ગુજરાત સરકાર રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવા જઈ રહી છે. મંગળવારે (24 માર્ચ) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું. આ બિલ પર ચર્ચા બાદ પાસ થઈ જાય એટલે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારું ગુજરાત ઉત્તરાખંડ પછી બીજું રાજ્ય બનશે.
ઉત્તરાખંડની જેમ જ આ બિલ લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર, લિવ-ઇન રિલેશનશિપ વગેરે બાબતોને લઈને તમામ ધર્મ, પંથ, મજહબ, સમુદાયો માટે એક સરખા કાયદા લાગુ કરવા માટે લાવવામાં આવ્યું છે. અત્યારે ગુજરાત અને ઉત્તરાખંડ અને ગોવા સિવાયનાં અન્ય રાજ્યોમાં અને કેન્દ્ર સ્તરે પણ આ બાબતો માટે સમુદાયો પ્રમાણે અલગ-અલગ કાયદાઓ અમલમાં છે. આ બિલથી ઉપર કહી એ બાબતો માટે તમામ સમુદાયો એક જ છત્ર હેઠળ આવી જશે.
જોકે આ બિલની કોઈ પણ જોગવાઈ અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયને એને એવાં જૂથો જેમના પારંપરિક અધિકારોનું બંધારણ હેઠળ રક્ષણ કરવામાં આવ્યું છે, તેમને લાગુ પડશે નહીં.
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે અને કાયદાની રૂપરેખા સૂચવવા માટે સરકારે નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ ગયા અઠવાડિયે પોતાનો અંતિમ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો હતો. જેમાં લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર, દત્તકની બાબતોમાં અને સંબંધિત નાગરિક બાબતોમાં સમાનતા, ન્યાય, સંવાદિતા સુનિશ્ચિત કરવા માટે સમાન નાગરિક સંહિતા અપનાવવાની ભલામણ કરવામાં આવી હતી.
આ રિપોર્ટના આધારે પછીથી સરકારે બિલ તૈયાર કર્યું. જેનાં કારણોમાં સરકારે જણાવ્યું છે કે આ બિલથી ધર્મ, જાતિ, સંપ્રદાય અથવા લિંગને ધ્યાનમાં લીધા વગર રાજ્યના તમામ નાગરિકો માટે દીવાની બાબતોનું સંચાલન કરતું એક સમાન કાનૂની માળખું પૂરું પાડીને આ ભલામણોનો અમલ કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય ધર્મનિરપેક્ષતા, લિંગ, ન્યાય અને સામાજિક સુધારાના સિદ્ધાંતોને સમર્થન આપવાનો છે, જેથી સામાજિક એકતા અને અખંડિતતા મજબૂત બનાવી શકાય.
આ બિલમાં શું જોગવાઈઓ છે, એ જોઈએ.
લગ્ન અને છૂટાછેડા
UCCથી પોલિગામી એટલે કે બહુ પત્નીત્વ પર રોક લગાવવામાં આવી છે. બિલ જણાવે છે કે લગ્ન સમયે પહેલી શરત એ હોવી જોઈએ કે બંને (પતિ-પત્ની)માંથી કોઈનો પણ જીવનસાથી ન હોય. એટલે પહેલેથી જીવનસાથી હોય તો તેનાં લગ્ન માન્ય ગણી શકાય નહીં. લગ્નની વય પુરુષ માટે 21 અને મહિલા માટે 18 રાખવામાં આવી છે, જે ભારતમાં પહેલેથી ચાલતા આવેલા કાયદાને અનુરૂપ છે. ઉપરાંત હાલના કોઈ કાયદા હેઠળ આ લગ્ન ગેરકાયદેસર ન હોવાં જોઈએ.
આ સિવાય અમુક સંબંધો વચ્ચે લગ્ન પર પણ રોક લગાવવામાં આવી છે. આવા પ્રતિબંધિત સંબંધોની સંખ્યા (મહિલા અને પુરુષ બંને માટે) 37 છે. જે વિશે અહીંથી વિગતવાર વાંચી શકાશે. જોકે તેમાં એક અપવાદ એ નાખવામાં આવ્યો છે કે બેમાંથી કોઈ એક વ્યક્તિના રૂઢિ અને રિવાજ જો માન્યતા આપે તો લગ્ન થઈ શકશે. જોકે રૂઢિ અને રિવાજની વ્યાખ્યામાં જણાવવામાં આવ્યું છે કે તે પબ્લિક પોલિસી અને નૈતિકતા વિરુદ્ધ ન હોવા જોઈએ અને સ્વીકાર્ય હોવા જોઈએ.
અત્યાર સુધી લગ્નની બાબત માટે હિંદુ, મુસ્લિમ વગેરે સમુદાયો માટે અલગ નિયમો અને કાયદાઓ હતા. હવે તમામને એક જ નિયમો હેઠળ લાવવામાં આવ્યા છે, અલબત્ત અમુક અપવાદો સાથે. જોકે UCCમાં લગ્નપ્રસંગને (મેરેજ સેરેમની) પૂરેપૂરી માન્યતા છે. એટલે સપ્તપદી, નિકાહ, આર્ય સમાજ વૈદિક વિધિ, મંગળ ફેરા તમામને માન્યતા છે. અર્થાત્, વ્યક્તિ પોતાની પરંપરા-માન્યતા અનુસાર લગ્ન કરી શકે, પણ ઉપર જે શરતો જણાવવામાં આવી એ કાયદાકીય શરતો પણ પૂર્ણ થવી આવશ્યક છે.
લગ્નની નોંધણી માટે કહેવાયું છે કે દરેક લગ્ન ફરજિયાત નોંધાવાં જોઈએ. એ ગુજરાતમાં થયાં હોય તોપણ અને જો બેમાંથી એક ગુજરાતની વતની હોય તો બહાર થયાં હોય તોપણ. નોંધણી ત્યારે જ થશે જ્યારે લગ્નની શરતો પૂરી થતી હોય અને જે-તે વિધિથી લગ્ન કર્યાં હોય.
છૂટાછેડા માટે પણ હુકમનામાની નોંધણી કરવી ફરજિયાત છે. આ પણ ગુજરાતની અદાલત અને બહારની (જો પતિ-પત્ની બેમાંથી એક ગુજરાતી હોય) અદાલતના આદેશ માટે પણ લાગુ પડે છે.
છૂટાછેડાના નવા કેસો માટે અંતિમ નિર્ણય આવે ત્યારથી 60 દિવસની અંદર હુકમનામાની નોંધણી કરવી આવશ્યક રહેશે. જૂના કેસો માટે સંહિતા અમલમાં આવ્યાના 1 વર્ષમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે. જો વિલંબ થાય અને રજિસ્ટ્રારને લાગે કે કારણ વાજબી છે તો પછીથી પણ નોંધણી થઈ શકે એવી જોગવાઈ કરવામાં આવી છે.
બેમાંથી એક વાજબી કારણ વગર છોડી જાય તો કોર્ટ જઈ શકાય, જ્યુડિશિયલ સેપરેશનને માન્યતા
જો પતિ-પત્નીમાંથી કોઈ પણ એક કોઈ વાજબી કારણ વગર બીજાને છોડી જાય તો અન્ય વ્યક્તિ કોર્ટ જઈ શકે અને દાંપત્ય અધિકારોની પુનઃસ્થાપના માટે અરજી કરી શકે છે. કોર્ટ આવી અરજીમાં કરવામાં આવેલાં નિવેદનોની સત્યતા માટે ખાતરી કરીને અસ્વીકાર માટે કોઈ કાનૂની કારણ ન હોય તો દાંપત્ય અધિકારોના પુનઃસ્થાપન માટે હુકમ કરી શકે. પણ આવા કિસ્સામાં અલગ થવાનું વાજબી કારણ છે કે કેમ એવો પ્રશ્ન ઉદ્ભવે તો એ કારણ સાબિત કરવાનો બોજો અલગ થનાર વ્યક્તિ પર રહેશે. જો કોર્ટનો આદેશ માનવામાં ન આવે તો એ છૂટાછેડા માટેનો આધાર બનશે.
યુસીસીમાં જ્યુડિશિયલ સેપરેશનની પણ જોગવાઈ છે. જે હેઠળ છૂટાછેડા વગર કોર્ટની મંજૂરીથી પતિ-પત્ની અલગ રહી શકે. જ્યાં લગ્ન વેલિડ ગણાશે પણ બંને સાથે રહેવા માટે બાધ્ય રહેશે નહીં.
કેવાં લગ્ન રદ કરી શકાય?
જો લગ્નની મૂળ શરતોનું (ઉપર જણાવ્યા અનુસાર) ઉલ્લંઘન થયું હોય તો આવાં લગ્ન કોર્ટમાં અરજી કરીને રદ કરાવી શકાશે. છૂટાછેડાથી આ અલગ એટલા માટે છે કારણ કે છૂટાછેડામાં લગ્ન થયાં હોય એમ માનવામાં આવે છે, અહીં લગ્ન પહેલેથી જ કાયદેસર ન હતાં એવું ઠેરવીને આદેશ કરવામાં આવે છે.
જ્યારે લગ્ન કાયદેસર હોય પણ પછીથી રદ કરવા માટે પણ અરજી કરવી પડે છે. તેનાં કારણોમાં જણાવવામાં આવ્યું છે કે બેમાંથી એકની યોગ્ય સંમતિ લેવામાં આવી ન હોય કે બળજબરીથી લગ્ન થયાં હોય. ઉપરાંત લગ્ન સમયે પત્ની પતિ સિવાયના કોઈ પુરુષ દ્વારા ગર્ભવતી હોય અથવા પતિએ લગ્ન સમયે પત્ની સિવાયની સ્ત્રીને ગર્ભવતી બનાવી હોય તોપણ લગ્ન રદ કરવા અરજી કરી શકાશે.
આ સિવાય લગ્ન સમયે પતિ-પત્નીમાંથી કોઈ એકે તેની ઓળખ છુપાવી હોય તોપણ લગ્ન રદ થઈ શકશે. ‘લવ જેહાદ’ જેવા કિસ્સાઓ પર આનાથી લગામ લાગશે, જેમાં મુસ્લિમ યુવકો ઓળખ છુપાવીને હિંદુ યુવતીને ફસાવીને લગ્ન કરી લે છે. જોકે આ લગ્ન રદ કરવા માટેની અરજીની પણ સમયમર્યાદા આપવામાં આવી છે.
લગ્નના એક વર્ષ પહેલાં છૂટાછેડાની અરજી ન થઈ શકે, અપવાદરૂપ કિસ્સામાં કોર્ટ પરવાનગી આપશે
છૂટાછેડા માટેની અરજી લગ્નનાં એક વર્ષ પહેલાં થઈ શકશે નહીં. અપવાદરૂપ કિસ્સામાં કોર્ટને લાગે કે જેણે અરજી કરી છે (પતિ-પત્નીમાંથી) તે અસાધારણ મુશ્કેલી સહન કરી રહી છે કે સામેની વ્યક્તિ અસાધારણ ત્રાસ વર્તાવી રહી છે તો એક વર્ષ પહેલાં પણ મંજૂરી આપી શકે છે. પરંતુ જો પછીથી જાણવા મળે કે એક વર્ષ પહેલાં લેવામાં આવેલી મંજૂરી ખોટી વિગતોના આધારે કે અમુક હકીકતોને છુપાવીને લેવામાં આવી હતી તો કોર્ટ તે રદ કરી શકે છે. જોકે એક વર્ષ પૂરું થાય પછી જે-તે વ્યક્તિ ફરી છૂટાછેડા માટે અરજી કરવા સ્વતંત્ર છે.
યુસીસીમાં ઇસ્લામિક કુપ્રથા ‘હલાલા’ વગેરે પર પણ રોક લગાવવામાં આવી છે, જોકે આ શબ્દનો અમુક સરકારી મર્યાદાઓના કારણે ઉલ્લેખ નથી. પરંતુ અહીં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે એક વખત છૂટાછેડા કે લગ્ન રદ કરવા માટે હુકમનામું થઈ જાય પછી પતિ-પત્ની કાયદેસર રીતે ફરી લગ્ન કરી શકશે. જો છૂટાછેડા લીધેલા જીવનસાથી સાથે જ ફરી લગ્ન કરવાં હોય તો પુનર્લગ્ન પહેલાં ત્રીજી વ્યક્તિ સાથે લગ્ન કરવાં વગેરે જેવી કોઈ શરત વગર પુનર્લગ્ન કરી શકાશે.
ઉપરાંત લગ્ન રદ કરવામાં આવ્યાં હોય તેમ છતાં આવાં લગ્નનું કોઈ પણ બાળક લેજિટિમેટ ચાઈલ્ડ ગણાશે.
વારસાહક માટેના નિયમો
વારસાહક માટે પણ UCCમાં વિસ્તૃત નિયમો સૂચવવામાં આવ્યા છે. જેમાં કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેની સંપત્તિ કોને અને કેવી રીતે મળશે તેનો ઉલ્લેખ છે. જેમાં બે સ્થિતિઓ સામેલ છે– વ્યક્તિ વસિયત વગર મૃત્યુ પામે તે અને વસિયત બનાવીને મૃત્યુ પામે એ.
કોઈ વસિયત વગરની સ્થિતિમાં કોડ એક નક્કી ક્રમ આપે છે કે સંપત્તિ પહેલાં લોહીના સંબંધ ધરાવતા પરિજનોને મળશે અને ત્યારબાદ બાકીના સંબંધીઓને. અગાઉ અલગ-અલગ સમૂહો માટે અલગ-અલગ નિયમો હતા, જેના સ્થાને હવે સમાન વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ હત્યાનો દોષી હોય તો તેને સંપત્તિ નહીં મળે. બીજી તરફ બાળક ગર્ભમાં હોય તોપણ તેને અધિકાર મળશે.
વસિયત હોવાની સ્થિતિમાં કોડ એ પણ નિયમો જણાવે છે કે તેને કઈ રીતે માન્યતા અપાશે અને કઈ રીતે લાગુ કરવામાં આવશે. વ્યક્તિને પોતાની ઈચ્છા અનુસાર સંપત્તિ વહેંચવાનો અધિકાર આપવામાં આવ્યો છે પણ સાથે એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે વસિયતનામું છેતરપિંડી, દબાણ કે અન્ય ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું ન હોય. જો વસિયતનામામાં કોઈ વાત સ્પષ્ટ ન હોય તો તેને સમજવા અને યોગ્ય રીતે લાગુ કરવા માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે.
આ સિવાય એ પણ જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિના મૃત્યુ બાદ સંપત્તિનું સંચાલન કઈ રીતે થશે. જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે પહેલાં દેવું અને અન્ય લાયબલિટી ચૂકવવામાં આવશે. ત્યારબાદ સંપત્તિની વહેંચણી થશે. એક્ઝિક્યુટર કે એડમિનિસ્ટ્રેટર વગેરેની ભૂમિકા નક્કી કરવામાં આવી છે, જેઓ પ્રક્રિયા પર દેખરેખ રાખશે. સાથે જ બેન્ક અકાઉન્ટ અને સંપત્તિના ટ્રાન્સફરની કાયદાકીય પ્રક્રિયાનો પણ વિસ્તૃત ઉલ્લેખ છે. આ આખા ખંડ માટે એક હજાર શબ્દોનો અલગ લેખ થઈ શકે એટલી માહિતી છે, જેમાં દરેક પરિસ્થિતિમાં શું કરવું તેનું સમાધાન આપવામાં આવ્યું છે, પરંતુ મુખ્ય બાબત એ છે કે ઉત્તરાધિકાર મામલે એક સ્પષ્ટ, સમાન અને કાયદાકીય રીતે મજબૂત વ્યવસ્થા ઊભી કરવાના પ્રયાસ થયા છે.
લિવ ઇન રિલેશનશિપને માન્યતા
કોડમાં લિવ-ઇન રિલેશનશિપને કાયદાકીય માન્યતા આપવામાં આવી છે. સંહિતામાં આ પ્રકારના સંબંધોની વ્યાખ્યા એ રીતે કરવામાં આવી છે કે એક પુરુષ અને સ્ત્રી લગ્ન કરેલા દંપતીની જેમ સાથે, એક જ ઘરમાં રહેતાં હોય.
આ માટે દંપતીએ રજિસ્ટ્રાર સમક્ષ નિવેદન રજૂ કરવાનું રહેશે. જે માત્ર રેકર્ડ માટે હશે, તેનાથી લગ્ન કરેલા દંપતીને મળે એ દરજ્જો મળશે નહીં.
શરતો એ છે કે બંને વયસ્ક હોવાં જોઈએ અને પ્રતિબંધિત સંબંધોમાં તેમનો સંબંધ હોવો ન જોઈએ. જોકે અહીં પણ રિવાજો અને પ્રથા સંબંધને મંજૂરી આપતા હોય તો પ્રતિબંધ લાગુ નહીં પડે એમ જણાવવામાં આવ્યું છે. ઉપરાંત બેમાંથી એક પરણિત કે અગાઉથી અન્ય લિવ-ઇન રિલેશનશિપમાં હોય કે બેમાંથી એક સગીર હોય તોપણ રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. ઉપરાંત આ કિસ્સામાં તેના મા-બાપને જાણ કરવાની રહેશે. અહીં પણ લગ્નની જેમ એ જોગવાઈ કરવામાં આવી છે કે બેમાંથી કોઈ એકને દબાણ, બળજબરી કે છેતરપિંડી કરવામાં આવ્યાં હોય તોપણ રજીસ્ટ્રેશન થશે નહીં.
અગત્યની જોગવાઈ એક એ છે કે લિવ-ઇન રિલેશનશિપનું કોઈ પણ બાળક દંપતીનું કાયદેસર બાળક ગણાશે અને તેના અધિકારોનું રક્ષણ થશે.
લિવ-ઇન સમાપ્ત કરવા માટે બેમાંથી કોઈ પણ એક સંબંધો સમાપ્ત કરવાનું નિવેદન રજૂ કરીને ઔપચારિક રીતે સંબંધોનો અંત આણી શકશે અને આ કિસ્સામાં બીજાને એક નકલ પૂરી પાડવામાં આવશે.
લિવ-ઇનમાં રહેતી કોઈ સ્ત્રીને પાર્ટનર ત્યજી દે તો એ ભરણપોષણનો દાવો કરવા માટે હકદાર ગણાશે અને કોર્ટ જઈ શકશે.


