ભારતે સંભાળી બ્રિક્સની અધ્યક્ષતા, લૉન્ચ કરાયાં લૉગો અને વેબસાઇટ: વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું– પીપલ સેન્ટ્રિક હશે ભારતનો અભિગમ

ભારત વર્ષ 2026માં બ્રિક્સ (BRICS) દેશોના સમૂહનું અધ્યક્ષપદ સંભાળવા જઈ રહ્યું છે. આ નિમિત્તે વિદેશ મંત્રી એસ. જયશંકરે નવી દિલ્હીમાં BRICS 2026 માટે સત્તાવાર લોગો, વેબસાઇટ અને થીમ લોન્ચ કર્યાં છે. નોંધનીય છે કે આ કાર્યક્રમ ભારતની વૈશ્વિક ભૂમિકા અને બ્રિક્સના 20 વર્ષની યાત્રામાં એક મહત્વપૂર્ણ મેઇલસ્ટોન સાબિત થશે .

BRICS 2026નો લોગો ભારતની સાંસ્કૃતિક વારસા અને એકતાનો સંદેશ આપે છે. લોગોની મુખ્ય ડિઝાઇન ભારતના રાષ્ટ્રીય પુષ્પ ‘કમળ’ દ્વારા પ્રેરિત છે, જે સ્થિતિસ્થાપકતા અને સંસ્કૃતિનું પ્રતીક છે. લોગોની મધ્યમાં બે હાથ જોડાયેલી ‘નમસ્તે’ની મુદ્રા છે, જે પરસ્પર સન્માન અને સહયોગની ભાવના દર્શાવે છે.

કમળની પાંખડીઓના પાંચ અલગ-અલગ રંગો બ્રિક્સના પાંચ સ્થાપક દેશોનું (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) પ્રતિનિધિત્વ કરે છે, જે વિવિધતામાં એકતાનો સંદેશ આપે છે. નવી લોન્ચ કરાયેલી વેબસાઇટ બ્રિક્સ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્રીય પ્લેટફોર્મ બનશે. તેમાં ભારતની અધ્યક્ષતા દરમિયાન યોજાનારી બેઠકો, પ્રોજેક્ટ્સ, સત્તાવાર દસ્તાવેજો અને અન્ય કાર્યક્રમોની વિગતો ઉપલબ્ધ રહેશે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારત એવા સમયે આ પદ સંભાળી રહ્યું છે જ્યારે બ્રિક્સ તેનાં અસ્તિત્વનાં 20 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતની અધ્યક્ષતાનો હેતુ ‘પીપલ-સેન્ટ્રિક’ (પ્રજા-કેન્દ્રિત) વિકાસ અને વ્યવહારુ સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.

વધુમાં તેમણે કહ્યું કે, ભારત આ મંચ દ્વારા ગ્લોબલ સાઉથના પ્રશ્નોને મજબૂતીથી રજૂ કરશે. આ ઉપરાંત તેમના જણાવ્યા અનુસાર બ્રિક્સ હવે માત્ર પાંચ દેશો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, યુએઈ અને ઇન્ડોનેશિયા જેવા નવા સભ્યો જોડાવાથી તે વિશ્વની 49.5% વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.