કોંગ્રેસી સીએમ રેવંત રેડ્ડી પર ટિપ્પણી કરી તો જનસેના પાર્ટીના કાર્યકરની ધરપકડ કરી લાવી તેલંગાણા પોલીસ, જેલના સળિયા પાછળ દર્શાવતો ફોટો પણ જાહેર કર્યો

તેલંગાણામાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક ટિપ્પણી કરવાના આરોપસર જનસેના પાર્ટીના કાર્યકર કોર્રા ચંદર લાલની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય પોલીસે તેમની સામે કેસ નોંધ્યા બાદ ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાનો દાવો કર્યો છે. જોકે ધરપકડ જેટલો જ ચર્ચાનો વિષય પોલીસ દ્વારા જાહેર કરાયેલો એક પ્રચારાત્મક ફોટો પણ બન્યો છે, જેમાં આરોપીને જેલના સળિયા પાછળ દર્શાવવામાં આવ્યો છે.

માહિતી અનુસાર તેલંગાણા પોલીસે કોર્રા ચંદર લાલ સામે કેસ નંબર 395/2026 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તેમણે સોશિયલ મીડિયા પર રાજ્યના મુખ્યમંત્રી વિરુદ્ધ અયોગ્ય અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી.

પોલીસે જાહેર કરેલા સંદેશમાં જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સને ચેતવણી આપતા કહેવામાં આવ્યું હતું કે ઓનલાઈન ટિપ્પણીઓ કરતી વખતે મર્યાદા જાળવવી જોઈએ નહીં તો કાયદો પોતાનું કામ કરશે.

આ સમગ્ર મામલામાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર બાબત પોલીસ દ્વારા જાહેર કરાયેલ ગ્રાફિક છે. તેમાં કોર્રા ચંદર લાલને જેલના સળિયા પાછળ દર્શાવવામાં આવ્યા છે. ગ્રાફિકમાં એવો સંદેશ પણ આપવામાં આવ્યો છે કે મુખ્યમંત્રી વિશે અસભ્ય ટિપ્પણીઓ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

કોર્રા ચંદર લાલ જે જનસેના પાર્ટી સાથે સંકળાયેલા હોવાનું જણાવાયું છે, તે પાર્ટીની સ્થાપના આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને અભિનેતા પવન કલ્યાણે કરી હતી. જનસેના હાલમાં NDA ગઠબંધનનો ભાગ છે અને આંધ્ર પ્રદેશમાં BJP તથા TDP સાથે સત્તામાં સામેલ છે.