ભારત સાથેના સંબંધો સુધારવા મથતા ટ્રમ્પ, દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીની ભરપૂર પ્રશંસા કરી, કહ્યું– તેમની ઉપર હુમલો થયો તો અમે પડખે રહીશું

પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે G7 સમિટ દરમ્યાન થઈ હતી બેઠક

પોતાના બીજા કાર્યકાળ દરમ્યાન અમુક નિવેદનો અને નિર્ણયોના કારણે ભારત સાથેના સંબંધો ડામાડોળ કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ફરીથી સંબંધો સુધારવા માટે પ્રયાસો કરતા જણાય રહ્યા છે. જેનો સંકેત બુધવારે (17 જૂન) વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની દ્વિપક્ષીય બેઠકમાં પણ મળ્યો. બેઠકમાં ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી વડા પ્રધાન છે ત્યાં સુધી અમેરિકા સતત ભારતની પડખે રહેશે અને જો દેશ પર કોઈ હુમલો થયો તો અમેરિકા મદદ માટે હાજર હશે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “અમારા બંને દેશો વચ્ચે મજબૂત રક્ષા ભાગીદારી છે. અમારી વચ્ચે કોઈ કરાર નથી પણ જો તેમની (ભારત) ઉપર હુમલો થાય તો અમે તેમની મદદ માટે હાજર રહીશું.’

આગળ ટ્રમ્પે કહ્યું, “જો કોઈએ પણ આ વ્યક્તિ (મોદી) રહેતાં તેમની ઉપર હુમલો કર્યો તો અમે પડખે રહીશું. મને બીજા નેતાઓ વિશે ખબર નથી, પણ મોદી છે ત્યાં સુધી અમે કાયમ ભારતની પડખે રહીશું.”

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે શું પશ્ચિમ એશિયા સંઘર્ષમાં ભારત ભૂમિકા ભજવી શકે, જેના જવાબમાં તેમણે કહ્યું, “મને લાગે છે કે ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે. જ્યાં સુધી મોદી વડા પ્રધાન છે ત્યાં સુધી ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે.”

અહીં ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત રાષ્ટ્રપતિ પદે શપથગ્રહણ કર્યા બાદ અમેરિકાની અર્થવ્યવસ્થા સુધારવા માટે દુનિયાભરના દેશો પર ટેરિફ ઝીંક્યા હતા, જેમાં ભારત પણ એક હતું. ઉપરાંત ટ્રમ્પનાં ‘ડેડ ઇકોનોમી’ જેવાં નિવેદનોના પણ ભારતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ સિવાય તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે મે 2025માં થયેલા સૈન્ય સંઘર્ષ વિશે પણ અવનવા દાવાઓ કરતા રહ્યા હતા, જેના કારણે ભારત-અમેરિકાના સંબંધોનો આલેખ સતત ઉપર-નીચે રહ્યો.

જોકે ટ્રમ્પે વડા પ્રધાન મોદી સાથેની દરેક બેઠકમાં ભારત અને મોદી પ્રત્યે સકારાત્મક વલણ જ દર્શાવ્યું છે. તાજેતરની બેઠક પરથી અને ટ્રમ્પની વાતો પરથી જણાય રહ્યું છે કે મોદી અને ભારતને પ્રસન્ન કરવા માટે અને આખરે બંને દેશો વચ્ચેના સંબંધોને પાટે ચડાવવા માટે ટ્રમ્પે પ્રયાસો શરૂ કરી દીધા છે.