
પશ્ચિમ બંગાળમાં કારમી હાર મળ્યા બાદ મમતા બેનર્જીના ભત્રીજા, TMCના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. રાજ્યની CIDએ તેમને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. અભિષેક બેનર્જીને કોલકાતામાં આવેલા CIDના મુખ્યાલય ‘ભવાની ભવન’ ખાતે બપોરે 11:00 વાગ્યે હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે.
આ કાર્યવાહી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કરવામાં આવેલા ઉશ્કેરણીજનક અને નફરતભર્યાં ભાષણોના મામલામાં થઈ રહી છે. ચૂંટણીનાં પરિણામો જાહેર થયાના બીજા જ દિવસે બિધાનનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ અંગે FIR નોંધવામાં આવી હતી. અભિષેક પર મતગણતરી પ્રક્રિયા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા, ચૂંટણી પછીની હિંસા ભડકાવવા અને પ્રચાર દરમિયાન તણાવ પેદા કરનારી ભાષણબાજી કરવાના ગંભીર આરોપો છે.
EDની 11 કલાકની પૂછપરછ
આ CID સમન્સના બરાબર એક દિવસ પહેલા જ આ પહેલાં સોમવારે જ EDએ પ્રાથમિક શાળા ભરતી કૌભાંડમાં મની લોન્ડરિંગના કેસમાં અભિષેકની 11 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. સીજીઓ કોમ્પ્લેક્સ ખાતે સવારે 11 વાગ્યા પહેલાં શરૂ થયેલી પ્રક્રિયા રાત્રે 10:15 વાગ્યે પૂરી થઈ હતી. તપાસ અધિકારીઓએ નાણાકીય વ્યવહારો, ડિજિટલ રેકોર્ડ્સ અને પૈસાની હેરફેરને લઈને બે ડઝન જેટલા સવાલો પૂછ્યા હતા અને આખી કાર્યવાહીનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું હતું.
અભિષેક બેનર્જી હાલમાં એકસાથે અનેક કાયદાકીય મોરચે ઘેરાયેલા છે. એક તરફ કેન્દ્રીય એજન્સી ED શાળા ભરતી કૌભાંડના પૈસા ક્યાં ગયા તેની તપાસ કરી રહી છે તો બીજી તરફ રાજ્યની CID બે અલગ કેસમાં તેમની પૂછપરછ કરી રહી છે, જેમાં એક વિધાનસભામાં વિપક્ષના નેતાની નિમણૂક અંગે ધારાસભ્યોની નકલી સહીઓ કરવાનો ફોર્જરી કેસ છે અને બીજો આ ચૂંટણી વખતના નફરતભર્યાં ભાષણોનો કેસ છે.

