કોંગ્રેસની રેલીનો ફિયાસ્કો: સભામાં ગણ્યાગાંઠ્યા ખેડૂતો આવ્યા, અમિત ચાવડાએ ભાષણ કર્યા વગર ચાલતી પકડી, પાલ આંબલિયા રડવા લગ્યા

ખેડૂતોના મુદ્દે મોટા ઉપાડે આંદોલન કરનાર કોંગ્રેસની 15 જૂનની અમદાવાદની સભા સદંતર ફ્લૉપ ગઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. જાણવા મળ્યા અનુસાર શતાબ્દી મહોત્સવ મેદાન ખાતે આયોજિત સભામાં ગણ્યાગાંઠ્યા લોકો એકઠા થયા હતા. જેના કારણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાષણ કર્યા વગર જ ચાલતી પકડી હતી. પૂર્વ કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ ભાષણ તો કર્યું પણ વચ્ચે રડવા માંડ્યા હતા.

કોંગ્રેસે અમદાવાદમાં ખેડૂતોના પ્રશ્નો મુદ્દે આંદોલન કરવાની ઘોષણા કરી હતી. જેના માટે રાજ્યભરમાંથી ખેડૂતોને ટ્રેક્ટર લઈને બોલાવવામાં આવ્યા હતા. થોડાઘણા સવારે આવ્યા પણ ખરા અને અમદાવાદ શાંતિપુરા ચોકડીથી રેલી પણ કાઢી હતી.

આ રેલી ઓગણજના શતાબ્દી મહોત્સવ મેદાન ખાતે પહોંચી ત્યાંથી આગળ વધતી અટકાવવામાં આવી હતી કારણ કે ગાંધીનગરમાં પ્રવેશની પોલીસે મંજૂરી આપી ન હતી. શરૂઆતમાં અમુક કોંગ્રેસીઓએ આગળ વધવાનો પ્રયાસ કર્યો પણ પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી. ત્યારબાદ અમુક ત્યાંથી જ રવાના થઈ ગયા તો અમુક ખેડૂતોને કોંગ્રેસ નેતાઓ સમજાવીને સભાસ્થળે લઈ ગયા હતા.

જોકે સભાસ્થળે ખાસ ભીડ એકઠી થઈ ન હતી અને થોડાઘણા લોકો હતા. દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ભાષણ કર્યા વગર જ રવાના થઈ ગયા હતા. પાલ આંબલિયાએ એક ભાષણ કર્યું, જેમાં તેઓ રડવા માંડ્યા હતા. આંબલિયાનું કહેવું છે કે તેમની ઉપર ખેડૂતોને ગુમરાહ કરવાના આરોપ લાગી રહ્યા છે જ્યારે પોતે ખેડૂતો માટે લડતા આવ્યા છે.

દરમ્યાન સભામાં આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયા પણ અમુક સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા હતા પણ તેમને સ્ટેજ સુધી પહોંચવા દેવામાં ન આવ્યા અને વચ્ચેથી જ કોંગ્રેસ કાર્યકરોએ ભગાવી દીધા હતા. રાણસરિયાનું કહેવું છે કે તેમને કોંગ્રેસના જ નેતાઓએ બોલાવ્યા હતા અને પોતે એટલા માટે આવ્યા હતા જેથી ખેડૂતોનો મુદ્દો ન ભટકી જાય પણ પછીથી કોંગ્રેસ કાર્યકરો તેમની સાથે મારામારી પર ઉતરી આવ્યા.

જે થોડા ઘણા ખેડૂતો આવ્યા હતા તેમનું કહેવું છે કે તેઓ એક ખેડૂત તરીકે આવ્યા હતા, કોંગ્રેસના બેનર હેઠળ આંદોલન કરવા માટે નહીં. એક ખેડૂતે એમ પણ કહ્યું કે તેમને કોંગ્રેસના બેનર હેઠળ સભા કરવા માટે કહેવામાં આવ્યું ન હતું. ત્યારબાદ ઘણા ખેડૂતો સભામાં જવાના સ્થાને ગાંધીનગર ચાલતા જવા માટે રવાના થયા હતા. પરંતુ સભામાં કોઈ ખાસ ગયું ન હતું. જોકે પોલીસે પહેલેથી પૂરતો બંદોબસ્ત ગોઠવી રાખ્યો હતો.