરમાં 'શાળા પ્રવેશોત્સવ'નો પ્રારંભ થયો છે ત્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ્હસ્તે ગાંધીનગરના પથિકાશ્રમ એસ.ટી. ડેપો ખાતેથી 28 રણશાળા બસનું લોકાર્પણ કરાયું…
— Gujarat Information (@InfoGujarat) June 23, 2026
અગરિયા સમુદાયના બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકારની અનોખી પહેલ સમાન ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ રણશાળા… pic.twitter.com/KFuyuP6Jse
આ પહેલ પાછળનો વિચાર સરળ છે પરંતુ અસરકારક છે. વર્ષોથી શિક્ષણ વ્યવસ્થા બાળકોને શાળા સુધી લાવવાનો પ્રયાસ કરતી રહી છે. પરંતુ અગરિયા સમુદાય જેવી વિશિષ્ટ પરિસ્થિતિ ધરાવતા લોકો માટે હવે શાળાને જ બાળકો સુધી લઈ જવાનો માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. એક અર્થમાં જોઈએ તો આ માત્ર પરિવહનની વ્યવસ્થા નથી, પરંતુ શિક્ષણ અંગેની વિચારસરણીમાં આવેલો મહત્વપૂર્ણ બદલાવ છે.
રણમાં પણ ભણશે સપનાંઓ
કચ્છનું રણ ભારતના સૌથી અનોખા ભૂપ્રદેશોમાંનું એક ગણાય છે. અહીંની ભૌગોલિક પરિસ્થિતિઓ જ જીવનને અલગ બનાવે છે. પરંતુ દરેક બાળકનાં સપનાં ભૌગોલિક પરિસ્થિતિઓથી બંધાયેલાં હોતાં નથી. રણમાં જન્મેલું બાળક પણ ડૉક્ટર બનવાનું સપનું જોઈ શકે છે, શિક્ષક બનવાનું વિચારી શકે છે, સરકારી અધિકારી બનવાની ઈચ્છા રાખી શકે છે અથવા પોતાના સમુદાય માટે કંઈક નવું કરવાની મહત્ત્વાકાંક્ષા રાખી શકે છે. પરંતુ સપનાં અને હકીકત વચ્ચેનો સૌથી મહત્વપૂર્ણ પુલ શિક્ષણ છે.
અગરિયા સમુદાયનાં બાળકો માટે આ પુલ વર્ષોથી નબળો રહ્યો હતો. તેમનાં માતા-પિતા દેશ માટે મીઠું પકવતા રહ્યાં, પરંતુ ઘણા બાળકો માટે શિક્ષણ સુધી સતત પહોંચ જાળવવી મુશ્કેલ બનતી રહી. આવી સ્થિતિમાં ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ જેવી પહેલ માત્ર શૈક્ષણિક યોજના બનીને રહેતી નથી, પરંતુ તે એક સામાજિક હસ્તક્ષેપ બની જાય છે. કારણ કે જ્યારે શિક્ષણ કોઈ એક ચોક્કસ સમુદાય સુધી પહોંચે છે ત્યારે માત્ર એક બાળકનું ભવિષ્ય બદલાતું નથી. આખી પેઢી માટે નવી શક્યતાઓ ઊભી થાય છે.
દેશને મીઠું આપનારા લોકોનો સ્વીકાર
અગરિયા સમુદાય વિશે લખતી વખતે ઘણી વખત તેમની મુશ્કેલીઓની ચર્ચા થાય છે. પરંતુ તેમનું જીવન માત્ર સંઘર્ષ નથી. તે યોગદાન પણ છે. દેશના કરોડો લોકોના ભોજનમાં પહોંચતું મીઠું કોઈ કારખાનામાં જાદુઈ રીતે તૈયાર થતું નથી. તેની પાછળ હજારો પરિવારોનો પરિશ્રમ રહેલો છે. કચ્છના રણમાં મહિના સુધી કામ કરતા અગરિયાઓના હાથમાં પડેલી કરચલીઓ, તડકામાં વિતાવેલા દિવસો અને ખારાશ વચ્ચે પસાર થયેલી જિંદગી એ મીઠાની સાચી કિંમત છે.
કદાચ આ કારણસર અગરિયાઓને માત્ર એક વ્યવસાયિક સમુદાય તરીકે જોવું પૂરતું નથી. તેઓ એવા લોકો છે જેમણે કઠિન પરિસ્થિતિઓમાં જીવન જીવવાની કળા વિકસાવી છે અને દેશના મીઠા ઉત્પાદનને જીવંત રાખ્યું છે. આજે જ્યારે તેમનાં બાળકો સુધી શિક્ષણ પહોંચાડવા માટે ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ જેવી પહેલ શરૂ થઈ રહી છે ત્યારે તેને માત્ર એક સરકારી યોજના તરીકે નહીં પરંતુ દેશના એક મહત્વપૂર્ણ સમુદાયના યોગદાનને મળતી માન્યતા તરીકે પણ જોઈ શકાય.
થોડા મહિના પહેલાં ‘મીઠા ખારા’એ દેશને અગરિયાઓની વાત સંભળાવી હતી. હવે ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ એ વાતમાં એક નવો અધ્યાય ઉમેરી રહી છે. કચ્છના રણમાં મીઠાના અગરો વચ્ચે ઉછરતાં બાળકો માટે હવે શિક્ષણ અને જીવનનિર્વાહ વચ્ચે પસંદગી કરવાની જરૂર નહીં પડે. તેમનાં માતા-પિતા જેમ દેશના ભોજનમાં સ્વાદ ઉમેરે છે, તેમ હવે શિક્ષણ તેમના ભવિષ્યમાં નવી શક્યતાઓનો સ્વાદ ઉમેરી શકે છે અને કદાચ આ જ આ સમગ્ર પહેલનો સૌથી મોટો અર્થ છે.


