
પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ મુશ્કેલીઓમાં ઘેરાયેલી તૃણમૂલ કોંગ્રેસને (TMC) બુધવારે વધુ એક આંચકો લાગ્યો. પક્ષનાં મહિલા નેતા અને રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે સાંસદ પદ અને પક્ષનાં તમામ સંગઠનાત્મક પદો પરથી રાજીનામું આપી દીધું છે. આ અઠવાડિયાના શરૂઆતના ત્રણ દિવસમાં જ પક્ષમાંથી રાજીનામું આપનારા તેઓ બીજા રાજ્યસભા સાંસદ છે, જે દર્શાવે છે કે મમતા બેનર્જીની પોતાની પાર્ટી પરની પકડ બહુ ઝડપથી નબળી પડી રહી છે.
53 વર્ષીય સુષ્મિતા દેવ અગાઉ આસામના સિલચરથી કોંગ્રેસની ટિકિટ પર લોકસભા સાંસદ રહી ચૂક્યાં છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પરાજય થયા બાદ 2021માં તેઓ કોંગ્રેસ પક્ષ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયાં હતાં. પક્ષમાં જોડાયા બાદ તેઓ ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા પણ બન્યાં હતાં.
રાજીનામું આપવા પહેલાં સુષ્મિતા દેવ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને પણ મળ્યાં હતાં.
#WATCH | TMC leader Sushmita Dev meets Assam CM Himanta Biswa Sarma in Delhi. She has resigned as Rajya Sabha Member of Parliament. pic.twitter.com/SP8hKBH8sd
— ANI (@ANI) June 10, 2026
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ટીએમસીના વધુ એક રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રૉયે રાજીનામું ધરી દીધું હતું. 13 વર્ષ સુધી રાજ્યસભામાં પક્ષના ચીફ વ્હીપ રહેલા સુખેન્દુ શેખરે મમતા બેનર્જીને એક પત્ર લખીને પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું, જેમાં તેમણે મમતા શાસન દરમ્યાન બંગાળમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા.
અગાઉ ટીએમસીના સસ્પેન્ડેડ ધારાસભ્ય રિતબ્રતા બેનર્જીના સમર્થનમાં 61 ધારાસભ્યો આવ્યા બાદ હવે સાંસદો પણ ખુલ્લેઆમ બળવો કરી રહ્યા છે. સુષ્મિતા દેવ અને સુખેન્દુ શેખર ઉપરાંત પક્ષના અન્ય મહિલા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર અને પૂર્વ પ્રવક્તા ડૉ. શાંતનુ સેને પણ પક્ષના આંતરિક વાતાવરણ અને ભ્રષ્ટાચારના મુદ્દે નારાજ થઈને પક્ષમાંથી રાજીનામાં ધરી દીધાં હતાં. પછીથી કાકોલી ઘોષના નેતૃત્વમાં જ 20 લોકસભા સાંસદોએ લોકસભા સ્પીકરને એક પત્ર લખીને અલગ જૂથ રચવાની અને NDAને સમર્થન જાહેર કરવાની વાત કહી હતી.

