
સુરતના ડિંડોલી વિસ્તારમાંથી વાલીઓની આંખ ઉઘાડતો એક અત્યંત ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતી એક માત્ર 12 વર્ષની સગીર બાળકી ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હતી. આ દરમિયાન તેનો સંપર્ક મજૂરી કામ કરતા 26 વર્ષના અરમાન ઉર્ફે અમ્મુ રાજુ ખટીક નામના યુવક સાથે થયો હતો. 14 વર્ષ મોટા આ યુવકે શરૂઆતમાં માસૂમ બાળકી સાથે મિત્રતા કેળવીને તેનો વિશ્વાસ જીતી લીધો હતો.
આરોપી અરમાન ગત 14 જૂનના રોજ આ બાળકીને નિકાહની લાલચ આપી, ફોસલાવીને અપહરણ કરી સુરતથી ટ્રેન મારફતે અજમેર લઈ ગયો હતો. બાળકી અચાનક ગુમ થઈ જતાં તેના પરિવારજનોએ આ અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અજમેર લઈ ગયા બાદ આરોપીએ આ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે ટેક્નોલોજી અને સર્વેલન્સની મદદથી આરોપીની અજમેરથી ધરપકડ કરી લીધી છે અને તેની સામે પોક્સો (POCSO) તથા અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

