
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 18 વર્ષની લાંબી વાટાઘાટો પછી આખરે મંગળવારે (27 જાન્યુઆરી) ફ્રી ટ્રેડ ડીલની જાહેરાત કરવામાં આવી છે. ભારત અને EUના નેતાઓએ 16મા ભારત-EU સમિટ દરમિયાન તેની જાહેરાત કરી છે. આ વિશેની પુષ્ટિ જોકે બાદમાં પીએમ મોદીએ પણ કરી હતી, પરંતુ હવે ફરી જોઇન્ટ પ્રેસ કૉન્ફરન્સ યોજીને યુરોપિયન યુનિયનના નેતાઓ અને પીએમ મોદીએ આ બાબતની જાણકારી આપી છે અને આ ઘટનાને ઐતિહાસિક ગણાવી છે.
પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પીએમ મોદી, યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો લુઈસ સાન્તોસ દા કોસ્ટાએ ભારત-ઈયુ મુક્ત વેપાર કરાર પર વાટાઘાટોનાં સમાપનની જાહેરાત કરી હતી અને બંને પક્ષોએ થયેલા કરારની કોપી એક-બીજાને સોંપી હતી.
દરમિયાન વડા પ્રધાન મોદીએ નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, “ગઈકાલ એક ઐતિહાસિક ક્ષણ હતી જ્યારે યુરોપિયન યુનિયનના નેતાઓએ પહેલીવાર ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આજે આવી જ એક બીજી ક્ષણ છે. આજે બે મુખ્ય લોકતાંત્રિક શક્તિઓ તેમના સંબંધોમાં એક નવો અધ્યાય જોડી રહી છે.”
ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંરક્ષણ અને સુરક્ષા સહયોગ એ કોઈપણ વ્યૂહાત્મક ભાગીદારીનો પાયો છે. ઈન્ડો-પેસિફિકમાં સહયોગનો વ્યાપ વધુ વિસ્તરશે અને ડિફેન્સ કંપનીઓ સહ-વિકાસ અને સહ-ઉત્પાદન માટે નવી તકો સાકાર કરશે.
આગળ તેમણે કહ્યું કે આજે 27મી તારીખ છે અને તે ઐતિહાસિક છે કારણ કે આજે યુરોપિયન યુનિયનના 27 દેશો સાથેના કરાર પર હસ્તાક્ષર થયા છે. આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. તેમણે કહ્યું કે તે સહિયારી સમૃદ્ધિની એક બ્લુપ્રિન્ટ છે. આજે મેરીટાઈમ, સાયબર સુરક્ષા અને આતંકવાદ પર સાથે મળીને કામ થશે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પણ સહયોગ વધશે.
‘ઐતિહાસિક કરાર, બે મહાશક્તિઓની જીત’- EU નેતાઓ
દરમિયાન યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટાએ પણ આ કરારને ઐતિહાસિક ગણાવ્યો હતો અને પોતાને NRI ભારતીય ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, “આજનો દિવસ ઐતિહાસક છે. આજે આપણે આપણાં સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા છીએ, જેમાં વેપાર, સુરક્ષા અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. હું યુરોપિયન કાઉન્સિલનો અધ્યક્ષ છું પણ હું એક વિદેશી ભારતીય નાગરિક પણ છું. તેથી આ કરારનો મારા માટે ખાસ ભાવનાત્મક અર્થ પણ છે. મને મારી ગોવાની ઓળખ પર ખૂબ ગર્વ છે.”
તેમણે આગળ એવું પણ કહ્યું છે કે એવા સમયે જ્યારે વૈશ્વિક વ્યવસ્થા મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહી છે, EU અને ભારત વ્યૂહાત્મક અને વિશ્વસનીય ભાગીદારો તરીકે સાથે ઉભા છે. કોસ્ટાએ કહ્યું- “આજે અમે અમારી ભાગીદારીને આગળના સ્તરે લઈ જઈ રહ્યા છીએ,” વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો તરીકે, અમે અમારા નાગરિકોને લાભો પહોંચાડવા અને શાંતિ, સ્થિરતા, આર્થિક વિકાસ અને ટકાઉ વિકાસને મજબૂત બનાવતી વૈશ્વિક વ્યવસ્થાનું નિર્માણ કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.”
યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને પીએમ મોદીને આ કરાર બદલ અભિનંદન આપ્યા. તેમણે કહ્યું, “પીએમ મોદી, આપણે આ કરી બતાવ્યું. અમે અત્યાર સુધીની સૌથી મોટી ડીલ કરી છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ કરાર બે મહાસત્તાઓની જીત છે, જે લાખો લોકો માટે રોજગારની તકો ઉભી કરશે.

