
પશ્ચિમ બંગાળના માલદામાં ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવા અને ભીડને ઉશ્કેરવાના મુખ્ય આરોપી મોફક્કારુલ ઇસ્લામની ધરપકડ કરવામાં આવી છે. સૌથી આઘાતજનક વાત એ છે કે જે ઉપદ્રવીઓને મુખ્યમંત્રી મમતા બેનર્જી ‘બહારી’ બતાવી રહ્યાં છે તે શખ્સ પહેલાં TMCમાં સક્રિય હતો અને હાલમાં વિરોધ પક્ષના નેતાઓ સાથે પણ તેના સંબંધો સામે આવ્યા છે.
મોફક્કારુલ ઇસ્લામનો ઇતિહાસ તપાસતાં જાણવા મળ્યું કે તે પહેલાં તૃણમૂલ કોંગ્રેસનો (TMC) સક્રિય કાર્યકર હતો. વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં તેણે પક્ષ બદલ્યો અને ઓવૈસીની પાર્ટી AIMIMની ટિકિટ પર ચૂંટણી લડ્યો હતો.
ધરપકડ પછી તેની TMC સાંસદ કલ્યાણ બેનર્જી અને અન્ય મોટા નેતાઓ સાથેની તસવીરો વાયરલ થઈ રહી છે. આ વાત સ્પષ્ટ કરે છે કે હિંસા ભડકાવનાર કોઈ અજાણ્યો બહારી નહોતો, પરંતુ સત્તા અને રાજકારણના ગલિયારામાં સારી પકડ ધરાવતો શખ્સ હતો.
પોલીસનો દાવો છે કે કાલિયાચકમાં સાત અધિકારીઓને ઘણા કલાકો સુધી બંધક બનાવવા અને ભીડને ઉશ્કેરવાનાં કાવતરાં પાછળ મોફક્કારુલ ઇસ્લામનું જ મગજ હતું. આ મામલાની ગંભીરતાને જોતાં હવે NIAએ તપાસની કમાન સંભાળી લીધી છે.
અત્યાર સુધીમાં આ કેસમાં ISF ઉમેદવાર શાહજહાં અલી સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. માસ્ટરમાઇન્ડની ધરપકડથી હવે તે ચહેરાઓનો પણ પર્દાફાશ થવાની આશા છે જેણે રાજકીય આશ્રયમાં માલદાની શાંતિ ભંગ કરવાનું કાવતરું ઘડ્યું હતું.

