ફેક સિગ્નેચર કેસમાં TMC સાંસદ અભિષેક બેનર્જીને ત્રીજી વખત CIDનું તેડું, અગાઉનાં બે સમન્સ વખતે ઇજાનું બહાનું ધરીને હાજર રહ્યા ન હતા

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષ નેતાની ચૂંટણી માટે સ્પીકરને સોંપવામાં આવેલા પત્રમાં ટીએમસી ધારાસભ્યોની નકલી સહી કરવાના કેસની તપાસ કરતી CIDએ તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીને ત્રીજી વખત સમન મોકલ્યું છે. અગાઉ પણ અભિષેક બેનર્જીને 2 વખત તેડું મોકલવામાં આવ્યું હતું પણ તેઓ ઈજાનું બહાનું ધરીને હાજર રહ્યા ન હતા. હવે CIDએ ત્રીજી વખત નોટિસ મોકલીને 8 જૂનના રોજ પૂછપરછ માટે હાજર થવા આદેશ આપ્યો છે.

આ સમગ્ર વિવાદ પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકરને મોકલવામાં આવેલા એક સત્તાવાર પત્ર સાથે જોડાયેલો છે. આ પત્રમાં ટીએમસી ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાયને વિરોધ પક્ષના નેતા (LoP) બનાવવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેમાં તૃણમૂલ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોની નકલી સહીઓ કરવામાં આવી હોવાનો આરોપ છે. વિધાનસભા સચિવાલયે આ અંગે ફરિયાદ દાખલ કર્યા બાદ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નિર્દેશ પર એક SITની રચના કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ DIG રેન્કના અધિકારી કરી રહ્યા છે.

આ પહેલાં નોટિસ આપવા માટે CIDની ટીમે કોલકાતામાં આવેલા અભિષેક બેનર્જીના અલગ-અલગ નિવાસસ્થાનોની મુલાકાત લીધી હતી. શરૂઆતમાં અધિકારીઓ હરીશ મુખર્જી રોડ પર આવેલા ‘શાંતિનિકેતન’ બંગલે પહોંચ્યા હતા પરંતુ તેઓ ત્યાં રહેતા ન હોવાનું જાણવા મળતાં ટીમ તેમના કાલીઘાટ સ્થિત બીજા નિવાસસ્થાને પહોંચી હતી.

અભિષેક બેનર્જીએ સોનારપુરમાં થયેલા કથિત હુમલા બાદ પોતાની તબિયત ખરાબ હોવાનું કારણ ધરીને CID પાસે 15 દિવસનો સમય માગ્યો હતો. અભિષેક બેનર્જીએ તાજેતરમાં જ એક મુલાકાત દરમ્યાન પ્રજાના રોષનો સામનો કરવો પડ્યો હતો અને તેમની ઉપર ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા પરંતુ ચેક અપ બાદ ડોક્ટરોએ તેમને રજા આપી દીધી હતી કારણ કે ઇજાઓ ગંભીર ન હતી. તેમ છતાં અભિષેક બેનર્જી CID સમક્ષ હાજર ન રહ્યા અને વધુ સમય માગ્યો હતો. તપાસ એજન્સીએ તેમની આ લાંબી મુદતની માંગને ફગાવી દીધી હતી અને હવે નવું સમન જારી કર્યું છે. આ કેસમાં CID અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ ધારાસભ્યોનાં નિવેદનો નોંધી ચૂકી છે.