
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની જાહેરાત બાદ ઇઝરાયેલ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતમાર બેન-ગ્વીરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સમજૂતી ઇઝરાયેલને બંધનકર્તા નથી અને ઇઝરાયેલ પોતાની સુરક્ષા અંગેના નિર્ણયો સ્વતંત્ર રીતે લેતું રહેશે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાને પ્રાથમિક સમજૂતી પૂર્ણ થવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે ડીલ પૂર્ણ થઈ ગઈ છે અને હોર્મુઝ ફરીથી ખોલવામાં આવશે. સાથે જ અમેરિકી નૌકાબંધી હટાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. 19 જૂને સ્વિટ્ઝર્લૅન્ડમાં સમજૂતી પર સત્તાવાર હસ્તાક્ષર થવાના છે.
પરંતુ ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતમાર બેન-ગ્વીરે આ સમજૂતી સામે વિરોધ નોંધાવ્યો છે. X પર કરેલી પોસ્ટમાં તેમણે લખ્યું કે, “ટ્રમ્પની સમજૂતી અમને બંધનકર્તા નથી. ઇઝરાયેલ અમેરિકા હેઠળનું રાજ્ય નથી, અમે સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ છીએ.”
ההסכם של טראמפ אינו מחייב אותנו. ישראל לא כפופה לארצות הברית ואנחנו מדינה עצמאית וריבונית!
— איתמר בן גביר (@itamarbengvir) June 15, 2026
חובתנו לאזרחי ישראל לחיילי צה״ל ולעם היהודי וחובתנו ההיסטורית לנרדפים ולנרצחים היהודים באלפי שנות גלות, להעניק ביטחון ליהודים בארץ ישראל.
בכל פעם שנכנענו ללחץ בינלאומי על חשבון ביטחון…
તેમણે વધુમાં કહ્યું કે, “અમે અમેરિકાને પ્રેમ કરીએ છીએ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના આભારી છીએ, પરંતુ ઇઝરાયેલ કોઈ Banana Republic નથી.” બેન-ગ્વીરના જણાવ્યા અનુસાર ઇઝરાયલ પોતાની સુરક્ષા સાથે સમાધાન કરી શકતું નથી અને ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂકવાના નિર્ણયો દેશને ભારે પડ્યા છે.
તેમણે ઓસ્લો કરાર, 2006નું લેબનોન સમજૂતી માળખું અને ગાઝામાં અપનાવવામાં આવેલી સંયમની નીતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે પણ ઇઝરાયેલે પોતાની સુરક્ષાની કિંમત પર આંતરરાષ્ટ્રીય દબાણ સ્વીકાર્યું છે, ત્યારે તેની ભારે કિંમત ચૂકવવી પડી છે.
બેન-ગ્વીરે ખાસ કરીને લેબનોન મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાન દ્વારા જાહેર કરાયેલી સમજૂતીની વિગતોમાં લેબનોન સહિત તમામ મોરચાઓ પર સૈન્ય કાર્યવાહી બંધ કરવાની વાત કરવામાં આવી હતી. જોકે ઇઝરાયેલે આવી કોઈ શરત સ્વીકારી હોવાના સંકેત આપ્યા નથી.
તેમણે કહ્યું કે ઇઝરાયેલ હિઝબુલ્લાહના સંપૂર્ણ વિઘટનથી ઓછું કંઈ સ્વીકારશે નહીં. ઇઝરાયેલે કબજામાં લીધેલા વિસ્તારોમાંથી પાછું ખસવું જોઈએ નહીં અને લેબનોનમાંથી ઇઝરાયેલ પર થતા હુમલાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવી જોઈએ.
બેન-ગ્વીરે ચેતવણી આપતા કહ્યું કે લેબનોનમાંથી ઇઝરાયેલ તરફ છોડવામાં આવતો દરેક ડ્રોન, UAV અથવા મિસાઇલનો જવાબ ઇઝરાયેલ તરફથી હુમલા દ્વારા આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે થોડા મહિના પહેલાં જે પ્રકારનું ડિટરન્સ બેલેન્સ હતું, તેને ઇઝરાયેલ કોઈ પણ કિંમતે છોડશે નહીં.
પોસ્ટના અંતમાં તેમણે લખ્યું કે યહૂદી પ્રજા 3,000 વર્ષ જૂની પ્રજા છે, લાંબા સંઘર્ષથી ડરતી નથી અને હવે દુશ્મનો સામે નજર ઝુકાવવાનો સમય પૂરો થઈ ગયો છે. તેમણે કહ્યું કે, “તે દિવસો પૂરા થઈ ગયા જ્યારે યહૂદીઓ માર સહન કરતા અને ચૂપ રહેતા. હવે ક્યારેય નહીં.”
અમેરિકા-ઈરાન વચ્ચેની સમજૂતીને પશ્ચિમ એશિયામાં છેલ્લા ઘણા મહિનાઓનો સૌથી મોટો કૂટનીતિક બ્રેકથ્રુ માનવામાં આવી રહ્યો છે, પરંતુ ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રીના નિવેદન બાદ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ સમજૂતીના અમલ દરમિયાન લેબનોન અને હિઝબુલ્લાહનો મુદ્દો હજુ પણ મોટો વિવાદ બની શકે છે.

