ઝારખંડ: રાંચીના RSS કાર્યાલય પર ફેંકાયા પેટ્રોલ બૉમ્બ, ભાજપે ગણાવ્યું ષડ્યંત્ર, પોલીસે શરૂ કરી તપાસ

ઝારખંડની રાજધાની રાંચીમાં 16-17 જૂનની મધ્યરાત્રિએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય પર પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના રાંચી શહેરના નિવારણપુર વિસ્તારમાં આવેલા RSS કાર્યાલય પર બની હતી.

હુમલાની માહિતી મળતાં જ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. સિટી ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) કે.વી. રમણે મીડિયાને જણાવ્યું કે ઘટનાસ્થળેથી બોટલોના કાચ મળી આવ્યા છે, જેની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

આ કેસની ગંભીરતાને જોતાં પોલીસ કમિશનરના નેતૃત્વમાં એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે, જેમાં સાયબર DSP સહિતના ઉચ્ચ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજના ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની ઓળખ કરી લીધી છે અને તેમને પકડી પાડવા માટે તપાસ તેજ કરી દેવામાં આવી છે.

કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ઝારખંડના વરિષ્ઠ ભાજપ નેતા સંજય સેઠના જણાવ્યા અનુસાર, મધ્યરાત્રિએ આશરે 12:36 વાગ્યે મોટરસાઇકલ પર આવેલા બે અજ્ઞાત યુવકોએ સંઘના કાર્યાલયને નિશાન બનાવીને પેટ્રોલ બૉમ્બ ફેંક્યા હતા. સંજય સેઠે આ હુમલાને એક ‘મોટું ષડયંત્ર’ ગણાવ્યું છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા સંઘ કાર્યાલયની બહાર કાયમી પોલીસ ચોકી ઊભી કરવાની માંગ કરી છે.

ઝારખંડ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બાબુલાલ મરાંડીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ ભવિષ્યમાં કોઈ મોટી અનિચ્છનીય ઘટના અંજામ આપવા માટેની પૂર્વતૈયારી અથવા ચેતવણી હોઈ શકે છે. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે તેમણે જિલ્લા કલેક્ટર સાથે પણ વાતચીત કરી હોવાનું જણાવ્યું હતું.