અભિષેક બેનર્જીને CID સમક્ષ હજાર થવા કલકત્તા હાઇકોર્ટનો આદેશ, પણ ધરપકડ પર ત્રણ અઠવાડિયાં સુધી રોક

મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસ સાંસદને કલકત્તા હાઇકોર્ટે CID સમક્ષ પૂછપરછ માટે હાજર થવાનો આદેશ આપ્યો છે. જોકે કોર્ટે ત્રણ અઠવાડિયાં સુધી અભિષેક સામે કોઈ કડક પગલાં લેવા પર પણ રોક લગાવી દીધી છે. સરળ શબ્દોમાં કહીએ તો અભિષેકની આ કેસમાં ધરપકડ થઈ શકશે નહીં.

CIDના સમન્સ વિરુદ્ધ અભિષેક બેનર્જી કલકત્તા હાઇકોર્ટ પહોંચ્યા હતા. હાઇકોર્ટે અભિષેકને આજે સાંજે 6 વાગ્યે CID સમક્ષ હાજર રહેવા માટે જણાવ્યું છે. અહીં એજન્સી અભિષેકની પૂછપરછ કરી શકશે. જોકે કોર્ટે ત્રણ સપ્તાહ સુધી કોઈ કડક પગલાં ન લેવા માટે જણાવ્યું છે. સાથે અભિષેકને કહ્યું છે કે તેઓ તપાસમાં પૂરતો સહયોગ આપે.

કોર્ટે એમ પણ કહ્યું છે કે અભિષેક બેનર્જીને કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે ફરજ પાડી શકાય નહીં અને જો એજન્સીએ મેળવવું જ હોય તો સર્ચ ઑપરેશન કરીને જપ્ત કરી શકે છે.

શું છે કેસ?

મામલો ફેક સિગ્નેચર કેસનો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પછી નવી વિધાનસભા રચાઈ ત્યારે વિપક્ષ નેતાના પદ માટે તૃણમૂલ કોંગ્રેસ તરફથી વરિષ્ઠ નેતા શોભનદેબ ભટ્ટાચાર્યનું નામ મોકલવામાં આવ્યું હતું અને આ માટે સ્પીકરને એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં પાર્ટીના ધારાસભ્યોની સહી હતી.

પછીથી પાર્ટીના અમુક ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે પત્રમાં તેમણે સહી ન કરી હોવા છતાં સામેલ કરી દેવામાં આવી. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આ મામલો CIDને સોંપી દીધો હતો. અમુક ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે અભિષેક બેનર્જીએ આ ફર્જી સહીવાળો પત્ર મોકલ્યો હતો. ત્યારબાદ જોકે આ ધારાસભ્યોને ટીએમસીએ સસ્પેન્ડ કરી દીધા. પરંતુ આ જ ધારાસભ્યોને 60 ધારાસભ્યોનું સમર્થન મળી ગયું અને સસ્પેન્ડ થયેલા બે MLA પૈકીના એક રિતબ્રતા બેનર્જી વિપક્ષ નેતા બની ગયા.

બીજી તરફ CID અભિષેક બેનર્જીને વારંવાર સમન્સ મોકલી ચૂકી છે પરંતુ તેઓ કોઈને કોઈ બહાને હજાર થયા નહીં. વચ્ચે તેમની ઉપર હુમલો થયો હોવાનો પણ ટીએમસીએ દાવો કર્યો હતો. વાસ્તવમાં એક મુલાકાત દરમ્યાન સ્થાનિકોએ અભિષેક પર ઈંડાં ફેંક્યાં હતાં.