
મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ ફરીથી ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ ક્ષેત્રમાં આવેલાં અમેરિકાનાં 21 વ્યૂહાત્મક સૈન્ય મથકોને નિશાન બનાવીને મોટાપાયે મિસાઈલ હુમલા કરવાનો દાવો કર્યો છે. બીજી તરફ અમેરિકાએ પણ વળતા પ્રહારો શરૂ કરી દીધા છે.
આ સૈન્ય સંઘર્ષની શરૂઆત ત્યારે થઈ જ્યારે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ નજીક ઈરાને અમેરિકી સેનાના એક ‘અપાચે’ (Apache) હેલિકોપ્ટર અને એક ‘MQ-9 રીપર’ ડ્રોનને તોડી પાડ્યાં હતાં. અમેરિકાએ પોતાનાં સૈન્ય વિમાનો અને ડ્રોન ગુમાવ્યા બાદ વોશિંગ્ટને અત્યંત આક્રમક વલણ અપનાવ્યું અને યુએસ સેન્ટ્રલ કમાન્ડએ (CENTCOM) તુરંત જ જવાબી કાર્યવાહી કરવાની જાહેરાત કરી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાના જવાબમાં ‘સ્વબચાવ’ના નામે ઈરાન પર સૈન્ય હુમલાના આદેશ આપી દીધા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાન વિરુદ્ધ સતત ત્રણ તબક્કામાં હવાઈ હુમલા કર્યા, જેમાં ઈરાનની એર-ડિફેન્સ સિસ્ટમ્સ, રડાર સ્ટેશનો અને કમાન્ડ કંટ્રોલ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
During the US attack on Iran tonight, the United States lost 2 highly sophisticated MQ-9 Reaper drones over Iranian airspace, with their combined value estimated $80 million. pic.twitter.com/nHf7HRGKxw
— Current Report (@Currentreport1) June 10, 2026
અમેરિકાના પ્રહાર બાદ ઈરાને પણ વળતો જવાબ આપવાની ચેતવણી આપી અને સ્પષ્ટ કર્યું કે તેઓ અમેરિકી સૈન્યના આ હુમલાઓને સહન નહીં કરે. પરિણામે IRGC એ પોતાના ઑપરેશનના પ્રથમ તબક્કા તરીકે મધ્ય પૂર્વના દેશોમાં તૈનાત અમેરિકી દળો પર લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલો અને આત્મઘાતી ડ્રોન વડે વળતો પ્રહાર શરૂ કરી દીધો હતો.
ઈરાની મિસાઈલ હુમલાઓનું મુખ્ય લક્ષ્ય બહેરીન ખાતે આવેલું અમેરિકી નૌસેનાના પ્રતિષ્ઠિત ‘ફિફ્થ ફ્લીટ’નું મુખ્ય મથક હતું. બહેરીનમાં અમેરિકી નૌસેનાના આ મુખ્યાલય પર થયેલા વિસ્ફોટોના વિડીયો પણ સામે આવ્યા છે. આ ઉપરાંત, ઈરાને જોર્ડનમાં આવેલા ‘અલ-અઝરાક’ એર બેઝને પણ નિશાન બનાવ્યું, જ્યાં અમેરિકાના અત્યાધુનિક F-35 ફાઈટર જેટના શેલ્ટર્સ અને કમાન્ડ સેન્ટરો આવેલાં હોવાનું કહેવાય છે. કુવૈતમાં આવેલા ‘અલી અલ સાલેમ’ એર બેઝ પર પણ ઈરાને તીવ્ર પ્રહારો કર્યા છે.
આ ગંભીર સૈન્ય ટકરાવ વચ્ચે રાજદ્વારી મોરચે પણ ભારે હલચલ જોવા મળી રહી છે. અહેવાલો અનુસાર ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ ઈરાન પર એક મોટો અને સીધો સૈન્ય હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા અને ઇઝરાયેલી ફાઇટર જેટ્સ ટેક-ઑફ માટે તૈયાર હતાં. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહુને ચેતવણી આપીને આ હુમલો રોકવા માટે દબાણ કર્યું, જેથી સ્થિતિ વધુ બેકાબૂ ન બને. નેતન્યાહુએ હાલ પૂરતું ઈરાન પરનું સૈન્ય ઑપરેશન સ્થગિત રાખ્યું છે.
આ સૈન્ય સંઘર્ષ આંતરરાષ્ટ્રીય બજારો અને ખાસ કરીને વૈશ્વિક અર્થતંત્ર પર ખૂબ જ માઠી અસર પહોંચાડી શકે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વૈશ્વિક તેલ સપ્લાય માટેનો સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગ છે, જ્યાં યુદ્ધની સ્થિતિ સર્જાતા આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.
હાલના તબક્કે, વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે પડદા પાછળ શાંતિ વાટાઘાટો અને સંભવિત યુદ્ધવિરામ માટેના પ્રયાસો ચાલુ હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. જોકે બંને પક્ષો જે પ્રકારે એકબીજા પર સૈન્ય હુમલા કરી રહ્યા છે અને ભારે નુકસાન પહોંચાડવાના દાવા કરી રહ્યા છે તે જોતાં આ નાજુક યુદ્ધવિરામના પ્રયાસોથી બહુ સફળતા મળે એમ લાગતું નથી.

