અમદાવાદનો કાંકરિયા વિસ્તાર તેના સુંદર બગીચાઓ અને શાંત વાતાવરણ માટે જાણીતો છે, પરંતુ તાજેતરમાં કાંકરિયાના વનટ્રી હિલ ગાર્ડનમાં બનેલી એક ઘટનાએ સ્થાનિકોમાં રોષ અને ચિંતા જન્માવી છે. એક જેહાદી માનસિકતા ધરાવતા વ્યક્તિએ પોતાની ઓળખ છુપાવીને એક હિંદુ મહિલાની છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ હિંદુ સંગઠનો અને ઘટના સમયે હાજર લોકોનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવી હતી.
ઘટનાની વિગત
આ ઘટના સવારના સમયે બની હતી જ્યારે લોકો ગાર્ડનમાં કસરત અને મોર્નિંગ વોક માટે આવતા હોય છે. એક મહિલાએ ત્યાં કસરત કરી રહેલા સ્થાનિક પુરુષોના ગ્રુપ પાસે આવીને મદદ માંગી હતી અને જણાવ્યું હતું કે એક વ્યક્તિ તેની છેડતી કરી રહ્યો છે. આ સાંભળીને સ્થાનિકોએ તપાસ કરતા આરોપી બગીચામાં ક્યાંક સંતાઈ ગયો હતો, પરંતુ લોકો તેને શોધી કાઢીને બહાર લાવ્યા હતા.
ઓળખ છુપાવવાનો પ્રયાસ
જ્યારે સ્થાનિકોએ તે વ્યક્તિને તેનું નામ પૂછ્યું, ત્યારે તેણે પોતાની ઓળખ ‘રાજુભાઈ‘ તરીકે આપી હતી. જોકે, ત્યાં હાજર લોકોએ શંકા જતા તેનો મોબાઈલ ફોન ચેક કર્યો હતો. ફોન તપાસતા માલુમ પડ્યું કે તે વ્યક્તિ હકીકતમાં મુસ્લિમ હતો અને તેનું નામ નબી અહેમદ પઠાણ હતું. દિવ્ય ભાસ્કરના અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ વ્યક્તિ 2 મહિનાથી હિંદુ મહિલાનો પીછો કરતો હતો જે અંગે મહિલાએ તેના પતિને પણ જાણ કરી હતી.
મોબાઈલમાંથી મળી વાંધાજનક વિગતો
ઑપઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ઘસ્ફોટ થયો છે કે સ્થાનિકોએ આરોપીનો ફોન ચેક કર્યો ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તેના ફોનમાં ઘણી બધી છોકરીઓ સાથે અભદ્ર ભાષામાં વાતચીત કરેલી હતી અને અસંખ્ય આઈડી પર ‘હાય-હેલો’ ના મેસેજ કરીને લોકોને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું છે કે આ પ્રકારની માનસિકતા પાછળ હિંદુ યુવતીઓને ફસાવવાનો ઈરાદો હોય શકે છે.
હિંદુ સંગઠનોનો વિરોધ અને માંગણીઓ
આ ઘટનાની જાણ થતા જ વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને અન્ય હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ ઘટનાસ્થળે અને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. સંગઠનોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને અમુક માંગણીઓ કરી છે. જેમાં ગાર્ડનોમાં મોર્નિંગ વોક માટે આવતી બહેન-દીકરીઓની સુરક્ષા માટે પોલીસ પ્રશાસન દ્વારા સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ કે ડિ-સ્ટાફના માણસો તહેનાત કરવાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સિક્યુરિટી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, તેમના ગાર્ડ્સને આવી ઘટનાઓ અટકાવવા માટે વિશેષ તાલીમ આપવાની, ગાર્ડન અને જાહેર સ્થળોએ સીસીટીવી ફૂટેજની પૂરતી વ્યવસ્થા કરવાની, આરોપીમાં પોલીસનો ડર રહે અને મહિલાઓમાં હિંમત આવે તે માટે આરોપીને ઘટનાસ્થળે લાવીને તેનું જાહેર સરઘસ કાઢવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
વિશ્વ હિંદુ પરિષદના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે જ્યારે આરોપીને પોલીસને સોંપવામાં આવ્યો અને પોલીસ તેને મેડીકલ માટે લઈ જઈ રહી હતી ત્યારે અહમદના મોઢા પર એવા હાવભાવ હતા જાણે તેણે કોઈ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હોય. તેમણે જણાવ્યુ કે તેના મોઢા પર પસ્તાવાના કોઈ ભાવ નહોતા. તેમણે આગળ કહ્યું કે જેહાદી માનસિકતા ધરાવતા લોકો પોતાની ઓળખ છુપાવી, સારા કપડાં અને બાઈક લઈને હિંદુ યુવતીઓને ફસાવવા માટે પિકનિક સ્પોટ અને ગાર્ડનોમાં આવતા હોય છે.
તેમણે દરેક જાગૃત નાગરિક અને બહેન-દીકરીઓને વિનંતી કરી છે કે આવી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો ડર્યા વગર અવાજ ઉઠાવવો અને કાયદાકીય પ્રક્રિયાનો સહારો લેવો. હાલમાં આરોપીને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.


