નવસારીના ડાભેલ ગામમાં એક હિંદુ જનજાતીય યુવકની જાહેરમાં માર મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે ગામના જ કેટલાક માથાભારે મુસ્લિમ શખ્સોએ યુવકની હત્યા કરી હતી. આરોપીઓમાં સગીરો પણ સામેલ છે અને તમામ કસાઈઓના પરિવાર સાથે સંકળાયેલા છે. યુવકે મૃત્યુ પહેલાં એક વિડીયોમાં જણાવ્યું હતું કે તે અગાઉ કસાઈઓને ત્યાં કામ કરતો હતો, પણ ગાય કાપવાનું કહેતાં તેણે ના પાડી હતી અને તેની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો છે. સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. નવસારી પોલીસે FIR દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરી લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. ફરિયાદી દિપક કાળીદાસ રાઠોડ (હળપતિ) નવસારીના ડાભેલ ગામે રહીને મજૂરીનું કામ કરતા હતા. એક વર્ષ પહેલાં પીડિત તેમના ફળિયામાં જ રહેતા માથાભારે શૌકત ઉસ્માન એકલવાયાને ત્યાં મજૂરીનું કામ કરતા હતા. પીડિત પરિવારનો દાવો છે કે શૌકત ઉસ્માન સહિતના શખ્સો ન તો તેમને પૂરતા પૈસા આપી રહ્યા હતા અને વારંવાર ગાય કાપવા માટે કહી રહ્યા હતા.
ગૌહત્યાનો ઇનકાર કરીને એક વર્ષ પહેલાં દિપકે શૌકતને ત્યાં કામ કરવાનું બંધ કરીને બીજી જગ્યાએ ગાય-ભેંસ ચરાવવાનું કામ શરૂ કર્યું હતું. આ ઘટનાના એક વર્ષ બાદ 15 ડિસેમ્બરના રોજ સાંજના 6:30 કલાક આસપાસ દિપક પોતાનું કામ પતાવીને ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ કબ્રસ્તાનની બાજુમાં આરોપીઓએ રસ્તો આંતરીને તેમને ગાળો આપવાની શરૂ કરી દીધી હતી.
આરોપ છે કે હસન શૌકત એકલવાયા અને હુસૈન મહમદ એકલવાયાની સાથે અજાણ્યા શખ્સોએ દિપકને બેફામ જાતિવિષયક ગાળો આપી હતી અને માર મારવાનો શરૂ કર્યો હતો. આરોપીઓએ પીડિતને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફરિયાદ મુજબ, હુસૈન અને બીજા અજાણ્યા માણસોએ દિપકને પકડી રાખ્યો હતો અને હસન સહિતના આરોપીઓએ સાયકલમાંથી કુહાડો કાઢીને માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ફરિયાદીને છાતી અને પગના ભાગમાં ગંભીર માર મારવામાં આવ્યો. દરમ્યાન દિપકે બૂમાબૂમ કરતા તેમનાં પત્ની, પિતા અને અન્ય સ્થાનિકો આવી જતાં આરોપીઓ ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ સ્થાનિકોએ એમ્બ્યુલન્સ બોલાવીને દિપકને સારવાર માટે ખસેડ્યો હતો. નવસારીની સિવિલ હોસ્પિટલમાં ફરિયાદીની સારવાર કરવામાં આવી રહી હતી.
સારવાર દરમિયાન દિપકનું મોત, FIRમાં હત્યાની કલમ ઉમેરાઈ
દિપકને સારવાર માટે હોસ્પિટલમાં લવાયા બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. દરમિયાન મરોલી પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પીડિતના નિવેદનના આધારે FIR નોંધવાની કામગીરી શરૂ કરી દીધી હતી. પોલીસે હસન મહમદ એકલવાયા, હુસૈન શૌકત એકલવાયા અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ BNSની કલમ 115(2), 117(2), 352, 351(3) અને 54 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(R)(S), 3(2)(5-A) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કર્યો હતો.
સારવાર દરમિયાન દિપકની હાલત વધુ ગંભીર બની ગઈ અને તેના કારણે તેમનું મૃત્યુ થયું. ત્યારબાદ મોટી સંખ્યામાં હિંદુ સમાજના લોકો એકઠા થઈ ગયા હતા અને ન્યાયની માંગણી તીવ્ર બની. બાદમાં પોલીસે આ કેસમાં હત્યાની કલમ 302નો ઉમેર્યો કર્યો. સ્થાનિક હિંદુ સંગઠનોએ સારવાર દરમિયાન દિપકનું નિવેદન વિડીયોમાં રેકોર્ડ કર્યું હતું, તે વિડીયો ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
વિડીયોમાં દિપક કહી રહ્યા છે કે, મુસ્લિમ શખ્સોએ તેમને એટલા માટે માર માર્યો હતો કારણ કે તેમણે આરોપીઓને ત્યાં ગાય કાપવા જવા માટેનો ઇનકાર કરી દીધો હતો. દરમિયાન તેમણે એવું પણ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આરોપીઓ તેમને હેરાન કરી રહ્યા હતા અને તે બાબતે તેમના પરિવારે મરોલી પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી, તેમ છતાં પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.
વિડીયોમાં દિપકે કહ્યું છે કે અગાઉ પણ તેમને માર મારવામાં આવ્યો હતો અને તે સમયે તેમણે મરોલી પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી પણ કરી હતી. જોકે તેમણે આરોપ લગાવ્યો છે કે મરોલી પોલીસ કોઈ વાત સાંભળવા તૈયાર નહોતી અને તેમને પોલીસ સ્ટેશનમાંથી વારંવાર બહાર કાઢી રહી હતી.
શું કહી રહી છે પોલીસ?
પોલીસ પર ઉઠતા સવાલો મામલે નવસારી DySP (SC/ST સેલ) એચ. બી ચાંદુનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે પીડિત પરિવાર તરફથી આવી કોઈ અરજી આપવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું નથી, પણ તાજેતરની ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરીને FIR દાખલ કરી લીધી હતી અને પીડિતના મૃત્યુ બાદ હત્યાની કલમો પણ ઉમેરવામાં આવી છે. ઘટનામાં તમામ આરોપીઓ પકડાઈ ગયા હોવાનું જણાવીને તેમણે ઉમેર્યું કે નવસારી પોલીસ આ મામલે વિધિસરની કાર્યવાહી હાથ ધરી રહી છે અને ભવિષ્યમાં આમાં વધુ આરોપીઓ સંડોવાયેલા હોવાનું બહાર આવે તો તેમની વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
દિપકને અગાઉ પણ ગાય ન કાપવાને લઈને માર મારવામાં આવ્યો હતો. તે સમયે પણ દિપકે મીડિયા સમક્ષ એ જ વાત રજૂ કરી હતી કે મુસ્લિમ શખ્સો તેમના પર ગાય કાપવા માટેનું દબાણ કરી રહ્યા છે અને આવું ન કરવા પર માર મારવામાં આવી રહ્યો છે. આ વિડીયો પણ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
‘કડકમાં કડક કાર્યવાહી થાય, આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવે’: હિંદુ કાર્યકર્તા
દિપકને અગાઉ પણ ગાય ન કાપવાને લઈને માર મારવામાં આવ્યો હતો. તે સમયે પણ દિપકે મીડિયા સમક્ષ એ જ વાત રજૂ કરી હતી કે મુસ્લિમ શખ્સો તેમના પર ગાય કાપવા માટેનું દબાણ કરી રહ્યા છે અને આવું ન કરવા પર માર મારવામાં આવી રહ્યો છે. આ વિડીયો પણ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. દિપકના મૃત્યુ બાદ તેમનાં પત્નીએ પોલીસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે અગાઉ બે વખત પોલીસ સ્ટેશનમાં જઈને અરજી કરવામાં આવી હતી, તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી અને આખરે તેમના પતિની હત્યા કરી નાખવામાં આવી.
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં હિંદુ કાર્યકર્તા જય પટેલ નાગરાજે આરોપ લગાવ્યો કે પોલીસે માત્ર ત્રણ શખ્સોને જ આરોપી બનાવ્યા છે, જ્યારે આ ઘટનામાં ત્રણથી વધુ લોકો સામેલ હતા. જોકે પોલીસનું કહેવું છે કે ઘટનામાં સામેલ જેટલા આરોપી હતા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્યોની સંડોવણી વિશે હાલ તપાસ ચાલી રહી છે. નાગરાજે કહ્યું કે, હિંદુ સમાજની માંગણી છે કે આરોપીઓનો જાહેરમાં ડાભેલ ગામમાં જ વરઘોડો કાઢવામાં આવે અને ગુજસીટોકનો ગુનો દાખલ કરીને કડકમાં કડક દાખલો બેસાડવામાં આવે. તેમણે પોલીસ પર કાર્યવાહીમાં બેદરકારીનો આરોપ લગાવીને જે-તે સમયના અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગ કરી.
ભૂતકાળમાં પણ વિવાદોમાં રહી ચૂક્યું છે ગામ
નોંધનીય છે કે જલાલપોર તાલુકાના સંવેદનશીલ ગણાતા ડાભેલ ગામમાં મુસ્લિમ સમુદાયની વસ્તી બહુમતીમાં છે અને હળપતિ હિંદુ સમાજના લોકોની વસ્તી ઘણી ઓછી છે. ગામમાં રહેતા શૌકત એકલવાયા ઉર્ફે શૌકત ડુમની માથાભારે ઈસમ તરીકેની છાપ છે. ભૂતકાળમાં પણ તેના પર ગૌહત્યા અને મારામારી સહિતના ગુનાઓ નોંધાયા હતા. જેની પુષ્ટિ પોલીસે પણ કરી છે. સ્થાનિકો, હિંદુ કાર્યકર્તાઓનું કહેવું છે કે આખા ગામમાં આ મુસ્લિમ પરિવારે ભયનું વાતાવરણ ઊભું કર્યું છે, અનેક નિર્દોષોને જાહેરમાં મારવામાં આવતા હોવા છતાં કોઈ ફરિયાદ પણ કરી શકતું નથી.
સાથે એ પણ નોંધવા જેવું છે કે મુસ્લિમ બહુમતી ધરાવતું આ ડાભેલ ગામ અગાઉ પણ વિવાદમાં આવ્યું હતું. 2023માં અહીં નાસ્તા સેન્ટર ચલાવતા અહમદ મહંમદ સુઝને ત્યાં મરોલી પોલીસે દરોડા પાડ્યા હતા અને જાણવા મળ્યું હતું કે તે ચિકન-મટનનાં નામે ગૌમાંસ ભરેલાં સમોસાં લોકોને ખવડાવી રહ્યો હતો. તે છેલ્લા ચાર વર્ષથી લોકોને ગૌમાંસનાં સમોસાં ખવડાવી રહ્યો હતો. ગામના મુસ્લિમો સિવાય આસપાસના હિંદુઓ પણ આ સમોસાં ખાતા હતા. પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
વલસાડના સાંસદે પીડિત પરિવારની લીધી મુલાકાત, કાર્યવાહીનું આશ્વાસન
દિપકનાં મૃત્યુ બાદ સ્થાનિક ભાજપના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોલીસ સાથે ચર્ચા કરીને કડક કાર્યવાહી માટેની તૈયારી દર્શાવી હતી. આ દરમિયાન વલસાડના ભાજપ સાંસદ ધવલ પટેલ પણ પીડિત પરિવારના ઘરે ડાભેલ પહોંચ્યા હતા. તેમણે દિપકની મૈયતને કાંધ આપી હતી અને કડક કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું હતું. દરમિયાન તેમણે કથિત આદિવાસી-દલિત મસીહાઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને તેમના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
નવસારીમાં આદિવાસી યુવક દીપક પટેલની વિધર્મી દ્વારા કરપીણ હત્યાનો બનાવ બન્યો હતો, મૃતકના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી અને પરિવારને જલ્દી ન્યાય અપાવવાનું વચન આપ્યું. આરોપીને કડકમાં કડક સજા થાય અને સમાજમાં દાખલો સ્થાપિત થાય તે માટે તમામ પ્રયત્નો કરવા હું વચનબદ્ધ છું અને પરિવારની… pic.twitter.com/MRUYIGSfDb
— Dhaval Patel (@dhaval241086) December 20, 2025
તેમણે કહ્યું હતું કે આદિવાસી સમાજના મસીહા બનીને ફરતા અમુક લોકો માત્ર સમાજનો રાજકીય ઉપયોગ કરે છે. તેમણે ચૈતર વસાવા પર પ્રહાર કરતા કહ્યું હતું કે નવસારી, અંબાજી, ઉમરગામ કે અન્ય સ્થળોએ આદિવાસીઓના નામે પહોંચી જતા ધારાસભ્ય ચૈતર વસાવા કે અનંત પટેલ આજે મુસ્લિમ દ્વારા આદિવાસી યુવકની હત્યા કરવામાં આવી તો દેખાતા પણ નથી. તેનું કારણ એ છે કે તેમને તેમની વૉટબેન્ક છીનવાઈ જવાનો ડર છે.


