ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ અને સામાજિક મહત્વ ધરાવતા નિર્ણયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2006’ના નિયમોમાં ધરખમ પરિવર્તન કરવા જઈ રહી છે. આ સુધારાનો મુખ્ય હેતુ પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે. આ સુધારા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે સરકારને પ્રેમથી કોઈ વાંધો નથી, પણ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તેને સરકારે નહીં છોડે.
ગુજરાત વિધાનસભામાં નિયમ 44 હેઠળ નાયબ મુખ્યમંત્રીએ અગત્યની બાબતએ મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને મળેલ વિવિધ રજૂઆતોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ગુજરાત રજીસ્ટ્રેશન ઑફ મેરેજ રૂલ્સ હેઠળ લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવા નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ સુધારાઓ અંગે જાહેરમાંથી વાંધા-સૂચનો મંગાવવામાં આવશે અને મળનારી સૂચનાઓ પર વિચાર્યા કર્યા બાદ અંતિમ સ્વરૂપના નિયમો અમલમાં મૂકવામાં આવશે.
સરકારે આ નિયમોમાં સુધારો કરવા માટે લોકશાહી અભિગમ અપનાવ્યો છે. આગામી 30 દિવસ સુધી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. નાગરિકો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ પર પોતાના મંતવ્યો મોકલી શકશે, જેના આધારે નવા નિયમોને અંતિમ ઓપ આપવામાં આવશે.

આ સુધારા મુખ્યત્વે તે કપલ્સને અસર કરશે જેઓ પારિવારિક સંમતિ વગર પ્રેમ વિવાહ અથવા એલોપમેન્ટ (ભાગી જવું) કરે છે. અધિકૃત દસ્તાવેજો પરથી સ્પષ્ટ થાય છે કે આ નવી વ્યવસ્થા લગ્ન નોંધણીને વધુ પારદર્શક, પારિવારિક જવાબદારીવાળી અને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ છે.
પહેલાંની વ્યવસ્થા
અત્યાર સુધી ગુજરાતમાં લગ્ન નોંધણી માટે જૂના નિયમો હેઠળ પ્રક્રિયા ચાલતી હતી. પ્રેમ વિવાહ અથવા એલોપમેન્ટ કરનાર કપલ્સ માટે તલાટી-કમ-મંત્રી (ક્લાસ-3 અધિકારી) પાસે કોઈપણ તાલુકામાં સરળતાથી નોંધણી કરાવી શકાતી હતી. આધાર કાર્ડ, ફોટો આઈડી પ્રૂફ અને બે સાક્ષીઓની હાજરી પૂરતી હતી. માતા-પિતાને કોઈ સૂચના આપવાની જરૂર નહોતી, વાંધા-વિરોધની તપાસ નહોતી અને પ્રક્રિયા ઝડપી હતી. તેના કારણે અનેક કિસ્સાઓમાં પારિવારિક વિરોધ, સામાજિક અસ્થિરતા અને કેટલાક કિસ્સાઓમાં છેતરપિંડીની ફરિયાદો આવતી હતી.
રાજ્યમાં સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ…
— Gujarat Information (@InfoGujarat) February 20, 2026
લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઈવિંગ… pic.twitter.com/KpTiFyNoJP
પાટીદાર સમાજના નેતા દિનેશ બંભાણિયા સહિત અનેક સંગઠનો અને પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયા વર્ષોથી માતા-પિતાની સંમતિ અથવા ઓછામાં ઓછી સૂચના ફરજિયાત કરવાની માંગ કરતા હતા. ડિસેમ્બર 2025માં આ માંગો તીવ્ર બની હતી અને સરકારે કેબિનેટમાં આ અંગે ચર્ચા કરી હતી.
સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ
અધિકૃત દસ્તાવેજોમાં ‘સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ’ના ત્રણ મુખ્ય સ્ટેપ્સ વર્ણવવામાં આવ્યા છે. આ વ્યવસ્થા હવે વધુ કડક ડોક્યુમેન્ટેશન, માતા-પિતાની વિગતો અને વાંધા-વિરોધની તપાસને ફરજિયાત બનાવશે.
સ્ટેપ-1: વર-વધુ અને સાક્ષીઓની વ્યવસ્થા
વર-વધુએ સાક્ષીઓ સાથે નોટરાઈઝ્ડ રીતે અરજી તૈયાર કરવાની રહેશે. તેમાં સરકાર દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, પાસપોર્ટ, ફોટો આઈડી પ્રૂફ વગેરે જરૂરી છે. વર-વધુના અલગ-અલગ પાસપોર્ટ સાઈઝના ફોટા, લગ્નનો ફોટો, સાક્ષીઓના પાસપોર્ટ ફોટા અને તેમના આધાર/ઓળખ પત્ર પણ જરૂરી છે. જો વર-વધુ સાથે માતા-પિતા ન હોય તો તેમની વિગતો પણ આપવાની રહેશે.
સ્ટેપ-2A અને 2B: માતા-પિતાને સૂચના અને 30 દિવસની અવધિ
સરકાર દ્વારા નિયુક્ત અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર (ક્લાસ-2 અધિકારી) દરેક અરજીની વિગતે તપાસ કરશે. નમૂના-1 ફોર્મમાં માતા-પિતાની સંપૂર્ણ વિગતો (આધાર, પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર) ફરજિયાત છે. આ તપાસમાં વર-વધુ અને સાક્ષીઓની વિગતોની પુષ્ટિ થાય છે. અરજી સાથે વર-વધુએ તેમના માતા-પિતાને આ લગ્ન બાબતએ જાણ કરી છે કે કેમ તે અંગેનું ડિક્લેરેશન પણ જોડવાનું રહેશે.
અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર 10 કાર્યકારી દિવસમાં માતા-પિતા/વાલીઓને ઇલેક્ટ્રોનિક અથવા ભૌતિક રીતે સૂચના મોકલશે. આ સૂચના ફરજિયાત છે. જો વાંધો નોંધાય તો તેની તપાસ થશે. વાંધો નોંધણીની તારીખથી 30 દિવસ પૂરા થયા પછી જ નોંધણી આગળ વધશે. આ પ્રક્રિયા ક્લાસ-2 અધિકારી દ્વારા જ થશે.
સ્ટેપ-3 અને 4: અંતિમ નોંધણી અને સર્ટિફિકેટ
તમામ વિગતો ઓનલાઈન પોર્ટલમાં એન્ટ્રી થશે, સિરિયલ નંબર, પેજ નંબર અને વોલ્યુમ આપવામાં આવશે. ફોર્મ-2 મુજબનું લગ્ન પ્રમાણપત્ર તૈયાર થશે અને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા અરજદારોને મોકલવામાં આવશે.
આ નવી વ્યવસ્થા અનુસાર નોંધણી હવે મહિલાના આધાર કાર્ડના સરનામા અનુસારના તાલુકા કચેરીમાં જ થશે અને તલાટીની જગ્યાએ ઉચ્ચ અધિકારીની મંજૂરી જરૂરી છે.
શા માટે આ સુધારા અને શું બદલાવ આવશે?
આ સુધારાની પૃષ્ઠભૂમિમાં વર્ષોથી ચાલતી સામાજિક માંગ છે. લાંબા સમયથી માંગ થઈ રહી હતી કે ‘છોકરીઓને છેતરવામાં આવે છે’ અને પારિવારિક સંમતિ વગરના વિવાહોમાં સામાજિક અસ્થિરતા, મિલકત વિવાદ અને કેટલાક કિસ્સાઓમાં ધર્માંતરણના પ્રયાસો જોવા મળ્યા છે. ડિસેમ્બર 2025માં સરકારે કેબિનેટમાં આ અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ હવે વિધાનસભામાં આ નોટિફિકેશન જાહેર થયું છે. સમાજમાં વિભાજન છે.
આ નવી પદ્ધતિ થી પ્રેમ વિવાહ કરનાર કપલ્સને 30 દિવસ વધુ રાહ જોવી પડશે, વધુ દસ્તાવેજી કાર્યવાહી કરવી પડશે અને પારિવારિક વાંધો હોય તો તપાસ થશે. તેનાથી હાસ્યાસ્પદ અથવા છેતરપિંડીવાળા વિવાહો ઘટશે અને પારિવારિક સંવાદ વધશે એવી આશા છે.
સરકારનું કહેવું છે કે આ ફક્ત નોંધણીના નિયમો છે, લગ્નનો અધિકાર કોઈ છીનવી લેતું નથી. આ સુધારા હિંદુ મેરેજ એક્ટ અને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન રૂલ્સમાં ફેરફાર દ્વારા લાગુ થશે.


