પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત પછી શુભેન્દુ અધિકારીના વડપણ હેઠળ બનેલી નવી સરકાર આવતાંની સાથે મોટાપાયે વહીવટી અને નીતિગત ફેરફારોનો દોર જાણે ચાલ્યો છે. આ તમામ નિર્ણયોમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અને આક્રમક નિર્ણય ગેરકાયદેસર વિદેશી નાગરિકો વિરૂદ્ધ અમલમાં મૂકવામાં આવેલી ‘ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ’ (Detect, Delete and Deport) પોલિસી છે, જેની ઘોષણા સ્વયં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આજથી થોડા દિવસ પહેલાં કરી હતી અને અને હવે તેની ઉપર કામ પણ શરૂ થઈ ગયું છે.
આ નીતિને સરળ શબ્દોમાં સમજીએ તો તેનો અર્થ થાય છે ઘૂસણખોરોને પકડવા, જો તેમનાં નામ મતદાર યાદીમાં હોય તો કાઢી નાખવાં અને આખરે તેમનો દેશનિકાલ કરવો. જે દેશમાંથી આવ્યા હોય ત્યાં પરત મોકલી આપવા. ભાજપ સરકારે ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું કે જો તેઓ સત્તા પર આવશે તો રાજ્યની સરહદો સુરક્ષિત કરશે અને ગેરકાયદેસર ઘૂસણખોરોને હાંકી કાઢશે. સત્તા સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ આ વચનને વહીવટી આદેશોમાં બદલીને સરકારે પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે, જેના કારણે સરહદી વિસ્તારોમાં મોટી હલચલ જોવા મળી રહી છે.
‘ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ’ની આ પોલિસી કેવી રીતે કરશે કામ?
આ પોલિસીનો પ્રથમ તબક્કો ‘ડિટેક્ટ’ (Detect– ઓળખ કરવી) છે. આ અંતર્ગત પશ્ચિમ બંગાળ પોલીસ, ગુપ્તચર વિભાગ અને સરહદી જિલ્લાનાં વહીવટી તંત્રને સક્રિય કરવામાં આવ્યાં છે. રાજ્યમાં કોઈપણ કાયદેસરના વિઝા કે પાસપોર્ટ વિના રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશી ઘૂસણખોરો અને રોહિંગ્યા મુસ્લિમોની ઓળખ કરવા માટે મોટાપાયે દસ્તાવેજોની ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે રેશનકાર્ડ, આધારકાર્ડ અને રહેઠાણના પુરાવાઓની કડક તપાસ થઈ રહી છે.
નીતિનો બીજો તબક્કો ‘ડિલીટ’ (Delete– હટાવવું) છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર પ્રવાસીઓને ભારતીય નાગરિકોને મળતા સરકારી લાભોથી વંચિત કરવાનો છે. ઓળખ કરાયેલા ઘૂસણખોરોનાં નામ તાત્કાલિક અસરથી મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે, જેથી તેઓ ભારતીય લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત ન કરી શકે. આ ઉપરાંત, રેશનિંગ સિસ્ટમ અને અન્ય મજહબ આધારિત કે સરકારી પ્રોત્સાહક યોજનાઓમાંથી પણ તેમનાં નામ અને ડેટા હટાવી દેવાની પ્રક્રિયા થશે.
ત્રીજો અને અંતિમ તબક્કો ‘ડિપોર્ટ’ (Deport– દેશનિકાલ) છે, જે સૌથી જટિલ અને કડક પ્રક્રિયા છે. આ અંતર્ગત ઓળખ કરવામાં આવેલા વિદેશી નાગરિકોને કાયદાકીય માર્ગે સરહદપાર પરત તેમના દેશ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ BSFને બોર્ડર ફેન્સિંગનાં બાકી રહેલાં કામો માટે રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક જમીન ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે, જેથી સરહદ પરથી થતી નવી ઘૂસણખોરી સંપૂર્ણપણે બંધ કરી શકાય.
હોલ્ડિંગ સેન્ટર સ્થાપવાનો આદેશ
આ નીતિને જમીની સ્તરે લાગુ કરવા માટે પશ્ચિમ બંગાળના ગૃહ અને હિલ અફેર્સ વિભાગે 23 મે 2026ના રોજ એક મહત્વપૂર્ણ સરકારી આદેશ બહાર પાડ્યો હતો. આ આદેશ હેઠળ રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને પોતાના જિલ્લામાં તાત્કાલિક ધોરણે ‘હોલ્ડિંગ સેન્ટર’ સ્થાપિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેન્દ્રોનો ઉપયોગ પકડાયેલા શંકાસ્પદ વિદેશીઓ અને જેલમાંથી મુક્ત થયેલા વિદેશી કેદીઓ માટે કામચલાઉ આશ્રયસ્થાન તરીકે થશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અગાઉ જારી કરાયેલી માર્ગદર્શિકા મુજબ આ હોલ્ડિંગ સેન્ટર્સમાં કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને વધુમાં વધુ 30 દિવસ માટે કસ્ટડીમાં રાખી શકાશે. આ સમયગાળા દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા સમકક્ષ રેન્કના અધિકારીઓ તે વ્યક્તિની નાગરિકતા અને દસ્તાવેજોની આખરી તપાસ કરશે. જો તે ગેરકાયદેસર પ્રવાસી સાબિત થાય તો ડિપોર્ટ કરવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. માલદા અને મુર્શિદાબાદના લાલગોલા જેવા વિસ્તારોમાં આવાં કેન્દ્રો સક્રિય પણ થઈ ગયાં છે.
આ નવી નીતિને લઈને મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પબ્લિક પ્લેટફોર્મ પર અત્યંત આક્રમક વલણ દાખવ્યું છે. નાદિયા જિલ્લામાં એક વહીવટી સમીક્ષા બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “ઘૂસણખોરો બાંગ્લાદેશી છે અને તેમની સરકારે તેમને સ્વીકારવા જ પડશે. અમે પોલીસને સૂચના આપી છે કે તેમને સ્થાનિક જેલોમાં ન રાખવામાં આવે. શું તેઓ આપણા જમાઈ છે કે આ દેશ તેમના ખાવા-પીવા, કપડાં અને દવાઓનો ખર્ચા ઉપાડે?”
બીજા એક વહીવટી કાર્યક્રમ દરમિયાન પણ મુખ્યમંત્રીએ સહેજ પણ ડિપ્લોમેટિક ભાષાનો ઉપયોગ કર્યા વિના સીધું નિવેદન આપ્યું હતું. તેમણે ઘૂસણખોરોને સંબોધીને કહ્યું હતું કે, જેટલી જલ્દી ભાગવું હોય એટલી જલ્દી ભાગી શકો છો નહીંતર સરકાર ઘણું બધું કરી શકે છે. શુભેન્દુ અધિકારીએ સવાલ ઉઠાવ્યો હતો કે પશ્ચિમ બંગાળના કાયદેસરના નાગરિકોના હકના સંસાધનો, રોજગારી, અનાજ અને જમીન ગેરકાયદેસર રીતે આવેલા વિદેશીઓ સાથે શા માટે વહેંચવા જોઈએ?
બાંગ્લાદેશી ઘૂસણખોરો સેંકડોની સંખ્યામાં ભાગી રહ્યા છે
સરકારની આ ‘ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ’ નીતિ અને મુખ્યમંત્રીનાં આકરાં નિવેદનોની સીધી અસર ભારત-બાંગ્લાદેશ સરહદ પર જોવા મળી રહી છે. કલકત્તાથી આશરે 75 કિલોમીટર દૂર ઉત્તર 24 પરગણા જિલ્લાના હકીમપુર બોર્ડર ચેક પોસ્ટ પર સેંકડોની સંખ્યામાં દસ્તાવેજ વગરના બાંગ્લાદેશી ઘૂસણખોરો એકઠા થઈ ગયા છે. ધરપકડ, પોલીસ કેસ અને હોલ્ડિંગ સેન્ટરોમાં કેદ થવાના ડરથી બચવા માટે પુરુષો, મહિલાઓ અને નાનાં બાળકો સામાન સરહદ નજીક ખુલ્લામાં આશરો લઈ રહ્યાં છે.
આ ભીડમાં સામેલ લોકો મોટેભાગે પશ્ચિમ બંગાળના જુદા જુદા વિસ્તારોમાં વર્ષોથી બાંધકામ મજૂર, ઘરેલું કામદાર કે દૈનિક મજૂર તરીકે કામ કરતા હતા. બંગાળમાં અચાનક બદલાયેલા રાજકીય વાતાવરણ અને કાયદાના સકંજાને કારણે તેઓ હવે જાતે જ સ્વૈચ્છિક રીતે BSF સમક્ષ આત્મસમર્પણ કરી રહ્યા છે, જેથી કોઈ મોટી કાયદાકીય ગૂંચવણમાં ફસાયા વગર BSF તેમને પરત બાંગ્લાદેશ તરફ પુશબેક કરી દે.
આ પ્રકારનું મોટું પલાયન અગાઉ નવેમ્બર 2025માં પણ જોવા મળ્યું હતું, જ્યારે કેન્દ્ર સરકારની સૂચનાથી મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તે સમયે પણ હજારો શંકાસ્પદ લોકોનાં નામ કટ થતાં સરહદ પર આવી જ ભીડ જામી હતી. પરંતુ ઘણી લોકો એવી ગણતરીએ રોકાઈ ગયા હતા કે કદાચ ચૂંટણીમાં સત્તા પરિવર્તન નહીં થાય પણ 2026ના પરિણામોએ તેમની આ ગણતરીઓ અને ચિંતાઓને સાચી સાબિત કરી દીધી છે.
જોકે, સરકારની આ નીતિના અમલીકરણમાં નાગરિકતા સુધારો કાયદો એટલે કે CAAની જોગવાઈઓનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે 31 ડિસેમ્બર 2014 પહેલાં પાડોશી દેશોમાંથી મજહબી ઉત્પીડનનો ભોગ બનીને આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને આ નીતિથી કોઈ જોખમ નથી. આ કડક કાર્યવાહી માત્ર એવા લોકો સામે જ છે જેઓ આર્થિક કારણોસર કે અન્ય ગેરકાયદેસર માધ્યમો દ્વારા ભારતમાં ઘૂસ્યા છે અને વસવાટ કરી રહ્યા છે.
બીજી તરફ, લાંબા સમય સુધી બંગાળમાં શાસન કરનારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અત્યારે વિપક્ષની ભૂમિકામાં આવી ગઈ છે. અગાઉ મમતા બેનર્જીએ આ નીતિઓનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે BSF પોતે સરહદ પરથી ઘૂસણખોરી કરાવે છે. પરંતુ હવે સત્તા બદલાતાં જ ભાજપ સરકારે પૂર્વ સરકારની વોટબેન્ક પોલિસીને તોડી પાડવા માટે આ કાયદાકીય સકંજો કસવાનું શરૂ કર્યું છે.
બીજી તરફ બાંગ્લાદેશમાં પણ ફફડાટ છે. બાંગ્લાદેશમાં સત્તા પર રહેલી શાસક પાર્ટી બીએનપીએ સોશિયલ મીડિયા પર વિદેશ મંત્રી ખલીલુર રહમાનનું નિવેદન શેર કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે જો પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તનનો સહારો લઈને બળજબરીપૂર્વક લોકોને બાંગ્લાદેશની સરહદમાં ધકેલવામાં આવશે તો બાંગ્લાદેશ સરકાર પણ શાંત નહીં બેસે અને જવાબી કાર્યવાહી કરશે. જોકે આવી પોકળ ધમકીઓને ધ્યાને લીધા વિના પશ્ચિમ બંગાળમાં નવી ભાજપ સરકારની ‘ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ’ પોલિસી અત્યારે તેના પ્રારંભિક અને વહીવટી અમલીકરણના તબક્કામાં છે.


