29 ડિસેમ્બર 2025ના રોજ ઉન્નાવ રેપ કેસમાં દોષી ઠરેલા પૂર્વ યુપી ધારાસભ્ય કુલદીપ સિંઘ સેંગરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયાએ દિલ્હી હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન અને આજીવન કેદની સજા સસ્પેન્ડ કરતા આદેશ પર રોક લગાવી દીધી છે. આ આદેશ તે અરજી પર સુનાવણી કરતી વખતે આપવામાં આવ્યો છે, જે CBIએ દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને પડકારવા માટે દાખલ કરી હતી.
CJI સૂર્યકાંત, જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે સુનાવણી દરમિયાન એ સ્પષ્ટ કર્યું કે આ મામલામાં માત્ર જામીનનો પ્રશ્ન નથી, પરંતુ કાયદાની વ્યાખ્યા સાથે જોડાયેલા ગંભીર પ્રશ્નો સામેલ છે, જેનો વ્યાપક પ્રભાવ પડી શકે છે. અદાલતે ખાસ કરીને POCSO અધિનિયમ હેઠળ ‘પબ્લિક સર્વન્ટ’ શબ્દની વ્યાખ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
‘પબ્લિક સર્વન્ટ’ની વ્યાખ્યા પર સુપ્રીમ કોર્ટનો વાંધો
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી હાઇકોર્ટ દ્વારા POCSO અધિનિયમની કલમ 5 હેઠળ ‘પબ્લિક સર્વન્ટ’ની જે વ્યાખ્યા કરવામાં આવી છે, તે ગંભીર પરિણામો ઉભા કરી શકે છે. કોર્ટે ટિપ્પણી કરી કે જો એક કોન્સ્ટેબલને POCSO હેઠળ પબ્લિક સર્વન્ટ માનવામાં આવે, પરંતુ એક ધારાસભ્યને આ દાયરામાંથી બહાર રાખવામાં આવે તો આ કાયદાની ભાવનાની વિરુદ્ધ હશે.
કોર્ટે કહ્યું કે જો આ વ્યાખ્યાને સ્વીકારી લેવામાં આવી તો તેનો અર્થ એ થશે કે ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓ ગંભીર યૌન અપરાધોના ‘એગ્રાવેટેડ ઑફેન્સ’ પ્રાવધાનોથી બચી નીકળશે, જે ન્યાય વ્યવસ્થા માટે ખતરનાક દાખલો બનશે. આ આધારે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના 23 ડિસેમ્બર 2025ના આદેશ પર રોક લગાવીને નિર્દેશ આપ્યો કે કુલદીપ સિંઘ સેંગરને જેલમાંથી મુક્ત ન કરવામાં આવે.
કોર્ટે એ પણ કહ્યું કે સામાન્ય રીતે દોષીને જામીન આપ્યા પછી આવા આદેશો પર રોક લગાવવામાં નથી આવતી, પરંતુ આ મામલાની પરિસ્થિતિઓ આસામાન્ય છે, તેથી હાઇકોર્ટના આદેશ પર અંતરિમ રોક લગાવવી જરૂરી છે.
CBIની દલીલો અને POCSOની કલમ 42A
CBI તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે દિલ્હી હાઇકોર્ટે એ માનીને ગંભીર ભૂલ કરી છે કે સેંગર પબ્લિક સર્વન્ટ નહોતો. તેમણે દલીલ કરી કે ધારાસભ્ય એક પબ્લિક ટ્રસ્ટની સ્થિતિમાં હોય છે અને પોતાના પદના પ્રભાવનો ઉપયોગ કરી શકે છે. તેમણે એ પણ યાદ અપાવ્યું કે સેંગર પહેલેથી જ પીડિતાના પિતાનાં કસ્ટડીમાં થયેલાં મોતના મામલામાં દોષી છે.
CBIએ POCSO અધિનિયમની કલમ 42Aનો હવાલો આપીને કહ્યું કે આ કાયદો અન્ય તમામ કાયદાઓ પર પ્રાથમિકતા (overriding effect) ધરાવે છે. આવા સંજોગોમાં IPCની સંકુચિત વ્યાખ્યાના આધારે POCSOના ગંભીર પ્રાવધાનોને નિષ્ક્રિય ન કરી શકાય.
સેંગર તરફથી વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દવે અને એન. હરિહરને દિલ્હી હાઇકોર્ટના આદેશનો બચાવ કર્યો હતો. તેમનું કહેવું હતું કે ટ્રાયલ કોર્ટે સેંગરને પબ્લિક સર્વન્ટ માનીને સજા આપી હતી, જ્યારે આ વર્ગીકરણ પોતે કાનૂની રીતે વિવાદિત છે. તેમના મતે આ જ આધારે હાઇકોર્ટે સજા સસ્પેન્ડ કરી અને જામીન આપ્યા હતા.
પરિવારની પ્રતિક્રિયા અને મીડિયા નિવેદનો
સુપ્રીમ કોર્ટના આદેશ પછી સેંગરના પરિવાર તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેની પુત્રી ઐશ્વર્યા સેંગરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેઓ મામલાના ગુણ-દોષ પર ચર્ચા પણ શરૂ કરી શક્યા નહીં. તેમણે આરોપ લગાવ્યો કે પીડિતાએ ઘટનાના સમયને લઈને અલગ-અલગ નિવેદનો આપ્યાં હતાં અને AIIMS મેડિકલ બોર્ડની રિપોર્ટ મુજબ તેની ઉંમર 18 વર્ષથી વધુ દર્શાવવામાં આવી હતી.
Supreme Court stays the order of the Delhi High Court, which suspended the life sentence of expelled Bharatiya Janata Party (BJP) leader Kuldeep Singh Sengar in the 2017 Unnao rape case of a minor girl.
— ANI (@ANI) December 29, 2025
Aishwarya Sengar, daughter of Kuldeep Singh Sengar, says, "We couldn’t even…
બીજી પુત્રી ઈશિતા સેંગરે એક જાહેર નિવેદન જારી કરીને કહ્યું કે છેલ્લા આઠ વર્ષોમાં તેમનો પરિવાર સતત સામાજિક, માનસિક અને આર્થિક દબાણ સહન કરતો રહ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર મળતી ધમકીઓ, જાહેર આક્રોશ અને ભયના વાતાવરણની વાત કરતા કહ્યું કે તેમના મતે પુરાવા અને કાનૂની પ્રક્રિયા પર જાહેર દબાણ હાવી થઈ ગયું છે. તેમ છતાં તેમણે ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ વ્યક્ત કરતા નિષ્પક્ષ સુનાવણીની અપીલ કરી છે.
To
— Dr Ishita Sengar (@IshitaSengar) December 29, 2025
The Hon’ble Authorities of the Republic of India,
I am writing this letter as a daughter who is exhausted, frightened, and slowly losing faith, but still holding on to hope because there is nowhere else left to go.
For eight years, my family and I have waited. Quietly.…
દિલ્હી હાઇકોર્ટે કેમ આપ્યા હતા જામીન?
23 ડિસેમ્બર 2025ના રોજ દિલ્હી હાઈકોર્ટે કુલદીપ સેંગરની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરીને તેને શરતી જામીન આપ્યા હતા. અદાલતે કહ્યું હતું કે POCSO અધિનિયમની કલમ 5(c) હેઠળ તે ‘પબ્લિક સર્વન્ટ’ની શ્રેણીમાં આવતો નથી અને ન કલમ 5(p) હેઠળ ‘પોઝિશન ઑફ ટ્રસ્ટ ઑર ઑથોરિટી’ની શ્રેણીમાં આવે છે.
હાઇકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે POCSO અધિનિયમની વ્યાખ્યાઓ IPC, CrPC, કિશોર ન્યાય અધિનિયમ કે IT એક્ટમાંથી લેવામાં આવી છે અને IPCની કલમ 21માં ધારાસભ્યને પબ્લિક સર્વન્ટ માનવામાં આવ્યા નથી. આ જ આધારે કોર્ટે કહ્યું કે એગ્રાવેટેડ ઑફેન્સની જોગવાઈઓ લાગુ પડતી નથી. સેંગર 7 વર્ષ 5 મહિનાથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યો છે, જે કલમ 4 POCSO હેઠળની ન્યૂનતમ સજા કરતાં વધુ છે, તેથી અપીલ પેન્ડિંગ રહે ત્યાં સુધી જામીન યોગ્ય છે. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તેને કોઈ અપરાધમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો નથી અને જામીન તકનીકી આધાર પર આપવામાં આવ્યા છે, મામલાના ગુણ-દોષ પર નહીં.
સોશિયલ મીડિયા પર ઉઠેલા દાવા અને વિરોધાભાસ
દિલ્હી હાઇકોર્ટના આદેશ પછી સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે મામલામાં કથિત વિરોધાભાસો તરફ ઇશારો કર્યો છે. આમાં ઘટનાના સમયને લઈને પીડિતાના અલગ-અલગ નિવેદનો, ઉંમર સાથે સંબંધિત વિવિધ દસ્તાવેજો, મેડિકલ બોર્ડના સૂચનો અને ફરિયાદ નોંધાવવામાં વિલંબ જેવા મુદ્દાઓ સામેલ છે.
रेप केस में किसी को कैसे फंसाया जाता है इसका classic example उन्नाव मामला है। आरोप लगाने वाली लड़की अपना पहला बयान दर्ज कराती है। पूरी घटना विस्तार में बताती है। इसका-उसका नाम बताती है। कहीं भी मुख्य आरोपी शुभम सिंह की बहन नाम नहीं आता। फिर अचानक उसे और बयान दर्ज कराने वालों याद… pic.twitter.com/YYtdB5fQS1
— Divya Kumar Soti (@DivyaSoti) December 28, 2025
એક મુખ્ય મુદ્દો ઘટનાના સમયને લઈને છે. દસ્તાવેજો અનુસાર પીડિતાએ 17 ઑગસ્ટ 2017ના રોજ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ઘટનાનો સમય બપોરે 2 વાગ્યે જણાવ્યો હતો, 12 સપ્ટેમ્બર 2017ના મીડિયા ઇન્ટરવ્યુમાં સાંજે 6 વાગ્યે કહ્યું અને અભિયોજન વખતે રાત્રે 8થી 8:30 વાગ્યેનો સમય જાણાવાયો.
પીડિતાની ઉંમરને લઈને પણ વિરોધાભાસી દસ્તાવેજો સામે આવ્યા છે. વિવિધ સ્ત્રોતોથી રજૂ કરાયેલા રેકોર્ડમાં તેની જન્મતારીખ 17 ઑગસ્ટ 2001, 5 જુલાઈ 1998 અને ઑગસ્ટ 2002 નોંધાયેલી છે. RML હોસ્પિટલ, CMO ઉન્નાવ અને AIIMSના મેડિકલ રિપોર્ટ્સ અનુસાર તે ઘટનાના સમયે 18 વર્ષથી વધુની હતી, જ્યારે સ્કૂલ રેકોર્ડ અને અદાલતમાં આપેલા નિવેદનોમાં તેને સગીર ગણાવવામાં આવી હતી.
કેટલાક દાવાઓમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ફરિયાદમાં પછીના તબક્કાઓમાં નામો ઉમેરવામાં આવ્યા અને કેટલાક આરોપો પછીથી હટાવી દેવામાં આવ્યા. જોકે આ તમામ દાવા કોર્ટ સમક્ષ વિચારાધીન રહ્યા છે અને તેમનો અંતિમ નિર્ણય ન્યાયિક પ્રક્રિયા હેઠળ જ થવાનો છે.
ઉન્નાવ રેપ કેસનો સમગ્ર ઘટનાક્રમ
4 જૂન, 2017માં ઉન્નાવ જિલ્લાના માખી ગામની એક 17 વર્ષીય સગીરાએ આરોપ લગાવ્યો કે 4 જૂનના રોજ કુલદીપ સિંઘ સેંગરે તેને નોકરી અપાવવાના બહાને પોતાના ઘરે બોલાવી અને તેની સાથે બળાત્કાર કર્યો. પીડિતાના જણાવ્યા અનુસાર તેને ધમકી આપવામાં આવી કે આ વિશે કોઈને કહેશે નહીં. 11થી 20 જૂન વચ્ચે તેને કથિત રીતે કેટલાક સ્થાનિક લોકોએ તેનું અપહરણ કરીને સામૂહિક બળાત્કાર કર્યો, જે પછી 20 જૂનના રોજ IPCની કલમો હેઠળ FIR નોંધાઈ. આ FIRમાં સેંગરનું નામ સામેલ નહોતું.
ઑગસ્ટ 2017માં પીડિતાએ સેંગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ પર તેનું નામ સામેલ ન કરવાનો આરોપ લાગ્યો. ફેબ્રુઆરી 2018માં તેણે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો અને સેંગરનું નામ મામલામાં ઉમેરવાની માંગ કરી.
એપ્રિલ 2018માં પીડિતાના પિતાને સેંગરના ભાઈ અતુલ અને અન્ય લોકોએ કથિત રીતે માર માર્યો. તે પછી તેમને આર્મ્સ એક્ટના એક કથિત ખોટા કેસમાં જેલ મોકલી દેવાયા. તપાસમાં પછીથી એ સામે આવ્યું કે તેમની પાસેથી મળેલી દેશી પિસ્તોલ પ્લાન્ટ કરવામાં આવી હતી. 8 એપ્રિલ 2018ના રોજ પીડિતાએ મુખ્યમંત્રી આવાસ બહાર આત્મદાહનો પ્રયાસ કર્યો. આગલા દિવસે 9 એપ્રિલના રોજ તેના પિતાનું ન્યાયિક કસ્ટડીમાં મોત થઈ ગયું, તેમના શરીર પર પોસ્ટમોર્ટમમાં અનેક ઈજાના નિશાન મળ્યા હતા.
કેસે રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું અને 12 એપ્રિલ 2018ના રોજ તપાસ CBIને સોંપવામાં આવી. અલ્હાબાદ હાઇકોર્ટની ફટકાર પછી 13 એપ્રિલના રોજ CBIએ કુલદીપ સિંઘ સેંગરની ધરપકડ કરી. તે પછી અન્ય આરોપીઓની પણ ધરપકડ થઈ અને પીડિતાનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયું, જ્યાં તેની ઉંમર વિવાદનો વિષય બની.
2019માં મામલો વધુ ગંભીર બન્યો જ્યારે 28 જુલાઈના રોજ પીડિતા અને તેનો પરિવાર એક રોડ અકસ્માતનો શિકાર બન્યો, જેમાં તેના બે સંબંધીઓનું મૃત્યુ થયું અને તે તથા તેના વકીલ ગંભીર રીતે ઘાયલ થયા. તે પછી સુપ્રીમ કોર્ટે તમામ સંબંધિત કેસોને દિલ્હી ટ્રાન્સફર કરી દીધા અને પીડિતા તથા તેના પરિવારને CRPF સુરક્ષા આપવાનો આદેશ આપ્યો.
ડિસેમ્બર 2019માં દિલ્હીની ટ્રાયલ કોર્ટે કુલદીપ સિંઘ સેંગરને સગીરા સાથે બળાત્કારનો દોષી ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા સંભળાવી. માર્ચ 2020માં તેને પીડિતાના પિતાનાં કસ્ટડીમાં મૃત્યુના મામલામાં પણ દોષી ઠેરાવામાં આવ્યો અને 10 વર્ષની વધારાની સજા આપવામાં આવી.
તે પછીના વર્ષોમાં સેંગર જેલમાં રહ્યો, તેની જામીન અરજીઓ નકારાતી રહી અને પીડિતા પોતાના પરિવાર સાથે સુરક્ષામાં જીવન વિતાવતી રહી. મે 2025માં સુપ્રીમ કોર્ટે પીડિતાના પરિજનોની સુરક્ષામાં કેટલીક ઢીલ આપી, પરંતુ પીડિતા માટે સુરક્ષા ચાલુ રાખવાનો આદેશ આપ્યો.
23 ડિસેમ્બર 2025ના રોજ દિલ્હી હાઇકોર્ટે તકનીકી આધારે સેંગરને જામીન આપ્યા, પરંતુ 29 ડિસેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એ આદેશ પર રોક લગાવીને તેની મુક્તિ પર બ્રેક લગાવી દીધી.


