
મુંબઈના મીરા રોડ વિસ્તારમાં 26 એપ્રિલની વહેલી સવારે પહલગામ હુમલા જેવી ઘટના બની હતી. 31 વર્ષીય જૈબ ઝુબૈર અંસારી નામના યુવકે બે સુરક્ષા ગાર્ડ પર છરાથી જીવલેણ હુમલો કર્યો હતો. આરોપ છે કે હુમલાખોરે ગાર્ડ્સને તેમનો ધર્મ પૂછ્યા બાદ ‘કલમા’ પઢવા માટે દબાણ કર્યું હતું, ગાર્ડ્સ ‘કલમા’ ન પઢી શક્યા તો જૈબે તેમના પર હિંસક હુમલો કરી દીધો હતો.
આ ઘટના મીરા રોડ ઈસ્ટમાં એક નિર્માણાધીન ઇમારત પાસે બની હતી, જ્યાં રાજકુમાર મિશ્રા અને સુબ્રતો સેન નામના ગાર્ડ ફરજ પર હતા. હુમલાખોરે રાજકુમાર મિશ્રાને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જ્યારે સુબ્રતો સેને કેબિનમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નયાનગર પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી ઑપરેશન હાથ ધરી આરોપીને ગણતરીના દોઢ કલાકમાં તેના ઘરેથી ઝડપી લીધો હતો.
ઇન્ટરનેટ હિસ્ટ્રીમાંથી મળી ISIS સાથે જોડાયેલ સામગ્રી
આરોપી જૈબ અંસારી 2019 સુધી અમેરિકામાં અભ્યાસ કરી ચૂક્યો છે અને ભારત પરત આવ્યા બાદ એક કોચિંગ સેન્ટરમાં ગણિત અને કેમેસ્ટ્રી ભણાવતો હતો. છેલ્લા કેટલાક સમયથી તે વિચિત્ર વર્તન કરતો હતો અને ભાડાનાં મકાનમાં એકલો રહેતો હતો. તેના મકાનમાલિકે પણ તેને ટૂંક સમયમાં ફ્લેટ ખાલી કરવા માટે નોટિસ આપી હતી.
પોલીસ તપાસમાં સૌથી ગંભીર ખુલાસો એ થયો છે કે જૈબના ફોન અને ઇન્ટરનેટ હિસ્ટ્રીમાંથી આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા ઉશ્કેરણીજનક વિડીયો મળી આવ્યા છે. તે સતત કટ્ટરપંથી વિચારધારા ધરાવતી સામગ્રી જોતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આ બાબતને ગંભીરતાથી લઈને હવે મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (ATS) પણ આ કેસની તપાસમાં ઝંપલાવ્યું છે.
ATSની તપાસ શરૂ
ATS અને સ્થાનિક પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ હુમલો કોઈ મોટા આતંકવાદી કાવતરાનો ભાગ હતો અથવા આરોપી કોઈ સ્લીપર સેલ સાથે જોડાયેલો છે. હાલમાં બંને ઘાયલ ગાર્ડ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. પોલીસ આરોપીની કડક પૂછપરછ કરી રહી છે જેથી હુમલા પાછળના સાચા હેતુ સુધી પહોંચી શકાય.
સ્થાનિક પોલીસ પ્રશાસને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને કોઈ પણ પ્રકારની ભડકાઉ કે ખોટી માહિતી ન ફેલાવવા ચેતવણી આપવામાં આવી છે.

